
આજે અહીં માત્ર ડરીએ. એ માટે કોઈ રીહર્સલ ની જરૂર નથી. પ્રેક્ટીસ કરવાની જરૂર નથી. એમાં પરફેકટ થવાની જરૂર નથી. કે એમાં કોઈ પરફેક્શન નો આગ્રહ પણ ન હોય. આ ડર કુદરતી છે. અભિનય ને બાકાત રાહીએ તો બાકી દરેક વખતે એ વગર આમંત્રણે આવી જાય….ચોક્કસ કારણો હોઈ શકે પણ મજાની વાત એ કે ડર ઘર કરે મનમાં –પણ આખી બોડી સક્રિય થાય ‘ફાઇટ, ફ્લાઇટ કે ફ્રીઝ’ મોડમાં !!!! આપણે ઘણી વાર સાંભળતા હોઈએ કે “પોઝિટીવ વિચારો , ડર સાથે ન જીવો !” પણ શું એ શક્ય છે ખરું?
એ શક્ય છે કે નહિ એ તો પછીની વાત છે, પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે આ ડર એટલે શું? ડરવું એટલે શું ?
ડરની વ્યાખ્યા શું છે?
“ડર એ આપણું કુદરતી કમ્યુનિકેશન – સેફટી મિકેનિઝમ છે, જે આપણને સંભવિત જોખમ કે જોખમો કે નુકસાનથી બચવા સાવધાન રહેવાનો સંકેત આપે છે. ‘જાગો મોહન પ્યારે, અહીં કંઈક અજુગતું થઈ શકે છે.’” ડર એ એક ફીલિંગ છે. એક અહેસાસ છે. કાંઇક એવું થવાનો અજુગતું અને અનિચ્છનીય થવાનો કાલ્પનિક અહેસાસ કે સંકેત એટલે જ ડર.
ડરની વ્યાખ્યા કરવી ઘણી અઘરી છે. કયારેક ખરેખર એકલા હોઈએ અને વિચાર વાયુ ઉપડે અને મનમાં ઘમાસાણ શરુ થાય ત્યારે એ પ્રશ્ન થાય કે શું ‘ડર’ એટલો ડરામણો છે કે આપણે એનાથી દૂર ભાગવું જોઈએ?
બોડીનો ‘ફાઇટ, ફ્લાઇટ કે ફ્રીઝ’ મોડ
મૂળ વાત એ છે કે ડર નાં કારણોમાં હોઈ શકે છે કોઈ અનુભવ, કે કોઈ કલ્પના જ હોઈ છે. અને એ ડર જેવો મનમાં ઘર કરે કે તરત જ આપણું મન, આપણું બોડી ‘ફાઇટ, ફ્લાઇટ કે ફ્રીઝ’ સ્થિતિમાં જાય છે અર્થાત અથવા અચાનક લડી લેવાની યોજના ઘડે છે, એ કહેવત યાદ આવી જાય અને પ્રેરણા મળે કે મનની હારે હાર, મનની જીતે જીત. ફરી વિચાર વાયુ ઉપદે અને બીજો વિચાર ભાગી જવાનો આવે. પલાયનવાદ કે જેને કહેવાય એસ્કેપિઝમ. અથવા તો મન હવે તદ્દન વિચાર શૂન્ય થઇ સ્થિર થઈ જાય.
પ્રત્યક્ષ કે પરોક્ષ ડર
આ બધી જ વિચિત્ર અનુભૂતિઓ એટલે ‘ડર’. આપણે જીવનમાં અનેક પ્રકારના ડરને અનુભવીએ છીએ – કેટલાક પ્રત્યક્ષ હોય છે જ્યારે કેટલાક પરોક્ષ. ડરની આ લાગણી, આપણા વિચાર, વ્યવહાર, વાણી અને વર્તન પર ઘણી અસર કરે છે. બધું જ બદલાઈ જાય છે.
