
વિનોદ પોપટ દ્વારા
એક હકીકત છે કે એક નાના ગામમાં અર્થાત ૩ ટીયર ગામમાં રહેતી વ્યક્તિનું સપનું હોય 2 ટીયર શહેરમાં સ્થાયી થવાનું અને 2 ટીયર શહેરોમાં રહેતા લોકો મેટ્રો સિટીઝમાં સ્થળાંતરિત થવા વિશે પ્લાનિગ કરે અને મેટ્રો સિટિઝમાં રહેતા લોકો વિદેશમાં સ્થાયી થવાનું સપનું જોતા હોય તે સ્વાભાવિક છે. એક સમય એવો હતો જ્યારે લોકો ભારત થી ભણવા માટે યુએસ જતા અને ત્યાંનાં જ થઈને રહી જતા. અને જે લોકો ભણવા ન જઈ શકતા એ લોકો યેન કેન પ્રકારેણ વિઝા મેળવી યુએસ માં પ્રવેશ મેળવી લેતા ને ત્યાં રહી જતા.
આ પરંપરાગત સ્થળાંતર પ્રવાહમાં હવે આશ્ચર્યજનક રીતે ઉલટફેર જોવા મળી રહ્યો છે. સ્થળાંતર કરવા ઈચ્છુક અમેરિકી નાગરીકો યુરોપ કે દક્ષિણપૂર્વ એશિયાને હોમ ટાઉન બનાવવા નો વિચાર કરતા હતા તેઓ હવે ભારતને હોમ ટાઉન બનાવવા માટે પોતાનો સામાન પેક કરી રહ્યા છે. એક સમયે વિદેશોમાં સ્થાયી થઈ શકે એ માટે પોતાના નાગરીકો નો નિકાસ કરી રહેલ ભારત હવે વૈશ્વિક નાગરિકો માટે એક ચુંબક તરીકે ઉભરી રહ્યું છે, જેમાં હજારો અમેરિકનોનો સમાવેશ થાય છે જેઓ બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઈ – અને વધુને વધુ ગોવા જેવા શહેરોને તેમના નવા ઘર તરીકે પસંદ કરી રહ્યા છે. એમાં નવાઈ એ કે , આરીતે ભારત આવવા સામાન પેક કરી રહેલ લોકોમાં માત્ર ભારતીય મૂળના અમેરિકી નાગરીકો જ નહિ પરતું. મૂળ અમેરિકી નાગરીકો પણ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે.
આ પલટાયેલું વલણ એક વૈશ્વિક પરિવર્તનનો સંકેત આપે છે, જ્યાં ભારતની આર્થિક શક્તિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિકસિત શહેરી જીવનશૈલી, પશ્ચિમી જીવનશૈલી માટે આકર્ષક વિકલ્પો પ્રદાન કરે છે.
આજે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પૂર્વમુખી લહેર શામાટે વધી રહી છે.
1. ભારતનું તેજીમય અર્થતંત્ર અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ
ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. અમેરિકન વ્યાવસાયિકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને રોકાણકારો બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યા છે, જ્યાં ટેક સ્ટાર્ટઅપ્સ, AI કંપનીઓ, ગ્રીન એનર્જી જોઈન્ટ વેન્ચર્સ અને વૈશ્વિક R&D સેન્ટર્સ ખુલી રહ્યા છે.
જોકે, આ લહેર માત્ર આઈટી સેન્ટ્રીક શહેરોમાં જ નહિ , સૌ ગોવા જેવા સ્થળો તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. અહી ગોવામાં ડિઝાઇન, સંગીત, પર્યટન, વેલનેસ અને ડિજિટલ મીડિયામાં સ્ટાર્ટ-અપ્સ શરુ થઇ રહ્યા છે. પણજી અને આસગાંવ જેવા સ્થાનોમાં કો-વર્કિંગ સ્પેસ અને ટેક મીટઅપ્સ હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને આકર્ષે છે.
2. ગોવા: ધ ન્યૂ ગ્લોબલ વિલેજ
ગોવા હવે ફક્ત બૅકપેકર કે પર્યટકો માટેનું સ્થળ જ નથી રહ્યું. જે વધુ સારા જીવન સંતુલનની શોધમાં છે તેવા અમેરિકન માટે ગોવા પ્રાઈમ વિકલ્પ બની ગયું છે. ગોવાની કુદરતી સુંદરતા, આધુનિક ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહિષ્ણુ, મલ્ટી-કલચરલ વાતાવરણે તેને ડિજિટલ નોમાડ્સ, કલાકારો માટે એક પ્રિય સ્થળ બનાવ્યું છે.
બીચસાઇડ કાફેથી લઈને હાઈ-સ્પીડ ફાઇબર બ્રોડબૅન્ડ ઈન્ટરનેટ, યોગ શાળાઓ, ઓર્ગેનિક ફાર્મ અને બુટિક ડિઝાઇન સ્ટુડિયો સુધી, ગોવા પરંપરા અને આધુનિકતાનું પરફેકટ બ્લેન્ડ સમાન છે. મૂળ તો યુએસની તુલનામાં, જીવન ખર્ચ ઘણો ઓછો છે, છતાં જીવનની ગુણવત્તા – સ્વચ્છ હવા અર્થાત પોલ્યુશન રહિત, લોકોનો હેલ્પિંગ સ્વભાવ, આ સઘળું જ એ લોકો માટે આકર્ષણ નાં કારણો છે.
