
આપણી દરેક ધારણાઓ, માન્યતાઓ, દરેક ગમા અણગમા – આપણા વ્યક્તિગત અનુભવો, સાંભળેલી, જોયેલી કે વાંચેલી માહિતીઓને આધારે દૃઢ થતા જાય છે. આપણે એ સમજવાની અને નક્કી કરવાની જરૂર છે કે આપણે જીવનને જીવવું કેવી રીતે છે Real Styleમાં કે Reel-Styleમાં?
“વાઘ આવ્યો , વાઘ આવ્યો” …ની ચીસો સાંભળી સૌ જે ચીસો પાડતું, તેને બચાવવા પહોંચી જતા પણ એ મજાક નીકળતી…આવું વારંવાર થતા સૌએ વાઘ આવ્યો, એ ચીસને સીરીયસલી લેવાનું મૂકી દીધું. અને જ્યારે ખરેખર વાઘ આવ્યો… ચીસ ખરેખરી હોવા છતાં કોઈ બચાવવા ન ગયું કેમકે સૌએ ધારી લીધું કે મજાક હશે.
યસ્ટરઈયર્સ ની મજાક, સૌને યાદ જ હશે:
ઓફિસમાં ક્લીગનું ટીફીન છુપાવી દેવું અથવા ગાયબ કરી ખાલી કરી ફરી એને જગ્યાએ મૂકી દેવું, જન્મદિવસે ગિફ્ટ તરીકે મોટું બોક્સ મોકલવું, પણ જયારે ખોલવામાં આવે ત્યારે એમાંથી ગિફ્ટ રૂપે એક નાની પેન નીકળવી, બગીચામાં બેંચ પર કે ઘરે ખુરશીની બાજૂમાં વાંદો અને એક રબરની ગરોળી મૂકી ડરાવવું, બેઠકમાં ગાદી નીચે બબલ મૂકી દેવા અથવા બટેટાની વેફર ગોઠવી દેવી જેથી એના ઉપર બેસવામાં આવે ત્યારે એ કકડભૂસ થવાનો અવાજ આવે અને બેસનાર ભોઠો પડે તથા બધે હાસ્યનું મોજું ફરી વળે.
આવા તો અનેક ઉદાહરણો આપી શકાય જેમાં મજાક હતી, ✅ હાસ્ય હતું, ✅ પણ મર્યાદા હતી, ✅ સંબંધો માં માવજત હતી, ✅ અને લાગણી પણ હતી.
મજાક કરવી જરૂરી છે, જિંદગીને જીવંત – લાઈવ રાખવી જરૂરી છે, પણ એ મજાક જ્યારે અમુક સામજિક મર્યાદાઓ ઓળંગી લે, વારંવાર થવા લાગે ત્યારે એવી મજાક કરવાની આદત પડી જાય, અને એ આદત ઓળખ બની જાય. એ જ ઓળખ , આપણા કર્મોને અને આપણા ભાગ્યને કઈ રીતે ઘડે છે અને કયો નક્કર આકાર આપે છે જેની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે.
એક હકીકત છે કે યસ્ટરઈયર્સની મજાકમાં નિર્દોષતા હતી, નિખાલસતા હતી પણ આજે એ ‘એટેન્શન સીકર’ કવાયત છે. કોઈને ટાર્ગેટ બનાવો, એની ફજીયત કરો, એની લાગણીઓની મજાક બનાવો, એને ભયગ્રસ્ત કરો… અને પછી નિખાલસતાનો ડોળ કરીને કહો “અરે! આ તો માત્ર પ્રેંક હતો, મજાક હતી”
ગ્રેપવાઈન એ વખતે પણ થતી અને આજે પણ થાય છે એક વાત કોઈના કાનમાં કહો કે “આ વાત માત્ર હું તને કહું છું, ખાનગી રાખજે’ અને થોડા વખતમાં આખા ગામમાં વાત પ્રસરી ગઈ હોય. અને બધાએ જ એક બીજાને કહ્યું હોય કે “તું મારો નિકટ છે એટલે માત્ર તને જ કહું છું. કોઈને પણ કહેતો નહિ, વાત બહાર જાય નહિ” , અને આજની ભાષામાં કહીએ તો એ બાબત વિના સોશિયલ મીડિયા, વાઈરલ થઇ ગઈ હોય.
