
“જલેબી રોક્સ” – ચીલાચાલુ ટ્રેન્ડને બદલી – ‘જરા હટકે’ કંઇક નવું પીરસવાની લેખક-નિર્દેશક ચિન્મય પુરોહિત ની પ્રમાણિક કોશિશ. “જીવવાનું શરુ કરીએ”, “જો જીવનનો એક દિવસ પણ બાકી હોયને તો એ મન ભરીને જીવી લેવો જોઈએ.” એક એવા વિચારને નક્કર આકાર આપવા માટેની કોશિશ જે વિશે ચર્ચા કરવાનું સૌ ટાળે છે. -આ કોશિશ ખરેખર પ્રશંશાને પાત્ર છે.
આજે સર્જકો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવવાનો એક નવો ચીલો ચાતરી રહ્યા છે, સાહસ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે. આ સઘળું એટલા માટે શક્ય બન્યું છે કેમકે હવે દર્શકો પણ થીયેટરમાં જઈ, સારી ફિલ્મોને આવકાર આપે છે, સરાહે છે.
એક તદ્દન તાજગી ભર્યો અહેસાસ અને અલાયદો અનુભવ

લેખક અને નિર્દેશક –ચિન્મય પુરોહિતનું નોખું સર્જન “જલેબી રોક્સ”. વિદ્યાને જલેબી ખૂબ ભાવે છે એટલે એ ‘જલેબી’ વિદ્યાને નામે ઓળખાય છે એટલું જ નહિ પણ જલેબીની ગરિમા એ સ્તરે પહોચે કે ‘જલેબી’ એક પાત્રનું માત્ર નામ જ નહિ પણ ‘જલેબી’ પણ એક પાત્ર જ બની જાય છે.
કોન્સેપ્ટ થી લઈને લેખન અને લેખન થી લઈને આકાર પામતી ફિલ્મ, દરેકે દરેક પાસા અને ઘટતી ઘટનાઓ, પારિવારિક સંબંધોનાં બદલાતા સમીકરણો ની ખુબ જ સરળ વાત.
ફિલ્મમાં “જલેબી”, વિદ્યા પાઠક (વંદના પાઠક) એ માત્ર એક પાત્ર નથી, એ છે સમાજની દરેકે દરેક સ્ત્રીનું પ્રતિબિંબ. અને મજાની વાત એ કે ફિલ્મ માત્ર સ્ત્રીઓ માટે જ નથી. એ સૌને માટે છે, એક સ્ત્રી સાથે પિતા, ભાઈ, પતિ, પુત્ર કે મિત્ર તરીકે જોડાયેલ તમામ માટે, સમાજ માટે છે., જેઓ એ સ્ત્રીની સાથે જીવે તો છે પણ એને સમજી નથી શકતા.
મૌન મેનોપોઝ ની વ્યથા
જલેબી રૉક્સ એ મેનોપોઝ જેવા વિષયને હળવી ફૂલ રીતે રજૂ કરે છે. આખી ફિલ્મ ‘મેનોપોઝ’= ‘મેનોપોઝ’ નથી. કથાનાં મૂળ એલીમેન્ટ્સ છે પરિવારના સભ્યો, એમની વચ્ચેના પારિવારિક સંબંધો, માતા-પિતાને સંતાનોના ભવિષ્યની ચિંતા, અને જો સારું માગું આવે તો દીકરીને વહેલામાં વહેલી તકે પરણાવી દેવાની માનસિકતા (પછી ભલે ને ફર્સ્ટ અને સેકન્ડ ઇયરમાં યુનિવર્સિટીની ટોપર હોય પણ ભણતર પૂરું ન કરી વિવાહને પ્રથમ પ્રાધાન્ય આપવું, જે માનસિકતા આજના આ આધુનિક ડિજિટલ યુગમાં પણ પ્રવર્તે છે), લગ્ન બાદનું સુખી જીવન. સંતાનો નું મોટા થવું, બદલાયેલી જીવનશૈલી, પતિ –પત્ની વચ્ચે નાની મોટી નોકજોક. મા અને સંતાનો વચ્ચે વૈચારિક મતભેદ, વગેરે…વગેરે

પણ હવે જીવન વહે છે, પ્રકૃતિ પોતાનું કામ કરે છે. વિદ્યા 40સી વટાવે છે અને મેનોપોઝ દસ્તક દે છે.
મેનોપોઝને આરે ઊભેલી વિદ્યા (‘ચીકુ) એ કોઈને જણાવી નથી શકતી કે બહારથી ભલે એ ‘ઠીક’ દેખાતી હોય પણ અંદરથી એ ‘તૂટી’ રહી છે. અનિરુદ્ધ (નિમિશ દિલીપ રાય દેસાઈ- વિદ્યાનો પતિ) અને તેના દીકરાની પાસે વિદ્યાની સાથે વિતાવવા માટે સમય નથી. અને મળે ત્યારે માત્ર મજાક ઉડાવે છે. મેનોપોઝ ને કારણે થઇ રહેલ આંતરિક અને માનસિક બદલાવ વિશે એ કોઈની સાથે ચર્ચા નથી કરી શકતી. અનિરુદ્ધ અને એનો દીકરો એ બદલાયેલી વિદ્યાને સ્વીકારી નથી શકતા.

