
માનવ સ્વભાવનું પ્રતિબિંબ – “તમે સારા છો!” (શરતો લાગુ) , હું સારો છું (શરતો લાગુ)
આ એક કડવી સચ્ચાઈ છે, માનવ સહજ સ્વભાવની. આ હકીકત આપણી અંતરાત્મા નું પ્રતિબિંબ છે. એ હકીકત ઉજાગર કરે છે કે સ્વાર્થ અને સારાઈ વચ્ચે એક પાતળી રેખા છે. એ દરેકના ઉપરછલ્લા – માત્ર ઔપચારિકતા દર્શાવતા બનાવટી સંબંધો પ્રતિબિંબિત કરે છે.
ખુશનુમા સવાર હોય અને સવારે ગરમ ગરમ ચા ની ચૂસકી લેતા લેતા એક વિચાર આવે અને પછી શરુ થાય વિચારોનું ઘમાસાણ. બારી ની બહાર જ્યાં નજર પડે ત્યાં સ્થિર થઇ જાય. અને ઘણા વખતથી અંતરમાં અંદર ધરબાયેલી લાગણી -ભાવના બહાર આવી જાય.
વિચાર આવે કે “સારા હોવું”, ‘સ્વાર્થી ન હોવું’, ‘ગુડ બુક્સ માં હોવું’ એ બધાની વ્યાખ્યા શું છે.
ઘરની સામેની દુકાન ચલાવનાર દુકાનદાર- આપણે ક્યારેય એની પાસેથી એવી અપેક્ષા નથી રાખી કે એ એની દુકાન મોડે સુધી ખુલી રાખે. પણ જો કયારેક એવી વિંનતી કરીએ અને એ ના પડી ડે તો?
ઓફિસમાં એ મિત્ર જે, હમેશ સારો મિત્ર લાગ્યો છે- એની સાથે કોઈ દિવસ ઓફિસમાં પ્રોમોશન મેળવવા માટેની સ્પર્ધા નથી થઇ. પણ ક્યારેક ઓવરટાઈમ વખતે એની મદદ માંગીએ અને જો એ ના પાડી દે તો….!.
પાડોશી, જે પહેલા સગા કહેવાય. – એ ખુબ સારા લાગે –કેમકે એમની પાસેથી કોઈ દિવસ પૈસા ઉધાર નથી માંગ્યા કે કોઈ અપેક્ષા નથી રાખી.
એરિયલ વ્યુ થી એનાલિસીસ
અંતર કેળવી, એરિયલ વ્યુ થી એનાલિસીસ કરવી સૌથી સારી.
ઘણી વાર આપણે ડિસ્પ્લે જોઈ ને જ ઓપિનિયન બાંધી લેતા હોઈએ છીએ પણ હકીકતમાં ગોડાઉનમાં માલ અલગ જ હોય છે. ઘણીવાર એવું બને કે જે ડિસ્પ્લે માં હોય તે ગોડાઉનમાં હોય જ નહિ. અને ઘણી વાર લોકો ડિસ્પ્લેમાં ન્યુનતમ રાખે અને જ્યારે જરૂરત પડે ગોડાઉનમાં થી બહાર કાઢે.
જયારે સામી વાળી વ્યક્તિ દ્વારા લેવાયેલ નિર્ણયો તમારા જીવનને નથી સ્પર્શતા. જ્યાં સુધી એમની નિષ્ફળતા, તમારા વિચારોને, પ્રભાવિત નથી કરતી. અથવા તો એમની સફળતાઓ તમારા આત્મ-સમ્માન ને ઠેસ નથી પહોંચાડતી, ત્યાં સુધી બધું બરાબર હોય છે.
જરૂરીયાત નું પ્રતિબિંબ
સમીકરણ ત્યારે બદલાઈ જાય છે જ્યારે તમે કોઈની પાસેથી કોઈ અપેક્ષા કરો. અહીં કોઈની નિંદા કરવાની ચેષ્ટા નથી. પણ એ હકીકતને ઉજાગર કરવાની કોશિશ છે કે, દરેક વ્યક્તિની સારાઈની એક સીમા હોય છે. કોઈન્જે કોઈ દિવસ ડિસ્પ્લે માં નથી હોતી, એ ત્યારે જ ગોડાઉનમાંથી બહાર આવે છે. જ્યારે તેની જરૂર પડે.
