
કર્મગણિત — એક આધ્યાત્મિક ‘ક્રેડિટ સ્કોર’
નાનપણમાં વડીલોના મુખેથી ઘણી વાર સાંભળ્યું હતું. “હાથના કર્યા, હૈયે વાગ્યા”, “કરો તેવું પામો, એની સાથે જે થયું એ સારું થયું, એ જ લાગનો છે એ.”.
હાથના કર્યા – એક વ્યક્તિએ કરેલા કર્મો અને ‘હૈયે વાગ્યા’ – શાબ્દિક અર્થ જ કહે છે કે એ વ્યક્તિને એનું અનિચ્છનીય – ખરાબ પરિણામ ભોગવવું પડ્યું. અર્થાત એ વ્યક્તિ એ જે કર્મ કર્યું એ શાસ્ત્રોજ્ઞ કે સામાજિક દૃષ્ટિએ ખરાબ હતું, કદાચ પાપ હતું.
ટૂંકમાં એ વ્યક્તિએ જે પાપ કર્યું એની એને સજા મળી. અપવાદ છોડી દઈએ તો એ વ્યક્તિએ જે કર્મ કર્યું, એ પાપ હતું કે શું હતું એ નક્કી કોણ કરે. પાપ અને પુણ્યની વ્યાખ્યા વિષયક કે વ્યક્તિનિષ્ઠ (subjective), સાપેક્ષ કે તુલનાત્મક (Relative).
તમે કોઈને હર્ટ કરો, ઈરાદાપૂર્વક નુકસાન પહોચાડો એ પાપ કર્મ .
મેથેમેટીકલ ગણતરી મુજબ કર્મ = પાપ, કર્મ = પુણ્ય , તો શું…..પાપ = પુણ્ય એમ નિષ્કર્ષ તારવી શકાય ખરો?
તમે એક વૃદ્ધાને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરો છો. એ ચોક્કસ પુણ્યનું જ કામ છે.
પણ પછી એ વૃદ્ધાને રસ્તો ક્રોસ કરાવતી વખતે ઉતારેલ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરો છો અને અઢળક “લાઈક્સ” મેળવો છો. વાહ-વાહી મેળવો છો. એ શું છે?
‘કેચ’ અહીં છે – પુણ્ય અને પાપ વચ્ચેની થીન લાઈન.
“જેવું વાવો તે લણો’ વાત સાચી પણ વાવણી નાં કર્મ પાછળનો ઉદ્દેશ્ય – આખી ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કર્મ માત્ર એ નથી કે તમે શું કરો છો, કેવા કર્મો કરો છો. કર્મ એ વિશે પણ છે કે તમે એ શા માટે કરો છો. કેવી રીતે કરો છો. જાતે કરો છો કે કરાવડાવો છો. એ વિશે પણ છે.
તમે ભૂલથી કોઈની મદદ કરો તે પુણ્ય, દાન કરો પણ લાઈક્સ માટે વાઈરલ કરો એ પુણ્ય તો ખરું પણ એની ડેન્સિટી કેટલી- પૂર્ણ પુણ્ય કે અર્ધ પુણ્ય, ઈરાદાપૂર્વક પહોંચાડવામાં આવેલ નુકસાન , અસત્ય, અને લોભથી પ્રેરિત કૃત્યો પાપ, પ્રત્યક્ષ થઇ રહેલ પાપની સામે મુક –પ્રેક્ષક બની શાંત રહેવું તે પણ પાપ છે.
આખી ઘટનામાં કડવી સચ્ચાઈ એ છે કે તમે કોઈ પણ કૃત્ય કરો- કર્મો કરો, અઘોષિત પરીક્ષા તો પતી જાય છે પણ એનું રિઝલ્ટ ક્યારે આવશે તે ખબર નથી હોતી.
હું …હું…..હું…..આઈ , મી એન્ડ માયસેલ્ફ
આપણો માનવ સહજ સ્વભાવ , “હું” અને માત્ર “હું” માંથી બહાર જ નથી આવતો. આપણે ગઈ કાલની ભવ્યતાને વાગોળીયા કરીએ છીએ અને આવતી કાલના સપનાઓની દુનિયામાં રચ્યા-પચ્યા રહીએ છીએ.
આ બન્ને સમય ની વચ્ચે જીવતા જીવતા આપણે વર્તમાન ભૂલી જઈએ છીએ. આ વર્તમાન જ છે જે કર્મો કરાવે છે. પણ એ વર્તમાન વિશે આપણે ગાફેલ રહીએ છીએ. અને વર્તમાનમાં તો ‘બાય-ડિફોલ્ટ’ જે જિંદગી જીવાતી હોય તે જિંદગી જીવીએ છીએ. આ બાય -ડિફોલ્ટ જીવન જીવવાને લીધે ધીમે ધીમે આપણે આઉટડેટેડ થઇ જઈએ છીએ. ગઈ કાલે કે ભૂતકાળમાં કરેલા કર્મોનું રિઝલ્ટ અચાનક ડિક્લેર થાય છે.
સ્વાભાવિક છે કે મનગમતું પરિણામ હોય, તાજું તાજું અને ભાવતું ફળ મળ્યું હોય તો આપણે ‘મેં કરેલ કર્મોનું પરિણામ” અથવા “હું”ને ગ્લોરીફાય કરીએ છીએ. પણ જો વર્તમાનમાં એ આઉટકમ ને સમજવા માટે આપણે સંઘર્ષ કરવો પડે તો એનો અર્થે એ કે એ અનિચ્છનીય પરિણામ સ્વીકારીવું કે નહી, એના વમળ માં અટવાઈ જઈએ છીએ. એ સંઘર્ષમાં વર્તમાન ખોવાઈ જાય છે. સમય સરી જાય છે. આપણે આઉટડેટેડ થઇ જઈએ છીએ.
મનને મનાવીએ કે ‘આ જનમમાં તો કોઈનું ખરાબ નથી કર્યું પણ કદાચ પાછલા જન્મના પાપોનું ફળ આજે ભોગવવું પડે છે’. આ મનોદશા કે માનસિકતા પલાયનવાદ છે. દોષનો ટોપલો બીજાને માથે ઢોળી દેવાની માનવ સહજ પ્રકૃતિ છે. આસપાસના માહોલમાંથી કોઈ મળ્યું નહી જેના પર દોષનો ટોપલો ઢોળી શકાય એટલે પાછલા જનમમાં આપણા આત્માનો જેનામાં નિવાસ હશે તે, વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળી, આપણે મુક્ત થઇ જઈએ છીએ અને કોઈ છટકબારી ન મળે તો અંતે “ભગવાન જે કરે એ સારા માટે!, આવું કરવા પાછળ પણ એમનો કોઈ સંકેત હશે!” એમ જાહેર કરી સકારાત્મક અભિગમ નું પ્રદર્શન કરીએ છીએ.
હકીકત એ છે કે જન્મ લેતા પૂર્વે જ કર્મની પોલિસી, ટર્મ્સ એન કન્ડીશન્સ, “Accept” કરાવી લેવામાં આવે છે, કાયદાકીય રીતે જરૂરી હોય એ તમામ ફોર્માલિટીઝ પૂરી કરાવી જ લેવાતી હોય છે, કેમકે એ વગર ‘પેજ’ ટર્ન જ નથી થતું. અને બીજું જન્મ લીધા બાદ કોઈ કન્ફયુઝન કોઈ ડિસ્પ્યુટ ન થાય.
સિગ્નેચર :
આ પાપ પુણ્ય નાં સમીકરણો ‘સિબિલ સ્કોર’ ટાઈપ છે. પાપ = પુણ્ય હોય કે પાપ વિરુદ્ધ પુણ્ય હોય, તેનું સરવૈયું કાઢવામાં આવે છે. આત્મા જે ખોળિયું બદલ્યા કરે, તે આત્માનાં દરેક જન્મના કર્મોની “ક્રેડીટ હિસ્ટ્રી’ અને ‘કેટલું બેલેન્સ બાકી છે” તેને આધારે વર્તમાનમાં, જેમાં એ આત્માનો નિવાસ જેમાં છે તે વ્યક્તિને એની જવાબદેહી સ્વીકારવી પડે છે.
જો તમે કોઈ વ્રધ્ધ ને રસ્તો પાર કરવા માં મદદ કરો તો એ પુણ્ય નું કામ છે
જો કોઈ સુંદર સ્ત્રીને રસ્તો પાર કરવામાં મદદ કરો તો એ સ્નેહ છે.
જો બધા વાહનો ને રોકી ને દરેક ને રસ્તો પાર કરવા માં મદદ કરો તો તમે ટ્રાફિક પોલીસ છો