જલેબી રૉક્સ… માત્ર એક ફિલ્મ નહીં, સમાજના મૌન સામે એક પડકાર
વિદ્યા તો પ્રતિનિધિ છે એ તમામ સ્ત્રીઓની જે આ અવસ્થામાંથી પસાર થાય છે. આજના આ ‘ન્યુક્લિઅર ફેમિલી’ના યુગમાં અમુક તો પોતે પણ એ બદલાવને સમજવામાં અસમર્થ હોય છે એટલે કોઈની સાથે શું વાત કરે. બીજું જોઈન્ટ ફેમિલી ન હોય એટલે અગાઉ આ અવસ્થાનો અનુભવ કરી ચૂકેલ અન્ય કોઈ સ્ત્રી ઘરમાં ન હોવાને કારણે, અને બહારના કોઈની સાથે એ અવસ્થા વિશે ચર્ચા કરવામાં ક્ષોભ અનુભવાતો હોય એટલે આ અવસ્થામાં સ્ત્રી એકલી પડી જાય છે અને એ એકલતા એન્કઝાઇટી, ડિપ્રેશન અથવા ખાલીપામાં પરિણમે છે.
અહીં સ્ત્રી ઝંખે છે પરિવારના સભ્યોનો સાથ, સહકાર, સપોર્ટ. કેમકે આ મેનોપોઝ જીવનનો એક એવો તબક્કો છે – જ્યાં સ્ત્રી ‘ફેઝ આઉટ’ તો થતી નથી, પણ ‘ટ્રાન્સફોર્મ’ થતી હોય છે. વિદ્યા પણ આ અવસ્થાનો શિકાર છે.

“જલેબી” એક મીઠાશ- સ્વ ને ઓળખવાનું માધ્યમ
કાકાની દીકરી મુન્નીનાં લગ્ન પ્રસંગે તે પિયરે જોઈન્ટ ફેમિલીમાં આવે છે. એક સમયની જલેબીની દિવાનગી ક્યાંક ખોવાઈ ગઈ હતી . પણ અહીં મન ભરીને જલેબી માણે છે, ફેમિલીના સપોર્ટ સાથે પોતાની ઓળખ ફરી મેળવે છે. ખોવાયેલ સ્વ ને ફરી પામે છે. આ પ્રોસેસને અહીં સુંદર રીતે ગુંથીને ફિલ્મની માળામાં પરોવી લેવામાં આવ્યો છે. આ પ્રોસેસમાં ઘરના સભ્યો ઉપરાંત નિસ્વાર્થ મિત્ર તરીકે રોહિત મહેતા (વિદ્યાનો પૂર્વ પ્રેમી- માનવ ગોહિલ) સૌ નિમિત્ત બને છે.

જીવનના આ પ્રવાહમાં એક એ પાત્ર છે જે મેનોપોઝ ને આરે છે – વિદ્યા અને બીજું એ યુવાન પાત્ર છે જે વિવાહના બંધનમાં બંધાઈ રહ્યું છે, વિદ્યાના કાકાની દીકરી મુન્ની (માનસી રાચ્છ). એ સાક્ષી બને છે મેનોપોઝને આરે ઊભેલી વિદ્યામાં થતા ફેરફારોની, પારિવારિક સંબંધોમાં બદલાતા સમીકરણોની.
મુન્ની આજે 25સી માં છે પણ એ જો વિદ્યાના અનુભવ પરથી શીખ લે તો 40સી વટાવ્યા બાદ એના જીવનની રૂપરેખા એ પોતે અગાઉથી જ ઘડી શકશે. આ દરેક માટે લાગુ પડે છે. ‘
‘જલેબી રોક્સ’ મૌનના બંધ દરવાજા ખખડાવે છે.
તે જીવનની આ અવસ્થાને નવી રીતે જોઈ શકે તેવો અભિગમ આપે છે. જલેબી રોક્સ હકીકતમાં એક મિશન છે, સકારાત્મક દૃષ્ટિ કેળવવા માટેનું અભિયાન છે. ‘જલેબી રોક્સ’ આપણી અંદરની સંકુચિત માનસિકતાને રીફ્રેશ કરે છે.
અભિલાષ ઘોડા- તિહાઈ દ્વારા પ્રોમોટ કરાયેલ અને ચિન્મય પુરોહિત દ્વારા નિર્મિત – લિખિત અને નિર્દેશિત જલેબી રોક્સ -એક મિશન છે, એક દૃષ્ટિકોણ છે. વંદના પાઠક, માનવ ગોહિલ, નિમિશ દિલીપરાય દેસાઈ, માનસી રાચ્છ, દીપક ઘીવાલા, દીપક દત્તા, ભાવિની જાની, ભાવિની ગાંધી, પ્રશાંત બારોટ અને અન્ય તમામ કલાકારો આ અભિયાનમાં પોતપોતાની ભૂમિકા ને ઉચિત ન્યાય આપ્યો છે. સંગીત અને સિનેમેટોગ્રાફી પણ સરાહનીય છે.
27 જુને રિલીઝ થનાર ‘જલેબી રોક્સ’ આ ફિલ્મ જોવાનું ચૂકશો નહિ.
Perfect review.. 💯 👌
Let’s go n see the movie.