માનવ સહજ સ્વભાવ છે. ધારોકે તમે એક વ્યક્તિને પસંદ કરો છે, એ પણ તમારી સાથે આત્મીયતા થી જ વાત કરે છે. પણ સંજોગો વશાત તમારે કોઈ અંગત – વ્યક્તિગત કે આર્થિક કારણોસર એ વ્યક્તિની મદદ ની જરૂર પડી. માત્ર એ જ નહિ અમુક અન્ય પરિચિતોને પણ તમે એ વિશે વાત કરી છે. એ વખતે કોઈ પણ તમારી મદદ નથી કરી શકતું.
આવું થાય ત્યારે સાહજિક તમે અપસેટ થઇ જાવ. અને માનવ સહજ સ્વભાવ જાગુત થઇ જાય. જેને તમે પસંદ કરતા હતા , એનાં વિશેના તમારા વિચારો તદ્દન બદલાઈ જાય. એ વ્યક્તિ જે ને તમે મિત્ર માનતા હતા એ વ્યક્તિ અચાનક બદલાઈ ગયેલી લાગે, અચાનક ‘સ્વાર્થી’ બની ગઈ હોય તેવું લાગે. અચાનક માત્ર એક ઔપચારિક પરિચિત જ લાગવા લાગે.
ટ્વિસ્ટ અહીં છે.
પ્રશ્ન એ જાગે કે “સારા હોવું”, ‘સ્વાર્થી ન હોવું’, ‘ગુડ બુક્સ માં હોવું’ એ બધાની વ્યાખ્યા શું છે? શું તમે સ્વાર્થી નથી? શું હું સ્વાર્થી નથી? જો પ્રમાણિક પણે હિસાબ કરશો તો ચોક્કસ જણાશે કે અરીસો બન્ને તરફથી એક જ પ્રતિબિંબ દેખાડી રહ્યો છે.
સ્વાર્થી તો આપણે બધા જ છીએ કેમકે આપણા સૌના સારા હોવાની – આપણામાં સારાઈ હોવાની એક સીમા છે. જે સમય સંજોગ, પરસ્પર સંબંધો , કે એના જેવા અનેક ફેકટર્સ પ્રમાણે નિર્ધારિત થાય છે અને બદલાય પણ છે. .
“તમે સારા છો!” (શરતો લાગુ) , હું સારો છું (શરતો લાગુ)
બન્ને પક્ષે એક વાત સામાન્ય છે.
જ્યારે કોઈ આપણી પાસે કોઈ અપેક્ષા સાથે આવશે ત્યારે આપણે પણ – આપણા સંજોગો, આપણી મર્યાદાઓ, અને આપણી વિવેક બુદ્ધિને આધારે નિર્ણય લેશું. અને એ વખતે એજ ઘટના પુનરાવર્તિત થશે. અગાઉ એના વિશેના તમારા વિચારો બદલાઈ ગયા હતા, આ વખતે તમારા વિશેના એના વિચારો બદલાઈ જશે.
એક વ્યવહાર છે, એક અલિખિત નિયમ છે, જેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી હોતો…..”તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે સૌની ચીધ્યું કામ કરતા રહો.”
અહી આપણે બધા જ એવા વમળમાં અટવાયેલા છીએ કે એમાંથી બહાર નીકળવું અશકય છે, બધું ખબર હોવા છતાં, જ્ઞાન હોવા છતાં , જાણ હોવા છતાં, આપણે બધા જ એ કર્મોના જાળા માંથી બહાર નથી આવી શકતા.
આત્મ -ચિંતન અને મંથન – શરતો લાગુ
પ્રમાણિક પણે પોતાની જાતને જ ખુલાસો આપજો….કોઈની મદદ કરવી, સેવા કરવી કે કોઈના માટે ઉપલબ્ધ રહેવું ….કેટલું ‘દિલ સે’ અને કેટલું ‘દિમાગ થી’….અર્થાત કેટલું નિસ્વાર્થ ભાવે અને કેટલું માત્ર દેખાડા માટે. આપણે બધા આત્યારે આ સોશિયલ મીડિયાની જાળમાં એટલા અટવાયેલા છીએ કે, આપણે જે કંઇ પણ કરીએ છીએ એમાંથી મોટે ભાગે, આપણા પોતાના આત્મ સંતોષ માટે કે આત્મસમ્માન માટે નહિ પણ સોશિયલ મીડીયાના લાઈક્સ અને ફોલોઅર્સ માટે જ કરીએ છીએ.
