Adolscence
એડિટરની ચોઈસ - મનોરંજન - મોજવાણી - હોમ

એડોલસન્સ- ડિસ્ટ્રક્ટિવ ઑનલાઈન કન્ટેન્ટ નું પ્રતિબિંબ

Adolscence

એડોલસન્સ- ‘ટૉક્સિક મસ્ક્યુલિનિટી’ અને ડિસ્ટ્રક્ટિવ ઑનલાઈન કન્ટેન્ટનું સચોટ , હાર્ડ હિટીંગ નિરૂપણ

કોઈ કટ નહીં, કોઈ જમ્પ નહીં, રીયલ ટાઈમ ઇન્વેસ્ટીગેશન.   

ઇંગ્લિશ ટાઉનમાં વસતા સ્ટિફનના ઘરે પોલીસનું આવવું, ટીનએજર દીકરા જૅમી (ઓવેન કૂપર). ની ધરપકડ કરવી – પિતા ઍડી (સ્ટિફન ગ્રેહામ) અને માતા મેન્ડા (ક્રિસ્ટિન ટ્રેમાર્કો) બન્ને સ્તબ્ધ. દીકરા પર એક ૧૩ વર્ષની  કિશોરીનાં ખૂનનો આરોપ છે – કુલ સાત વાર ચાકુના કારમાં ઘા કરીને.

Adolscence

 “દીકરા, સાચું કહેજે, તે આ નથી કર્યુંને? મને ખબર છે તેં નથી કર્યું… રાઇટ?”

“ના, મેં નથી કર્યું, પપ્પા…”

એક દુખદ સત્યને છુપાવતી એ નિર્દોષતા, ન કહી શકાય કે ન સહી શકાય. બાપ – દીકરો ભેટીને રડી પડે.

‘Adolescence’ (એડોલસન્સ) માત્ર એક ક્રાઇમ ડ્રામા નથી. તે આજના સમયનું રિફ્લેક્ટિંગ મિરર છે, જ્યાં સંતાનો ડિજિટલ વર્લ્ડની ઝાકઝમાળમાં ખોવાઈ ગયા છે.

નેટફ્લિક્સ પર રજૂઆત પામેલ આ ચાર એપિસોડની બ્રિટિશ મિની સિરીઝે માત્ર ભારત જ નહીં, આખી દુનિયાનાં દર્શકોને સ્પિચલેસ કરી દીધા છે. આ ટીવી સીરીઝને દુનિયાભરમાં અત્યાર સુધી (એપ્રિલ 2025 સુધી)માં લગભગ ૬૬ લાખથી વધુ લોકોએ જોઈ છે અને માણી છે. તથા એના ચાહકોમાં નિરંતર વધારો થઇ રહ્યો છે.

આ બ્રિટીશ સિરીઝને બ્રિટનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મરે પણ પોતાના પરિવાર સાથે જોઈ છે અને તેને “મુશ્કેલ પરંતુ જરૂરી” ગણાવી છે. કિયર સ્ટાર્મરે એવી જાહેરાત કરી છે કે નેટફ્લિક્સની એ સિરીઝ સમગ્ર દેશની શાળાઓમાં બાળકોને પણ દેખાડવામાં આવે. એમના કહેવા પ્રમાણે “ટોક્સિક મેનોસ્પિયર” (પુરૂષપ્રધાન અને ડિસ્ટ્રક્ટિવ વિચારોની ઑનલાઈન દુનિયા) અને ઑનલાઈન કન્ટેન્ટનાં દૂષ્પ્રભાવો, બાળકોને સમજાવવામાં આ સિરીઝ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કેમકે શોમાં બાળકોની માનસિકતા – ટૉક્સિક મસ્ક્યુલિનિટી અને બાળકોના માનસ પર સોશિયલ મિડિયા ના પ્રભાવનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે.  

આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે એક 13 વર્ષનો છોકરો જૅમી (ઓવેન કૂપર), પોતાની ક્લાસમેટ કેટી લિયોનાર્ડ (એમિલિયા હોલીડે)ની હત્યા કરે છે. આ કેસની તપાસ કરતો ડિટેક્ટિવ તેમના ઈન્સ્ટાગ્રામ મેસેજ જોઈ રહ્યો હોય છે, ત્યારે તેને પહેલા તો એવું લાગે છે કે બંને મિત્રો જ હતા, પણ તે ડિટેક્ટિવનો પોતાનો પુત્ર, જે પોતે પણ એક ટીનએજર છે, તે જણાવે છે કે એ મેસેજમાં ઉપયોગ થયેલા ઇમોજી કોઈ સામાન્ય કે રેગ્યુલર ઈમોજી નથી, પણ હકીકતમાં મજાક ઉડાવવાનો કે બુલી કરવાનો કોડ છે. જે ઈમોજીને મિત્રતાની નિશાની માનવામાં આવે તે ઈમોજી ખરેખર બુલી કરવા માટેનો સંકેત હોય છે.

આમાંથી સ્પષ્ટ થાય છે કે આજના ટીનએજરની ભાષા અને વિચારધારાને મોટાઓ ઘણીવાર સમજી શકતા નથી. આ વાર્તા બન્ને પેઢી વચ્ચેની ખાઈને છતી કરે છે. શોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર એન્ડ્ર્યૂ ટેટ જેવા લોકોની માનસિકતા જ બાળકોને ખોટી દિશામાં લઈ જાય છે.

ટેકનિકલ કમાલ:

એડોલસન્સ માં દરેક દૃશ્યની માવજત, દૃશ્યનું મૌન …એવું ઘણું ઘણું કહી જાય છે, સંભળાવી જાય છે જે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

એક પણ કટ વિના, રૂંવાડા ઉભા કરી ઈમોશન્સ કચડી નાખે તેવી માવજત.

આખી સિરીઝનાં દરેક એપિસોડ એક શોટમાં શૂટ થયા છે. નાટક જેવી શૈલી ખરી પણ એક વાર કેમેરો ઓન થાય એટલે કલાકાર બદલાય, સંજોગો અને પરિસ્થિતિ બદલાય, લોકેશન પણ બદલાય સૌ ઓન-ટોઝ, પાત્રોની આંતરિક વ્યથા, જીવંત રહે. ધબક્યા કરે.

ક્રાઈમ કરનાર જેમિ, દીકરો ક્રાઈમ કરી જ ન શકે એવા આંધળા વિશ્વાસ સાથે જીવતા – પિતા ઍડી (સ્ટિફન ગ્રેહામ) અને મા મેન્ડા (ક્રિસ્ટિન ટ્રેમાર્કો), તથા ઇન્વેસ્ટીગેશન કરી રહેલ ઓફિસર્સ નાં સંવાદ, વકીલ, CCTV ફૂટેજ, Instagram પોસ્ટ્સ… બધું એક જ દિશામાં ઈશારો કરે છે, છતાં સત્ય તો પડછાયાની જેમ દર વખતે પલટાયા કરે છે. અને એ પ્રશ્નનો જવાબ  શું ખરેખર જૅમી એક ખૂની છે? એ સૌને માટે એક કોયડો બને છે.

સોશિયલ મીડિયા અને સાયકોલોજીકલ ઘટનાઓ

કિશોરાવસ્થાની માનસિકતાને આપણી સૌની સામે સ્પષ્ટ વિઝ્યુઅલ રૂપે રજૂ કરવાનું કામ ‘Adolescence’ સિરીઝમાં ખૂબ સતર્કતાથી કરાયું છે. સ્કૂલ, યુથ ડિટેન્શન સેન્ટર, અને એક નિપુણ મનોવિજ્ઞાનિકના ચહેરા પર તથા દરેકની વાતચીતમાં એક સવાલ ઊભો થાય છે: “શું એક સામાન્ય દેખાતો, સામાન્ય જીવન જીવતો છોકરો એટલી જ સરળતાથી અસામાન્ય બની શકે?” સ્કૂલનો માહોલ એ પ્રશ્ન ઉજાગર કરે કે અહી સ્કૂલમાં આવીને વિધાર્થીઓ ભણે છે કે ફેક અનાવરણો અને ઈમોજી – ડિજિટલ ગુફામાં ખોવાઈ જાય છે.