થેન્ક્સ ટૂ ટેકનોલોજી અને ગ્લોબલાઈઝેશન.
અગાઉના પ્રેંક માં અને આજના પ્રેકમાં માત્ર ફર્ક છે …યસ્ટર ઈયર્સ નાં એ “પ્રેંક્સ” નો દાયરો ખૂબ સીમિત હતો. સમજાય એવી ભાષામાં ‘ક્લોઝ્ડ ગ્રુપ’ પુરતા સીમિત હતા. પણ હવે એ નો વ્યાપ બહોળાઈ ગયો છે. કદાચ ‘કમ્યુનિટી પ્રેંક’માંથી હવે એ સોશિયલ પ્રેંક , અને ગ્લોબલ પ્રેંક બની ગયા છે.
એ વખતના ‘પ્રેંક’ થઇ જાતા. એ કન્ટેન્ટ ક્રિએશન ન હતું. ત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થવાની, લાઈક્સ મેળવવાની, બ્જ્જ મેળવવાની હોડ ન હતી. ‘પ્રેંક’ ની વાત જવાદો, કોઈ પણ ઘટનાઓ જે અગાઉ ક્લોઝ્ડ ગ્રુપમાં ઘટતી , ત્યાં જ એની પુર્ણાહુતી પણ થઇ જતી. યશ – અપયશ, બદનામી કે વાહવાહી એ ક્લોઝ્ડ ગ્રુપ પૂરતી સીમિત રહેતી. પણ હવે એ ઘટના, કોણ સૌ પહેલા વાઈરલ કોણ કરે, એ માટેની હોડ જામે છે,
જીવન Reel નથી, Real છે.
અહીં એ સમજવાની જરૂર છે કે જીવન reel નથી. રીયલ છે. એમાં રિયલ લોકો છે – લાગણીઓ સાથે, જીવનભરના દુઃખ-સુખ સાથે.કેટલાક દૃશ્યો, કેટલીક ઘટનાઓ …અમુક માટે મજાક હોઈ શકે તો અમુક માટે તો અમુક માટે દુ:સ્વપ્ન સમાન હોઈ શકે છે.
આજે સમય એ થઇ ગયો છે કે જો કોઈ ઘટના ઘટે તો એ ઘટનાની ગંભીરતા જોઈ ને મદદ કે આવશ્યક પગલાં લેવાને બદલે, ‘બીજાના જમેલામાં કોણ પડે?’ એમ કહીને આપણે ત્યાંથી ખસી જઈએ છીએ અથવા તો એનો વિડીયો ઉતારવા લાગીએ છીએ અને કદાચ એ વિચાર સાથે કે બીજું કોઈ લાઈક્સ મેળવી લેશે અને તમે પાછળ રહી જશો એમ માની ડિજિટલ વર્લ્ડનાં નેટવર્કિંગની દોડમાં જોડાઈ જઈએ છીએ. આ આંધળી દોટમાં વાસ્તવમાં આપણે આપણી સંવેદનશીલતા ખોઈ દીધી છે, એ ‘વાઈરલ સિકનેસ’ ની શિકાર થઇ ગઈ છે અથવા તો એ ડિજિટલ વાઈરસને લીધે કરપ્ટ થઇ ગઈં છે.
જીવન એક રીલ બની ગયું છે.
સૌથી અજુગતી વાત તો એ કે કુદરતી રીતે ઘટતી ઘટનાઓ કરતા ક્રિએટેડ ઘટનાઓ ને રીયલ તરીકે પ્રસ્તુત કરવામાં અને રીલ માં ઘટતી ઘટનાઓને રીયલ માનવા પણ લાગ્યા છીએ અને માણવા પણ લાગ્યા છીએ.આપની આંખોનું કામ હવે મોબાઈલના કેમેરા કરવા લગ્યા છે. બસ એક “કેન્ડિડ કેમેરા’ની જેમ આપણે બધું એ મોબાઈલની આખો વડે જ જોઈએ છીએ.