મનથી કે કમને- ‘ઓન ધ ફેસ’- સારા હોવા માટે શરતો લાગુ
એનું કારણ એક જ , આપણે ‘ઓન ધ ફેસ’ ગમે તેવા હોઈએ, પણ આપણી અંદર જે વ્યક્તિ છે એ ‘સ્વાર્થી’ હોવાના ટેગ સાથે જીવાવાનું પસંદ નથી કરતી. જેવું તમે કોઈનું કામ કરવાની ના પાડો એટલે તમારા પર સ્વાર્થી હોવાનો , બદલાઈ ગયા હોવાનો ટેગ લાગી જ જાય છેઆત્મ-ચિંતન , તમારા વિશેના લોકોના વિચારો બદલાઈ જ જાય છે. જે કોઈને પાલવતું નથી પણ ફરી એ વમળમાં તો અટવાઈ જઈએ જ છીએ કેમકે કમને કરેલ કાર્ય અપેક્ષિત પરિણામ નથી જ આપતું.
આપણી અપેક્ષાઓ – કેટલી વ્યાજબી કેટલી જેન્યુઈન કે ‘ટેક્ન ફોર ગ્રાન્ડેટ’
હું ઘણી વાર તટસ્થ પણે વિચારું કે આપણે લોકો પાસેથી જે અપેક્ષાઓ રાખતા હોઈએ અને લોકો આપાણી પાસેથી જે અપેક્ષા ઓ રાખતા હોય છે તે કેટલી વ્યાજબી હોય છે, જેન્યુઈન હોય છે.
આપણે મોટે ભાગે સામે વાળી વ્યક્તિને ‘ટેક્ન ફોર ગ્રાન્ડેટ’ લેતા હોઈએ છીએ. આપણે બીજા પાસેથી માત્ર એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તેઓ, માત્ર આપણી જરૂરીયાત ને મહત્ત્વ આપે. પણ એ વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે એમના જીવનમાં એમની પણ કોઈ પ્રાથમિકતા હોઈ શકે છે. એ વ્યક્તિ ની આપણા માટેની ઉપ્લ્બધતા ને કાયમી કે સ્થાયી સમજી લઈએ છીએ. આપણે એવું ઈચ્છીએ છીએ અને ટેક્ન ફોર ગ્રાન્ડેટ લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ ની સારાઈ – માટે કોઈ ‘શરતો લાગુ’ ન હોય. પણ આપણી પાસેથી રખાતી અપેક્ષાઓ વખતે આપણી સારાઈ, આપણા સંજોગો, આપણી પ્રાથમિકતા અને આપણા પરસ્પર સંબંધો પર જ આધારિત હોય છે, જે આપણને ક્યારેય અનુચિત નથી લાગતી.
ઇન્સાન બુરા નહિ હોતા, વક્ત બુરા હોતા હૈ
હકીકતમાં એ સંવાદ ને જીવનનું સત્ય માની લેવામાં શાણપણ છે કે “ઇન્સાન બુરા નહિ હોતા, વક્ત બુરા હોતા હૈ!”. જો આપણે એ સચ્ચાઈ સ્વીકારી લઈએ કે હું કે તમે કે કોઈ પણ એક સીમા સુધી બધા જ ‘સારા’ જ છીએ….તો ખરેખર જીવનમાં વધુ સારા – વધુ પ્રમાણિક અને વધુ પારદર્શિતા સાથેનાં સંબંધો કેળવી શકીશું.
+ પોઈન્ટ્સ અને – પોઈન્ટ્સ
આ સચ્ચાઈ સ્વીકારવાનો અર્થ એ નથી કે આપણે નકારાત્મક કે નિરાશાવાદી થઇ જઈએ. પણ એ નો હેતુ એ છે કે આપણે ફેન્ટસીની દુનિયામાંથી બહાર આવીએ અને વાસ્તવિક જીવન જીવીએ. આપણે બધા એકબીજાની સારાઈને જેમ આવકારીએ છીએ તેમ મર્યાદાઓ ને પણ સ્વીકારીએ. એકબીજાને કરેલી દરેક મદદ માટે અભાર માનીએ અને મદદ ન કરવાની સ્થિતિ કે અસમર્થતા માટે એમને દોષી ન માનીએ.
દરેક જણ સામેવાળી વ્યક્તિને એ વ્યક્તિનાં + પોઈન્ટ્સ અને – પોઈન્ટ્સ બન્ને સાથે ઓવરઓલ સ્વીકારે. દરેક પોત-પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, સંબંધોની જટિલતા પ્રત્યે જાગૃત રહીએ.