
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् |
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ||
નવરાત્રિની પ્રથમ તિથિએ પૂજાતી દેવી છે મા શૈલપુત્રી. એનું નામ જ એમના સ્વરૂપનું દર્શન કરાવે છે – શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી. તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી છે, એટલે એમને શૈલપુત્રી કહેવાય છે. પાર્વતીજી, સતીજી અને હેમાવતી તરીકે પણ તેઓ પૂજાય છે. નવદુર્ગામાં પ્રથમ સ્થાન ધરાવતી આ દેવી સાધકો માટે આધ્યાત્મિક યાત્રાની શરૂઆતનું પ્રતિક છે.
સ્વરૂપ અને લક્ષણ
મા શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત મનોહર અને તેજસ્વી છે. મા શૈલપુત્રી શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે. માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ છે, જે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ પર વિજય દર્શાવે છે. ડાબા હાથમાં કમળ પુષ્પ છે, જે પવિત્રતા અને સુંદરતાનું પ્રતીક છે. તેમનું મુખમંડળ ચંદ્રની જેમ શાંત અને તેજસ્વી છે. આ સ્વરૂપ સાધકને સ્થિરતા, નિર્ભયતા અને શુદ્ધતાની પ્રેરણા આપે છે. ત્રિશૂલ તપસ્યાનું અને સંકલ્પશક્તિનું પ્રતિક છે, જ્યારે કમળ ભક્તિના શુદ્ધ ભાવનું દર્શન કરાવે છે.
મા શૈલપુત્રીનો પ્રિય રંગ લાલ છે. લાલ રંગ શક્તિ, ઉત્સાહ, પ્રેમ અને બહાદુરીનું પ્રતીક છે. આ દિવસે ભક્તો લાલ વસ્ત્રો પહેરે છે અને માતાજીને લાલ ફૂલો અર્પણ કરે છે. લાલ રંગ મૂળાધાર ચક્રનું પણ પ્રતીક છે, જે આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક તબક્કાને દર્શાવે છે.
મહાત્મ્ય અને શક્તિ
પુરાણોમાં વર્ણવ્યા મુજબ મા શૈલપુત્રી એ બ્રહ્માંડની સમસ્ત શક્તિનું પ્રારંભિક સ્વરૂપ છે. પૌરાણિક કથા અનુસાર, પૂર્વ જન્મમાં માતા દક્ષ પ્રજાપતિની કન્યા સતી હતી. જ્યારે દક્ષે યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન કર્યું, ત્યારે સતીએ યોગાગ્નિમાં પોતાનાં શરીરનો ત્યાગ કર્યો હતો, યજ્ઞકુંડમાં આત્મવિસર્જન કર્યું હતું. ત્યાર બાદ હિમાલયની પુત્રી તરીકે પુનર્જન્મ લઈ તેઓ શૈલપુત્રી તરીકે પ્રગટ થયા. એમને સ્થિરતા, ધૈર્ય અને મનોબળની દેવી માનવામાં આવે છે. ભક્તિના પ્રારંભિક પગથિયાંમાં મનને એકાગ્ર કરવા માટે આ દેવીની પૂજા અનિવાર્ય ગણાય છે.
પૂજાની વિધિ
- નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા શરૂ થાય છે. સવારે સ્નાન કરીને કલશ સ્થાપના કરાય છે, જેને નવદુર્ગાના આગમનનું પ્રતિક માનવામાં આવે છે. દેવીને લાલ કે સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે. લાલ ચંદન, કુમકુમ, અક્ષત, દુધ, ઘી અને મધથી અભિષેક કરાય છે. પછી ત્રિશૂલ અને કમળનું સ્મરણ કરીને મા શૈલપુત્રીનું ધ્યાન કરવામાં આવે છે. એમને શંખ, ધુપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને આરતી કરાય છે. ખાસ કરીને દુધનો ભોગ અર્પણ કરવાથી મનુષ્ય જીવનમાં શાંતિ, સ્વસ્થતા અને સમૃદ્ધિ મળે છે. એમની કૃપા મેળવવા “ॐ देवी शैलपुत्र्यै नमः” મંત્રનો જાપ કરો.
એમને માટે પ્રાર્થના:
“या देवी सर्वभूतेषु मा शैलपुत्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥”
ભક્તિનો અર્થ
મા શૈલપુત્રીની ભક્તિનો અર્થ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ મનને સ્થિર કરવાનું એક સાધન છે. ભક્ત તેમને માતા સમજીને સર્વસ્વ સમર્પિત કરે છે. એમની આરાધના કરવાથી સાધકના મનમાં પવિત્રતા આવે છે, કુટુંબમાં સુખ-શાંતિ વધે છે અને ચિંતાથી મુક્તિ મળે છે. સાધકોમાં આધ્યાત્મિક ઉર્જાનો ઉદ્ભવ થાય છે.
ફળશ્રુતિ
પુરાણો જણાવે છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મા શૈલપુત્રીની પૂજા કરે છે તેને જીવનમાં અખૂટ ઉર્જા, ધૈર્ય અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. તમામ પાપોનો નાશ થાય છે અને સાધક ધીમે ધીમે ઉચ્ચ આધ્યાત્મિક યાત્રામાં આગળ વધે છે. આરોગ્યમાં સુધારો થાય છે, કુટુંબમાં સુખ-સંમતિ આવે છે અને મનમાં એકાગ્રતા પ્રબળ બને છે.
આધ્યાત્મિક લાભ:
- મૂળાધાર ચક્રની જાગૃતિ
- મનમાં સ્થિરતા અને શાંતિ
- નકારાત્મક વિચારોનો નાશ
- આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ
ભૌતિક લાભ:
- આરોગ્ય અને બળ પ્રાપ્તિ
- પારિવારિક સુખ અને સંપત્તિ
- વિઘ્ન અને બાધાઓનું નિવારણ
- જીવનમાં સ્થિરતા અને સફળતા
વિશેષ કૃપા:
- અવિવાહિત કન્યાઓને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ
- ગર્ભવતી સ્ત્રીઓને સુરક્ષા અને સ્વસ્થ સંતાન
- વ્યાપારમાં વૃદ્ધિ અને નવા કામોમાં સફળતા
વ્રત અને ઉપવાસ
- પ્રથમ દિવસે કેટલાક ભક્તો નિર્જળા ઉપવાસ રાખે છે, જ્યારે અન્યો ફળાહાર કરે છે. સાંજે આરતી પછી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન અને સાત્વિક આહારનું સેવન અત્યંત મહત્વપૂર્ણ છે.
મા શૈલપુત્રી નવદુર્ગાની પ્રથમ દેવી છે, જેઓ આરંભ, નિર્ભયતા અને શુદ્ધ ભક્તિનું પ્રતિક છે. નવરાત્રિનો આરંભ તેમની આરાધનાથી થાય છે કારણ કે એ આધ્યાત્મિક ઉન્નતિનું પ્રથમ પગથિયું છે. શુદ્ધ ભાવ અને નિર્મળ ભક્તિ થી એમની પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને અડગ મનોબળ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીમાં , નવદુર્ગાનાં નવ સ્વરૂપો વિશે અહીં પ્રસ્તુત દરેક આર્ટિકલ્સ માત્ર અલગ-અલગ એકત્ર કરવામાં આવેલ માહિતીઓનું સંકલન માત્ર છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી.