
કર્મ અનમાસ્ક્ડ: “Need” અને “Greed”નો હિસાબ-કિતાબ – સંતુલન જળવાઈ રહે એ અત્યંત જરૂરી છે.
લાઓ ત્ઝૂ એ અદ્દભૂત વાત કહી છે.
“તમારા કર્મો પર ચાંપતી નજર રાખો – તે ક્યારે આદત બની જશે, ખબર નહિ પડે
તમારી આદતો પર બાજ નજર રાખો – તે ક્યારે સ્વભાવ બની જશે, ખબર નહિ પડે.
તમારો સ્વભાવ તમારું ચરિત્ર ઘડશે…અને તમારું ચરિત્ર ઘડશે તમારું નસીબ.”
હવે પ્રશ્ન એ થાય છે કે, અહી નસીબને અપેક્ષિત આકાર આપવા માટેનો પાયો જે છે એ જ લોકોને સૌથી વધુ કન્ફયુઝ શામાટે કરે છે.
વાસ્તવમાં પુરાણોથી પોપ કલ્ચર સુધી, કર્મ અત્ર, તત્ર- સર્વત્ર છે.
કેટલાકને માટે કર્મ શાસ્ત્રો અને વેદ-પુરાણો , સંત-મહાત્માઓ અને વિચારકો દરેકે દરેકના બોધ સમાન છે, તો બીજી બાજુ કેટલાક માટે ટેટૂ પર લખાયેલી લાઈનમાં કહેવાતી આત્મજ્ઞાનની વાત છે.
કર્મોની વાવણી કર્યા પછી બધા વિચારે કે “વો સુબહ, કભી તો આયેગી!”
દુ:ખની વાત એ છે અને તકલીફ ની શરૂઆત ત્યારે થાય છે જ્યારે સૌ વાવણી તો સફરજન નાં ઝાડની કરે છે, પણ એના પર કેરીના ફળની અપેક્ષા રાખે છે.
તો વિચારીએ કે કર્મ એટલે ખરેખર શું?
- કર્મ માત્ર ક્રિયા છે કે પરિણામ પણ?
- શું કર્મ સભાન -સજાગ કૃત્ય છે કે અજાણે નિયંત્રણ વિના વહેતો પ્રવાહ છે?
- પ્રશ્ન એ કે કર્મ એ વ્યક્તિગત છે કે સામૂહિક?
શું ‘કર્મ’ નો કોઈ વિકલ્પ છે ખરો ?
અહીં એક ટ્વિસ્ટ છે:
રમૂજી રીતે કે વાસ્તવિક અપ્રોચ, હકીકત એ છે કે ઉક્ત વર્ણવેલ તમામ પ્રશ્નોના જવાબ શોધવાની કવાયત – એ પણ તો એક કર્મ જ છે.
વર્ણવેલ વ્યાખ્યા પરથી એ નક્કી કે કર્મ એટલે એક પ્રવાહ ..જે વહ્યા જ કરે, એ નજરે ન ચડે , પરોક્ષ રીતે સાઈલંન્ટલી વહ્યા જ કરે.
ચાહીએ કે ન ચાહીએ, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે કરીએ કે ન કરીએ પણ , પણ એ કાર્યો – કર્મો થયા જ કરે
આ પછી, “બાય ડીફોલ્ટ” થતા રહેતા કાર્યો ક્યારે આપણી આદત બની જાય છે, એની આપણને જાણ પણ નથી થતી.
આદતોનો પ્રવાહ
- આદતો થી થતા કર્મો, અનુભવો બને છે.
- જ્યારે સારા લોકોના સંગથી મળેલો અનુભવ આપણને સક્ષમ બનાવે છે.
- પણ ખોટા લોકો સાથેના કાર્યો આપણને ઉદાસીન અને અંદરથી પોકળ બનાવે છે. આપણી લાગણીઓનો પ્રવાહ સુકાઈ જાય છે. પણ એ ખરાબ અનુભવ આપણને ‘ઈમોશનલી સ્ક્વિઝ’ કરી દે છે.
આમ પુનરાવર્તિત કર્મો થી કેળવાયેલી આદતો, આપણી માનસિકતા ને આકાર આપે છે. આ માનસિકતા એક સ્વભાવ બની જાય છે.
- આ સ્વભાવ જ એ વ્યક્તિની “ઓળખ” બને છે.
- અને આ ઓળખ જ “ભાગ્ય” ઘડે છે.
હરી ફરીને બેક ટૂ સ્ક્વેર વન : પાયાનો એ જ પ્રશ્ન… ખરા અર્થમાં કર્મ શું છે?
કેટલાં કર્મો આપણે પસંદ કરીએ છીએ.
અને કેટલાક કર્મો બસ થઇ જાય છે – આપણને જાણ થાય એ પૂર્વે.
પણ અહીં એક સત્ય છે, જે ખરેખર કડવું છે.
સારા કર્મો કરવા છતાં પણ સારા પરિણામોની કોઈ ગેરંટી નથી.
કોઈ વ્યક્તિ ખરાબ પરિણામ મેળવવા માટે કર્મ નથી કરતા છતાં ઘણી વાર એવું બને કે જ્યારે અપેક્ષા ન હોય ત્યારે અને જે અપેક્ષિત ન હોય તે પરિણામ આવે.
તો પછી એક બીજો પ્રશ્ન ઉદ્દભવે:
શું કર્મ કરવા જોઈએ કે નહી?
જવાબ છે –
કર્મ ન કરવું એ પણ એક પ્રકારનું કર્મ છે.
એક વાત યાદ રાખો : કર્મનો પ્રવાહ રોકી શકાતો નથી. પણ તેમાં તણાવું કે તરવું એ આપણે નક્કી કરવાનું છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन”
ફળ આપણા હાથમાં નથી – પણ કર્મ તો આપણાં હાથમાં છે.
‘કર્મ’ એ વાત પર આધાર રાખે છે કે આપણે જીવનને ‘ઈનામ કે સજા’ માટેની રમત તરીકે જોઈએ છીએ કે એક અનુભવ તરીકે, એક શીખ તરીકે જોઈએ છીએ કે એક આત્મવિકાસની યાત્રા તરીકે.
આપણે જે રંગના ચશ્માં પહેરીને જોશું, એ રંગની જિંદગી દેખાશે. અને કર્મોનો પ્રવાહ પણ એ દિશામાં વહેશે જેવી માનસિકતા ડેવલપ થઇ હશે, જે આદતો કેળવાઈ હશે.
કર્મોનો હિસાબ-કિતાબ સંતુલિત રાખવા માટે જરૂરી છે કે NEED અને GREED વચ્ચે સંતુલન જળવાઈ રહે. એકવાર આ સંતુલન જળવાઈ જાય એ પછી જરૂરી હોય છે કર્મગણિત – આધ્યાત્મિક ક્રેડિટ સ્કોર વિશે સમજવું. અને ઉદાહરણ સાથે એ સમજવું કે કર્મ અને આધ્યાત્મિકતા વચ્ચે શું તફાવત છે.