૩. આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને જીવનશૈલી પ્રત્યેનું આકર્ષણ
આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા લોકો માટે ભારત હમેશ વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. અમેરિકનો માટે ઋષિકેશ, વારાણસી અને ઓરોવિલ જ હવે યોગ, આયુર્વેદ, વેદાંત અને ‘મેડીટેશન’(ધ્યાન) માટે એક માત્ર વિકલ્પ નથી રહ્યા. હવે ગોવા પણ એ સૂચીમાં વેલનેસ, પર્યટન અને ઓવરઓલ લાઈફસ્ટાઈલ માટે મુખ્ય પ્રવાહમાં ઉમેરાઈ ગયું છે.
મનોરમ્ય સૂર્યોદય, મેડીટેશન, શાકાહારી કાફે હોય કે સાંસ્કૃતિક ઉત્સવો હોય, ગોવાનો શાંત છતાં વૈશ્વિક લાઈફસ્ટાઈલ નવી પીઢીનાં અમેરિકન નાગરિકોને આકર્ષિત કરી રહી છે.
૪. રીમોટ વર્ક અને ડિજિટલ સ્વતંત્રતા
કોવિડ 19- મહામારી પછી ‘વર્ક ફ્રોમ હોમ’ ની સંસ્કૃતિએ ભૌગોલિક અવરોધો તોડી નાખ્યા છે. પોર્ટલેન્ડનો ફ્રીલાન્સ ડિઝાઇનર, ઑસ્ટિનનો AI સલાહકાર, અથવા ન્યૂ યોર્કનો ક્રિપ્ટો વિશ્લેષક હવે ગોવાના બીચ વિલા અથવા બેંગલુરુના ફ્લેટમાંથી એટલી જ સરળતાથી કામ કરી શકે છે.
ભારતનું વિસ્તરતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓછી કિંમત અને યુરોપ અને એશિયા સાથેનો સમય-ઝોન ઓવરલેપ તેને વૈશ્વિક સ્તરે મોબાઇલ વ્યાવસાયિકો માટે આદર્શ બનાવે છે. ભારત સરકારના ઈ-વિઝા અને લોંગ ટર્મ રેસિડન્સી સ્કિમ્સ, પણ એમના માટે આકર્ષણ નું કારણ છે.
5. યુ.એસ.માં વધતી જતી મોંઘવારી અને સામાજિક અશાંતિ
ઘણા અમેરિકનો યુ.એસ.માં વધતી જતી મોંઘવારી, જીવનનિર્વાહનો વધતો ખર્ચ, વધતી જતી ગુનેગારી, સ્વાસ્થ્ય સમસ્યાઓ, અને સામાજિક વિભાજનને કારણે અમેરિકાથી અળગા થઇ રહ્યા છે. તેનાથી વિપરીત, ભારતીય શહેરો – પોતપોતાની મર્યાદાઓ હોવા છતાં પણ યુ.એસ. કરતા ઓછા ખર્ચે સલામતી અને સ્વાસ્થ્ય કાળજી પ્રદાન કરવામાં સક્ષમ છે.
ગોવામાં, ગતિ ધીમી છે, લોકો મૈત્રીપૂર્ણ છે, અને કલાયમેટિક કંડીશન્સ વેલનેસ માટે ઉચિત છે. જીવનમાં સરળ બનાવવા, સ્વાસ્થ્ય કાળજી અથવા જીવનને રીબૂટ કરવા માંગતા અમેરિકનો માટે એક પરફેક્ટ સ્થાન છે.
6. ભારતનો સોફ્ટ પાવર અને વૈશ્વિક નેતૃત્વ
વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ, કુટનીતિ, ટેક્નિક, ટેક પાવરહાઉસ, સાંસ્કૃતિક પ્રભાવક અને ગ્લોબલ સાઉથ માટે ‘અવાજ’ તરીકે – ભારતનું વધતું વૈશ્વિક કદ – ભારતની છબી હવે બદલાઈ રહી છે. ભારતીય ફિલ્મો, ફૂડ, સંગીત, આધ્યાત્મ, ફિલસૂફી અને ડિજિટલ ડેવલપમેન્ટ એક નવા સ્ટાન્ડર્ડે સેટ કર્યા છે. .
ઘણા અમેરિકનો માટે, ભારત માં માઈગ્રેટ થવું એ કોઈ પલાયનવાદ નથી પણ એક પ્રગતિશીલ સભ્યતામાં સહભાગી થવાનું કાર્ય છે.
નિષ્કર્ષ: સિલિકોન વેલીથી સાંગોલ્ડા
અમેરિકાથી ભારત- સિલિકોન વેલીથી બેંગલુરુ, બ્રુકલિનથી બાંદ્રા, અને મિયામીથી મોર્જિમ સુધી – આ માઈગ્રેશન મૂલ્યો અને અપ્રોચમાં વૈશ્વિક પાર્ટનરશીપનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત ફક્ત આર્થિક તક જ નહીં પરંતુ જીવન જીવવાની એક નવી રીત પણ પ્રદાન કરે છે.
જેમ જેમ ભારત આગળ વધી રહ્યું છે, તે ફક્ત મૂડી અને રોકાણને આકર્ષિત કરી રહ્યું નથી – તે વિશ્વભરના લોકો, વિચારધારા અને જીવનશૈલીને આકર્ષિત કરી રહ્યું છે. અને તેના સૌથી આશ્ચર્યજનક નવા રહેવાસીઓમાં? હજારો અમેરિકનો જે હવે ભારતને, અને ખાસ કરીને ગોવાને, પોતાનું ઘર માને છે.