ભવિષ્યની અનિશ્ચિતતા – Fear of the Unknown
એ બાબત વિચાર માગી લે છે કે આપણે શેનાથી ડરીએ છીએ અને આપણે હકીકતમાં શેનાથી ડરવું જોઈએ. સામાન્ય રીતે આપણે ડરતા હોઈએ છીએ નવી શરૂઆતથી, નવા સંબંધોથી, જૂના સંબંધો તૂટવાથી. ભવિષ્યની અનિશ્ચિતતા ઓ થી જેને કહેવાય છે -Fear of the Unknown. વિતી ગયેલા ભૂતકાળથી અનુભવાયેલ ડર અને ભવિષ્યની કલ્પેલી અનિચ્છનીય ઘટનાઓ નો ડર, જેમાં સવાલ પણ આપણે જ આપણા મનને પૂછ્યો હોય અને તેનો નેગેટિવ કાલ્પનિક જવાબ પણ આપણા મને જ આપણને આપ્યો હોય. આ ડર આપણા આત્મવિશ્વાસને તોડી નાખે છે, આપણે આપણી નિર્ણયો લેવાની ક્ષમતા ખોઈ બેસીએ છીએ.
નિષ્ફળતા નો ડર – Fear of Failure.
બીજું નિષ્ફળતા નો ડર જેને કહેવાય Fear of Failure. આ એ ડર છે જેને કારણે આપણે ઘણું ઘણું વિચારીએ તો છીએ, સપનાઓ તો જોઈએ છીએ પણ એને અમલમાં મુકવાની હિમ્મત નથી કરતી શકતા.
આ સિવાય અનેક પ્રકારના ડર આપણને સૌને સતાવતા હોય છે. મને જેટલા સુઝી રહ્યા છે એ હું અહીં નોધુ છું. એ સિવાય જો તમને કોઈ અન્ય પ્રકારનો ડર સતાવતો હોય જે અહીં વર્ણિત ન હોય, તો આપ સૌને વિનંતી છે કે આપ એ વિશે manbhavee@gmail.com પર ઈમેઈલ કરી મને જણાવો. એ ડર વિશેની વિગતો જો તમારી ઈચ્છા અને મજૂરી હોય તો એ અહીં મોજવાણી માં નામ સાથે પ્રકાશિત કરવામાં આવશે.
ડર અને તાણ સાથે કેવી રોતે જીવવું?
સાચી વાત તો એ છે કે આ ડર આપણા જીવનનો એક ભાગ છે. સૌના મનમાં કોઈક ને કોઈક ડર તો ઘર કરી ગયેલ હોય જ છે, અને સૌના જીવનમાં આર્થિક, વૈવાહિક કે પછી વ્યાવહારિક, કે પછી સામાજિક કારણોને લીધે તાણ કે તનાવ હોય જ છે. જીવનની સચ્ચાઈ ને જો સમજી લઈએ તો એ સ્વીકારી સહેલું થઇ જશે કે ડર અને તાણ એ આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, એ લાગણીઓને જીવનથી અલગ કરવાનું સંભવ પણ નથી.
મારો વ્યક્તિગત મત જો મને પૂછો તો હું એમ કહીશ કે ડર ને આપણા થી, આપણા જીવનથી અલગ કરવા માટે મહેનત કરવી એ વ્યર્થ છે. જોઈ કરીશું તો એ કરવા માટેનો પ્રયત્ન હશે જે કદી પણ સંભવ નથી. અને મારો અંગત ઓપિનિયન એ છે કે એની જરૂર પણ નથી. જરૂરત એ છે કે આપણે એ શીખી લઈએ કે ડર અને એ ડર ને કારણે થતી તાણ સાથે કેવી રોતે જીવવું?
ડર આપણો દુશ્મન નથી.
એનાથી ગભરાવાની કે દૂર ભાગવાની જરૂર નથી. બીજા શબ્દોમાં ડર, એ જીવન માટે એક સંકેત છે.એ જીવન માટે સંકટ નથી.