અને એ પણ એટલીજ નક્કર હકીકત છે કે આપણી એ મોબાઈલ આખો સતત ‘પ્રેંક’ ગોતતી હોય છે શૂટ કરવા માટે અને ન મળે તો સંજોગ ઉભા કરીને પણ પ્રેંક તો ઊભા કરી જ લે છે, વાઈરલ થવા માટે અને કરવા માટે.
મારા એક મિત્ર વિપુલભાઈ વિઠલાણીએ પણ એમની ફેસબુક પોસ્ટમાં સરસ લખ્યું હતું….”જિંદગી સાલી નારદમુની જેવી થઇ ગઈ છે, વોટ્સ અપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ …બસ ખાલી આ ત્રણેય લોકમાં ફર્યા કરવાનું.”. ખૂબ સુંદર વાત છે જો એ વાતનો મર્મ સમજાય.
“જિંદગી એટલે રિયલિટી શો નથી!”
એક ચીસ પાડતી યુવતી, સામે ક્રોધિત યુવક અને રોડ ઉપર તમાશો, યુવક દ્વારા યુવતીને મારવાની હિમાકત અને યુવતીના વસ્ત્રોનું ફાટવું. લોકોનું ભેગા થવું અને યુવકને જકડી લેવો, યુવતી પર અત્યાચાર કરતા અટકાવવો અને એને પોલિસમાં સોપવાની તૈયારી કરતા જ યુવતીનું હસવા લાગવું અને કહેવું કે એ એક “પ્રેંક” હતો, એનાં અભિનયની ક્ષમતા ને ચકાસવા માટેનો, અને એ જોવા માટેનો કે શું એ અભિનય એટલો રીયલ હતો કે નહી જેથી લોકો એને બચાવવા માટે દોડી આવે.
“મજાક છે ભાઈ… મજાક છે!” આ પાંચ શબ્દો આજે પાપને પણ સેલ્યુટ અપાવી શકે છે.
પણ એનું પરિણામ એ આવી શકે કે જ્યારે બધા જ એવું માનતા થઇ જશે કે માત્ર યુવા પીઢીને જ નહિ, કોઈને પણ સીરીયસલી લેવાની જરૂરી નથી”, એ નક્કી કોઈ પ્રેંક હશે!”
પણ સવાલ એ છે –
જ્યાં સુધી “મજાક” છે ત્યાં સુધી તો બધું ઠીક ગણાય . પણ જ્યારે તે “A Scheduled Series of Mental Blows”(“માનસિક ઈજાઓનો આયોજિત કાર્યક્રમ”) બની જાય અથવા પાવર પ્લે બની જાય ત્યારે એ વાત નક્કી થઇ જાય કે સોશિયલ મીડિયાના યુગે આપણેને સર્વેને ‘રેન્ડમ રિએક્શન જનરેટર’માં ફેરવી દીધા છે.
કોઈ દુઃખી દેખાય, તો આપણું મન ‘કેમેરા’ શોધવા લાગે છે. આંખ જૂએ , એ સાથે મોબાઈલ શૂટ કરવા લાગે છે. આપણા મગજમાં હવે “સહાનુભૂતિ જીન” કરતા “સસ્પિશન જીન” વધુ સક્રિય રહે છે.
અત્યારની પેઢી માટે એમનાં ઇન્ટ્રોનું ટૂલ એટલે રીલ લાઈફ, Instagram reel, prank video, Youtube short – એમાં જ વ્યક્તિત્વ મોલ્ડ થાય છે.
રીયલ લાગણીઓ હવે પોઝિંગ જેવી લાગે છે.
પોતાના દુઃખ ને પણ આપણે મ્યૂઝિક અને ફીલિંગ સાથે સોશિયલ મીડિયા પર એક “મોન્ટેજ” રૂપે અપલોડ કરી દઈએ છીએ !
વિચાર માંગી લે છે કે
શું આપણા સંબંધો ખરેખર આત્મીય રહ્યા છે ખરા કે થઇ ગયા છે reelsમાં મોડ્યુલર?
પ્રેમ, દયા, – reel ના filters જ બનાવવા છે કે real anchoring ?
આપણે જીવનને જીવવું કેવી રીતે છે રીયલ સ્ટાઈલ મા કે reel-styleમાં.