
શૂન્ય પાલનપુરી એ સાચું જ કહ્યું છે “જિંદગી ના મળી મન મુજબની” છતાં પણ “ઉધારનું જીવન ન જીવો. તમારું પોતાનું જીવન જીવો,
આપણે આપણા દ્વારા જાણે અજાણે થઇ રહેલ કર્મો, ઘટતી આકસ્મિક ઘટનાઓ, પરિવારના, મિત્રોના આસપાસના માહોલમાંથી ઉદ્ભવતા પ્રશ્નોના જવાબો શોધવામાં એવા અટવાયેલા રહીએ છીએ કે આપણે જીવન આપણી ઈચ્છા મુજબ કસ્ટમાઈઝ કરી જ નથી શકતા.
ઉધારનું જીવન ન જીવો
ઓશો એ ખૂબ સુંદર વાત કહી છે: “ઉધારનું જીવન ન જીવો. તમારું પોતાનું જીવન જીવો, મુખવટો ઉતારી દો, મૌલિક બનો તો જ તમે સ્વતંત્રતાનો અનુભવ કરશો.”
એથી વિપરીત ડિફોલ્ટ જીવન જીવતા જીવતા પણ આપણે એવા વમળમાં અટવાતા હોઈએ છીએ જ્યાં ઘરના, પરિવારના, મિત્રોના ઈમોશનલ કંડકટર્સ આપણને મરવા નથી દેતા અને બીજી તરફ જીવનની ઝંઝાવાતો, સ્ટ્રગલ્સ આપણને આપણી રીતે જીવવા નથી દેતી.
માત્ર ક્નેકટેડ કે ફેસ ટૂ ફેસ
આજે બધા એકબીજાની સાથે નથી, માત્ર ક્નેકટેડ છે…એટલે હવે ફેસ ટૂ ફેસ થવાના સંજોગો ભાગ્યે જ ઉદ્ભવે છે. જો કોઈને મળવાની ઈચ્છા થાય તો સામેવાળી વ્યક્તિ આપણને મળવા માટે નો “એજેન્ડા” પૂછે. અને કહે કે મળવું હોય તો ઘણી એપ છે, વિડીયો કૉલ માટે. જો ભૂલમાં એમ કહેવાઈ જાય કે સાથે બેસીને ચા પીવી છે તો જવાબમાં મેસેજ આવશે કે, “એક ચા પીવા માટે આટલું ટ્રાવેલ કરવાની હાલાકી, ભાઈ જી પે કરી દઉં છું, પી લેજે, હહાહાહાહ………….અને લટકામા એક ઈમોજી પણ લગાડી દેશે. જો વિડીયો કૉલ આવે કે ક્યારેક મળવાના આકસ્મિક સંજોગો ઊભા થાય તો તરત જ આપણે ચહેરા પર ‘ફેસ’ પહેરી લઇએ છીએ. એ ‘ફેસ’ પહેરી લીધા પછી આપણે આપણા ‘સ્વ’ને ભૂલી જઈએ છીએ.
‘ફેસ-પેક’ મલ્ટીપેક ઓફર્સ
આ ‘ફેસ’ મલ્ટીપેક ઓફર્સ માં છે. – ઓફીસ માટે અલગ, ઘર માટે અલગ, પરિવારના સભ્યો માટે અલગ, સગા-સંબંધીઓ માટે અલગ, વોટ્સ એપ ગુપ માટે અલગ ‘ફેસ-પેક’
આપણી દિનચર્યા:
રોજ સવારે મેકેનીકલી ઉઠીએ, ટેકનીકલી WhatsApp Good Morning થી શરુ કરીને રાત્રે Netflix ને વર્ચુઅલ તાળું મારી સૂઈ જઈએ છીએ. ઈમોશન્સ હવે ઈમોજી અને GIFમાં સમાઈ ગયા છે.
આપણા “લાઈફ એપ”માં આજે પ્રી-ઇન્સ્ટોલ્ડ Notifications, Calendar, વર્ચ્યુઅલ મિટીંગ્સ, ઓનલાઈન ડિલિવરી બધું જ છે – પણ લાગણીઓ માટે કોઈ Folder ક્રિએટ કરાયું નથી! કેમકે એ અપડેટ કરાતી જ નથી. વિક-એન્ડ નો ફેમિલી ટાઈમ પણ પ્રીએપ્રુવ્ડ કેલેન્ડર ઇવેન્ટ છે. બાકી સપ્તાહના દિવસો દરમિયાન આપણે એ જોવામાં, સમજવામાં અને ગણતરીમાં બિઝી રહીએ છીએ કે કોણ કોને ફોલો કરે છે?, કોના કેટલા ફોલોઅર્સ છે? કોણ તમને ફોલો કરે છે અને શા માટે કરે છે, અને એ ફોલોઅર્સ વધારવા માટે શું કરવું જોઈએ. ?
આપણે સૌ કહીએ છીએ કે કમોનું ફળ સૌને મળે જ છે. અને નિયતિમાં જે લખાયું હોય તે જ થાય છે, પણ હકીકત એ પણ છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ સાથ નથી આપતું.
ભલે ‘જિંદગીનાં મળી મન મુજબ ની” છતાં ‘ઉધારનું જીવન ન જીવો. તમારું પોતાનું જીવન જીવો’
આપણે એ નિયતિને પડકારવી જરૂરી છે કેમકે આપણને ‘બાય ડિફોલ્ટ’ જીવન જીવવાની આદત પડી ગઈ છે. હકીકત એ છે કે જિંદગી બધાને જ મળે છે પણ “મન મુજબ” બધાને કેમ નહી.
મિશન એક્સપ્લોર
આપણે જીવનને ‘એક્સપ્લોર’ કરવાનું ઓપ્શન –એ વિકલ્પ સિલેક્ટ કરતા જ નથી. આપણે આપણી ક્ષમતા અપડેટ કરતા જ નથી. આપણે માત્ર કોઈની ને કોઈની કોપી કરીએ છેએ. જેને ફોલો કરીએ છીએ , એ કેવી રીતે શું કરે છે, માત્ર એની કોપી કરીએ છીએ, આપણે પોતાનું વર્ઝન જે આપણને આપણા ‘લાઈફ પેકેજ’માં ,જે જીવન મળ્યું છે, એ જીવતા જ નથી. આપણે એ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે ટ્રેન્ડીંગ છે.
ચાલો, better late then never, આપની પાસે હજી સમય છે. લાઈફ એપને ફોર્મેટ કરી દઈએ. બેસિક પેકેજ તો પ્રી-ઇન્સ્ટોલ્ડ છે જ. એની પ્રી-ઇન્સ્ટોલ્ડ એપને અપડેટ કરીએ. અને આપણી જરૂરીયાત મુજબ કસ્ટમાઈઝ કરીએ.
શ્રીકૃષ્ણ એ ભગવદગીતા માં સાચું જ કહ્યું છે. “स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।”