આપણા મનમાં વસનાર ડર, આપણને સચેત કરે છે કે આપણા જીવનમાં કાંઇક નવું, કાંઇક અજાણ્યું અને કશુંક પડકાર રૂપ ઘટવાનું છે.
ભવિષ્યની અનિશ્ચિતતા નો ડર- Fear of the Unknown અને
નિષ્ફળતા નો ડર – Fear of Failure– જો હું નિષ્ફળ ગયો તો?
વિશે જાણ્યું. હવે જાણીએ અન્ય કેટલા પ્રકારના ડર આપણને આપણી રોજ-બરોજની જિંદગીમાં સતાવતા હોય છે.
નકારવામાં આવવાનો ડર – Fear of Rejection
ઘરમાં કે સમાજમાં – સ્વીકાર ન થવાનો ભય – સંબંધો, કામ, પ્રેમ કે પછી સમાજમાં સ્થાન મેળવવાની ચિંતા. “લોકો મારો સ્વીકાર નહીં કરે તો?” મારું શું થશે? “ એ વિચાર માત્ર આપણા અસ્તિત્વ પર પ્રશ્નાર્થ મૂકી દે છે.
તુલનાનો ડર – Fear of Comparison
ક્યારેક લોકો બીજા સાથે આપણી તુલના કરે છે અને આપણા વિશે એક ઓપિનિયન બનાવી લે છે. એ ઓપિનિયન પોઝિટીવ હશે કે નેગેટિવ, એ વિચાર માત્ર આપણને ડગમગાવી દે છે. પણ સૌથી આશ્ચર્ય જનક બાબત એ છે કે બીજાઓ કરે એ તો સમજી શકાય પણ મોટે ભાગે આપણે પોતે જ બીજાઓ સાથે આપણી તુલના કરી આપણું મુલ્યાંકન કરતા હોઈએ છીએ. આપણે આપણું જીવન જીવવા કરતા બીજાંઓનાં જીવન સાથે તુલના કરી દુ:ખી થતા હોઈએ છીએ.
શું હું બીજાં કરતા ઉણો ઉતરું છુ? એ વિચાર સતત માનસિક તણાવ સર્જે છે.
નિયંત્રણ ગુમાવવાનો ડર – Fear of Losing Control
આપણી એવી ઈચ્છા અને અપેક્ષા તથા વિશેષ તો આગ્રહ હોય છે કે બધું આપણી ઈચ્છા મુજબ જ થાય અને આપણા નિયંત્રણ માં જ રહે. એ માનવ સહજ સ્પવભાવ છે પણ એ દર વખતે સંભવ હોતું નથી કે બનતું નથી. અને જયારે જ્યારે એમ ન થાય ત્યારે અત્યંત અસહાયતા અનુભવાય છે.
“હવે મારી વેલ્યુ નથી રહી, હું મારો દબદબો ખોઈ રહ્યો છું.” એ ભાવના મનમાં અત્યંત અશાંતિ ઉભી કરે છે. તાણ પેદા કરે છે.
એકલતાનો ડર –Fear of Loneliness
જ્યારે આ નિયંત્રણ ખોવાનો ડર મનમાં ઘર કરી જાય ત્યારે સાથી વધુ જે સાતાવે એ ડર એ કે ,”શું હવે હું એકલો પડી જઈશ ? કોઈ મારો સાથ નહિ આપે તો? એ વિચાર માત્ર મનને ધ્રુજાવે છે.
નિરર્થકતાનો ડર – Fear of Meaninglessness
જ્યારે જીવનમાં આવી રીતે ઉક્ત વર્ણવેલમાંથી એક થી વધુ ડર , મનમાં ઘર કરી જાય ત્યારે એવો ડર સતાવા લાગે જાણે જીવનમાં હવે કોઈ ઉદ્દેશ રહ્યો નથી,
“શું મારું જીવન દિશાહીન થઇ ગયું છે? જીવનમાં કોઈ ઉદ્દેશ કે દિશા ન હોવાનો ડર ઘણી વાર અસ્તિત્વને હાંસિયામાં ધકેલી દે છે, અર્થહીન સંકટ તરફ દોરી જાય છે.