ત્રીજો એપિસોડ જૅમીનું કાઉન્સેલિંગ, ડિટેન્શન સેન્ટરમાં એની મન:સ્થિતિ અને ગુનાના પાછળની સંભાવિત માનસિક પરિસ્થિતિને સ્પર્શે છે. અહીંથી સિરીઝ ભાવનાત્મક ઊંડાઈની ઊંચાઈ પર પહોંચી જાય છે.

છેલ્લો એપિસોડ , સંકળાયેલ સર્વ પાત્રોની લાગણીઓનો વિસ્ફોટ છે. ઍડીના જન્મદિવસે જે રીતે દુ:ખ અને તિરસ્કારની ભાવનાઓ સૌના માનસને સુન્ન કરી દે છે, તે સ્પષ્ટ કરે છે કે સમાજ હવે કોઈને બીજી તક આપતું નથી.

સિરીઝ માત્ર મનોરંજન માટે નથી. તે એક આયનો છે — બાળકો, માતાપિતા, શિક્ષકો અને આખા સમાજ માટે.

શું આપણે ટીનએજરોની સમસ્યાઓ સાચા અર્થમાં સમજવા તૈયાર છીએ?

FirstPost નાં એક રીપોર્ટ અનુસાર યુકે માં 16 થી 17 વર્ષ નાં 80% લોકો એન્ડ્ર્યુ ટેટ જેવા મહિલા વિરોધી સોશલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર નું કન્ટેન્ટ જોતા હોય છે. જે કદાચ આપણા દેશમાં પણ સંભવ છે. આ બધાનું જ પરિણામ છે કે પાશ્ચાત્ય દેશોમાં બુલિંગ, ડીપકેક પોર્ન, અને સ્કૂલોમાં લૈંગિક હિંસા વધી રહી છે. એજ કારણ છે જેને લીધે યુકે અને અમેરિકામાં આ સિરીઝ સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

સક્ષમ પાસાઓ :

        ટેક્નિકલ અભિયાન – એક શોટમાં સમગ્ર એપિસોડ:

દરેક એપિસોડને એક સતત શોટમાં ફિલ્માવવાની ડિરેક્ટર ફિલિપ બારાંટિનીની હિમ્મત દાદ માગી લે છે. તે સિનેમેટિક રીતે દમદાર અનુભવ છે.

        કલાકારોનો અભિનય અને સાતત્યતા

નવોદિત ઓવેન કૂપર (જૅમી), એ સજોગોની તીવ્રતા યથાવત જાળવી આશ્ચર્યજનક પ્રભાવ છોડ્યો છે. તેની આંખોનું મૌન અને બોડી લેન્ગવેજ, પાત્રની માનસિકતા અને આંતરિક વ્યથા , આંતરિક સંઘર્ષ ઉજાગર કરવામાં સક્ષમ રહી છે. ક્રિમિનલ સંતાનના માતાપિતા  તરીકે  સ્ટિફન ગ્રેહામ અને ક્રિસ્ટિન ટ્રેમાર્કોએ કમાલ કરી છે.

        વાસ્તવિક લાગણી અને ટેન્શન:

આખી સિરીઝમાં એક પ્રકારની અસ્વસ્થતા સાથેનું ટેન્શન સતત રહે છે – જે જોઈ રહ્યા હોય તેમને વિચાર કરવા મજબૂર કરે છે. એક -એક એપિસોડ ફુરસદે જૂઓ કે પછી એક સાથે બીંજ વોચીંગ કરો..દરેક વખતે અંતે તમે સ્પિચલેસ જ થઇ જાવ એ નિશ્ચિત છે.

