
ભ્રમ : એક હોરર- થ્રિલિંગ પ્લોટ- ગુજરાતી સિનેમામાં એક તાજગીભર્યો અને સરાહનીય બદલાવ
★ ★ ★ ★ ☆
“ભ્રમ”(2025) એક ગુજરાતી હોરર –સસ્પેન્સ થ્રિલર ફિલ્મ
ભ્રમ – નિર્દેશન પલ્લવ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મિત્ર ઘઢવી (મેહુલ), સોનાલી લેલે દેસાઈ (માયા), નિષ્માં સોની(શ્રદ્ધા)અને અભિનવ બેન્કર(ઇન્સ્પેકટર) મુખ્ય ભૂમિકામાં છે. વાર્તા એક રહસ્યમય ‘હત્યા’ ની આસપાસ ફરે છે, જે માયા (સોનાલી લેલે દેસાઈ)નાં ઘરમાં થઇ છે. માયા ડિમેન્શિયાની શિકાર છે.
ઘરમાં એના સિવાય શ્રદ્ધા છે, એમનો કેર-ટેકર મેહુલ છે, જે રોજ સવારે આવીને ઘરનું તમામ કામકાજ કરે છે. સવારે નાસ્તાથી લઈને જમવાનું અને ઘરના સભ્યોની તમામ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી મેહુલે સંભાળી લીધી છે. સિવાય માયાની પોતાની એક અલગ દુનિયા છે.
એણે ક્યાં, ક્યારે અને શું કરવું, એની લિખિત સૂચનાઓ, ઘરમાં દરેક જગ્યાએ સૌના અલગ અલગ રૂમની ડીટેઈલ્સ સાથેનાં પોસ્ટર્સ અને વિડીયો મેસેજીસ, મોબાઈલ એલાર્મ વગેરે સાથેનું એક સમય પત્રક તૈયાર કરાયેલ છે જેથી માયાને કોઈ તકલીફ ન પડે.

માયા ની એ દુનિયા અલગ છે અને એ પોતાની દુનિયામાં મસ્ત છે. શ્રદ્ધા સ્કુલે જાય છે. એ જાણે છે કે માયા ડિમેન્શિયાની શિકાર છે.
મેહુલ પણ બધી રીતે કો-ઓપરેટ કરે છે. બધા એકબીજાને મદદરૂપ થઇ એક-બીજાની લાઈફ ઇઝી કરે છે. લાઈફ સેટ છે. કોઈ તકલીફ નથી.
રૂટીનથી કઈક અલગ- એક હત્યા – કે હત્યાનો ભ્રમ
અચાનક એક દિવસ રૂટીનથી કઈક અલગ થાય છે અને ખળભળાટ મચી જાય છે. માયાને ભ્રમ થાય છે શ્રદ્ધાની હત્યા થઇ ગઈ છે. એ પોલીસને ફોન કરી દે કે એની દીકરી શ્રદ્ધાનીં હત્યા થઇ ગઈ છે.
પોલીસ ઇન્વેસ્ટીગેશન માટે આવે છે. મેહુલ પોલીસને કન્વીન્સ કરવાનો પ્રયત્ન કરે છે. શ્રદ્ધાની હત્યા નથી થઇ, એ માયાનો ભ્રમ છે અને એને આવા ભ્રમ નાં આકસ્મિક એટેક આવતા હોય છે જેમાં એ ઘણી વાર જે ન હોય તે હોવાની કલ્પના કરી બેસતી હોય છે અથવા જે હોય તે એને, દેખાતું નથી હોતું,
હકીકતને એ ભ્રમ માની લેતી હોય છે અને ભ્રમ ને હકીકત.

પોલીસ ને આ વાત ગળે ઉતરતી નથી. શ્રદ્ધા ને જીવતી જોઈ પોલીસ એ બાબતે તો કન્વીન્સ થાય છે કે માયા ડિમેન્શિયાની શિકાર છે, પણ માયાની અમુક બાબતો, અમુક જવાબ સેન્સિબલ લાગતા એ પોતાનું ઇન્વેસ્ટીગેશન ચાલુ જ રાખે છે.
પોલીસની મહેનત સફળ થાય છે અને એને ઘરમાંથી એક લાશ તો મળે છે પણ એ લાશ શ્રદ્ધાની નથી જ એ સ્વાભાવિક છે પણ એ લાશ એમના નોકરની છે. હવે ખરેખરું ઇન્વેસ્ટીગેશન શરુ થાય છે.
માયાની વોઈસ નોટસ, અને પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક રીપોર્ટ, શરૂઆતમાં માયા તરફ આંગળી ચીંધે છે, ત્યાર બાદ શ્રદ્ધા તરફ અને અંતે મેહુલ તરફ ઈશારો કરે છે.
બધાનું ઇન્ટરોગેશન અને તપાસ બાદ ભ્રમની આખી અલગ જ દુનિયા રચાઈ હોવાનું પ્રતીત થાય છે.
કોણે ? શું કર્યું? ક્યારે કર્યું? કેવી રીતે કર્યું? શા માટે કર્યું?
કોણે શું કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે કર્યું, શા માટે કર્યું એ બધું જ એક ભ્રમ બનીને સૌની સમક્ષ છતું થાય છે. એક ભ્રમની દુનિયા અત્યાર સુધી માત્ર માયાની પોતાની દુનિયા હતી એ શ્રદ્ધા, મેહુલ અને ઇન્સ્પેકટર, સહાયક ઇન્સ્પેકટર, પોલીસ કમિશનર, ડોકટર, બધાજ માટે એક માયાજાળ બની જાય છે.
અભિમન્યુના કોઠાની જેમ ઇન્વેસ્ટીગેશન દરમિયાન, ઇન્સ્પેક્ટરની આસપાસ પણ ભ્રમની દુનિયાનો ચક્રવ્યુહ રચાઈ જાય છે.
આખું કથાનક ઓળખ અને ધારણાઓના મુદ્દાઓને સ્પર્શે છે અને દર્શકોના અનુમાનને પડકારે છે. ફિલ્મની કથાવસ્તુ નવીન પ્રકારની અને પરંપરાગત ગુજરાતી ફિલ્મોથી અલગ અભિગમ છે.
આવા થ્રિલિંગ પ્લોટસ ગુજરાતી સિનેમામાં એક તાજગીભર્યો બદલાવ લાવી શકે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને દિગ્દર્શન પણ થ્રિલર શૈલીમાં એક નવો ચીલો ચાતરે છે. માયા (સોનાલી લેલે દેસાઈ), મેહુલ(મિત્ર ઘઢવી) અને શ્રદ્ધા(નિષ્માં સોની) તથા ઇન્સ્પેકટર(અભિનવ બેન્કર) પોતાની અભિનય ક્ષમતા થી સૌને મંત્રમુગ્ધ કરી દે છે.
નિષ્કર્ષ
ભ્રમની દુનિયામાં લઇ જઈ ભ્રમિત કરનારી છતાં નક્કર, એવી વિષયવસ્તુ અને પ્રયોગશીલ અભિગમ, થ્રિલર પ્રેમીઓ માટે આ ફિલ્મ એક જોવાલાયક અનુભવ છે.
★ ★ ★ ★ ☆