ભૂતકાળના અનુભવોનો ડર – Fear Rooted in Past Trauma
માનવ સહજ સ્વભાવ છે, ભૂતકાળને વાગોળવું. ભવ્ય હોય કે દુ:ખદ, બન્ને સંજોગોમાં ઉદ્દભવેલ ડર વર્તમાન ને પણ ગર્તામાં ધકેલી દે છે અને આપણે હાંસિયામાં ધકેલાઈ જઈએ છીએ.
“શું ફરી એવો જ દુઃખદ અનુભવ નહીં થાય ને?”, “ શું ફરી એ ભૂતકાળની ઘટનાઓ રિપીટ તો નહિ થાયને ? એ આશંકા આપણા વર્તમાનને પણ છિન્નભિન્ન કરી નાખે છે.
મૃત્યુનો ડર – Fear of Death
જીવનનાં અનિશ્ચિત અંતનો ડર. જે ઘણીવાર – અવારનવાર અલગ અલગ રૂપમાં દેખાય છે.
“મારા ગયા પછી મારા પરિવારનું શું થશે?”, “મારા ફેલાવેલા સામ્રાજ્યનું શું? શું એ બધું અચાનક સમાપ્ત થઇ જશે?” – આ વિચાર અસહજતા ઊભી કરે છે.
જે ન માની શકાય એ બાબતનો ડર !
સફળતાનો ડર – Fear of Success
આ એક અન-અપેક્ષિત વિરોધાભાસ છે. કે સફળ થયા બાદ શેનો ડર? નિષ્ફળ થવાનો ડર લાગે એ શાજીક છે, સ્વાભાવિક છે પણ સફળતાનો ડર લાગે? અજુગતું લાગે પણ હકીકત છે.
સફળ થયા પછી વધતા દબાણ, અપેક્ષા અને જવાબદારીનો તથા સાતત્યતાનો ડર, સૌથી વધુ સતાવતો હોય છે.
“આ સફળતા હું જાળવી શકીશ કે નહી? લોકોની અપેક્ષા પર ખરો ઉતરીશ કે નહિ? મારા પર હવે એ માટે વધુ દબાણ તો નહિ કરવામાં આવે ને?” – એવા વિચારો માણસને અંતરીક રીતે તોડી નાખે છે.
સિગ્નેચર
દરેક ડર પાછળ કોઈ ન કોઈ માનસિક જરૂરિયાત છુપાયેલી હોય છે – સુરક્ષા, પ્રેમ, માન્યતા કે નિયંત્રણ.
જ્યારે આપણે આપણા ડરને ઓળખી શકીએ એટલા અંતરે જ રાખીએ, તો એ આપણને ભયભીત નહીં કરી શકે. એ ડર “સંદેશવાહક” બની જશે, સંકેત બની જશે.
અનેક પ્રકારના ડર આપણને સૌને સતાવતા હોય છે. મને જેટલા યાદ આવ્યા એ મેઈન અહીં સાંકળી લીધા છે. . એ સિવાય જો તમને કોઈ અન્ય પ્રકારનો ડર સતાવતો હોય જે અહીં વર્ણિત ન હોય, તો આપ સૌને વિનંતી છે કે આપ એ વિશે manbhavee@gmail.com પર ઈમેલ કરી મને જણાવો. એ ડર વિશેની વિગતો જો તમારી ઈચ્છા અને મંજૂરી હોય તો આ મોજવાણી બ્લોગમાં આપના યોગદાન તરીકે આપના નામ સાથે પ્રકાશિત કરવામાં આવશે.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.