નબળું પાસું :

        કથાવસ્તુમાં ઊંડાણનો અભાવ:

એક હત્યા થઈ છે, આરોપ છે, ગુનેગાર ટીનએજર છે છતાં એવું લાગે જાણે શો ન્યુટ્રલ પ્રસ્તુત કરવાની સ્ટ્રેટેજી, ઈરાદાપૂર્વકની નરેશનલ ચોઇસ હોઈ શકે છે, પણ મનોવિજ્ઞાનિક પ્રશ્નો અને તથ્યો ને ઊંડાણથી સ્પર્શ કરી શકાયા ન હોય તેવું લાગે.

        સમગ્ર સિરીઝ અત્યંત ‘controlled’ લાગે છે:

જ્યારે દરેક એપિસોડ એક શોટમાં શૂટ થાય છે ત્યારે કલાકારો કે ટેકનિશિયનો દ્વારા કુદરતી રીતે ભૂલ થાય અને પાત્રોમાં થોડી “અનિયમિતતા” દેખાય અથવા સાહજિક રીતે જ કયાંક ગુંચવણો ઉદ્દભવે એ સ્વાભાવિક છે પણ અહીં બધું અત્યંત rehearsed અને મૅકેનિકલ લાગે છે. એટલે ક્યાંક ક્યાંક અભિનય પણ નિયંત્રિત અને સીમિત તથા મૅકેનિકલ હોય એમ લાગે છે.

        સંવાદો (Dialogues) મર્યાદિત અને રિપીટેશન:

પોલીસ સ્ટેશનના પુછપરછના દૃશ્યોમાં એવું લાગે જાણે એકના એક જ પ્રશ્નો, કે સૂચનો ફરી ફરી રિપીટ થતા રહે છે..

 ‘Adolescence’ એક ટેક્નીકલી સાઉન્ડ, ઊંચા સ્તરનું સર્જન છે. : જો તમે ‘real-time’, ‘slow-burn’ ડ્રામા, અને ટેક્નીકલ સિનેમાની કદર કરો છો – તો આ તમારા માટે છે. તે માહિતી ઓછી આપે છે પણ વિચાર વધુ કરાવે છે.

સિગ્નેચર :

પાત્રો દ્વારા વ્યક્ત થતી તીવ્રતા અને સર્જકોની ‘મીનિમલિસ્ટ’ અભિવ્યક્તિ, છતાં તમને હતપ્રભ કરી દે, એનું નામ ‘’Adolescence’’.

એડોલસન્સ- વડોદરા થી પ્રકાશિત થતા
“જનસત્તા-લોકસત્તા”

ગુજરાતી દૈનિક અખબાર માં પ્રકાશિત
તા.: 16, મે 2025
https://www.loksattanews.co.in/epaper/vadodara

આ આર્ટિકલ મારા દ્વારા કરવામાં આવેલ રીસર્ચ, મેં જોઈ અને અનુભવેલ તથા અન્ય દેશી કે વિદેશી અખબારોમાં પ્રકાશિત થયેલ રીવ્યુનાં મુદ્દાઓનું સંકલન અને નીચોડ છે. સંભવ છે એમાં ક્યાંક શરતચૂક થી ક્ષતિ રહી ગઈ હોય. એ શરતચૂક ક્ષમાને પાત્ર છે કેમકે એમાં કોઈ પણ માહિતી, ખોટા પ્રચાર કે પ્રસારનાં કે પછી કોઈની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદાથી નથી. આમાં પ્રકાશિત ઈમેજીસ નો સ્ત્રોત પણ વિકિપીડિયા (જે ઓપન સોર્સ પ્લેટફોર્મ છે) અને અન્ય પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઈમેજીસ છે. તે છતાં જો કોઈને માહિતી કે ઈમેજીસ સામે વાંધો હોય તો એ બાબતના અધિકૃત દસ્તાવેજો સાથે manbhavee@gmail.com પર જણાવવા વિનતી. એ ઓબ્જેક્શન યોગ્ય જણાતા એ માહિતી અને ઈમેજિસ તાત્કાલિક પોસ્ટમાંથી હટાવી દેવામાં આવશે. આભાર . મનીશ શેઠ.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Neeta Reshamiya
1 month ago

This age period is very crucial and difficult to dwell deep into adolescent’s mindset, where mindful education at home and school play greatly pivotal.