
‘લોખંડી પુરુષ’ – ‘મૅન ઑફ સ્ટીલ’ એટલે કે લોખંડી સ્વભાવ, લોખંડી વિચારધારા અને લોખંડી શબ્દોના ધણી એટલે સરદાર વલ્લભભાઇ પટેલ.
મૌન પણ બોલી શકે અને ગર્જના કરી શકે છે — એકતા, ધીરજ અને શિસ્તના સ્વરમાં.
પણ જ્યારે મુખેથી નક્કર શબ્દો બોલાય કે “આઝાદી એ આપવાની જણસ નથી, એ માનવાની વાત છે, અમે અમારી જાતને આઝાદ માની ચૂકયા છીએ અને હવે એ દિવસો દૂર નથી જ્યારે તમારે પણ અમારી આઝાદી માનવી જ પડશે.”,
ત્યારે એ લોખંડી શબ્દોનો જે ઈમ્પેક્ટ પડે એ કહી ન શકાય , એ સમજાવી ન શકાય એને માત્ર અનુભવી શકાય. એમાં પણ જ્યારે એ શબ્દો સરદાર પટેલનાં હોય તો…. આવી ટાવરિંગ પર્સનાલિટીને એક હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ એટેલે મિહિર ભૂતા લિખિત અને દિગ્દર્શિત દ્વિભાષી (ગુજરાતી–હિન્દી) બાયોપિક – ‘મૅન ઑફ સ્ટીલ’ – સરદાર.




એક બાજૂ ફેન્ટસી અને એક્શન ફિલ્મોની જુવાળ હોય ત્યારે, પટેલજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આપણને આપણા રૂટ્સથી ખરા અર્થમાં અવગત કરાવતી આવી બાયોપિક માત્ર ઇતિહાસને નથી વાગોળતી પણ રાષ્ટ્રપ્રેમની વ્યાખ્યા ખરી રીતે ખરા અર્થમાં રી-ડિફાઈન અને રી-ડિઝાઈન કરે છે, રાષ્ટ્રપ્રેમને ફરી જીવંત અને ચેતનવંતો કરે છે.
એક વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ, ગાંધીજી સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાવા થી મૅન ઑફ સ્ટીલ ની ઓળખ પામવા સુધીની યાત્રા એટલે વ્હાઇટ મેઝર એન્ટરટેઇનમેન્ટ – મયુર બારોટ, ધવલ જયંતીલાલ ગડા દ્વારા નિર્મિત અને ડો. જયંતીલાલ ગડા- પેન સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત મિહિર ભૂતા લિખિત અને દિગ્દર્શિત દ્વિભાષી (ગુજરાતી–હિન્દી) બાયોપિક – ‘મૅન ઑફ સ્ટીલ’ – સરદાર.
સરદાર વલ્લભભાઈ પટેલ- જેમણે આઝાદી બાદ અલગ અલગ રજવાડાઓમાં વિભાજીત અને વીખરાયેલ ભારતને એક સૂત્રમાં પરોવ્યું અને એક તાંતણે સાંધ્યું એ ‘આર્યન મૅન’નાં જીવનનું આલેખન કરનાર આ ફિલ્મ એ કોઈ દસ્તાવેજી ફિલ્મ નથી, એ એક અનુભવ છે. ભારતના સ્વાતંત્રય વખતે લોકોની માનસિકતાને અને એ વખતે લેવાયેલ તમામ સાચા કે ખોટા નિર્ણયોને કારણે ઉદ્દભવેલ સંજોગોનું સચોટ નિરૂપણ છે. એ વખતે સૌ જે માનસિક તાણમાંથી પસાર થયા હશે એની અભિવ્યક્તિ છે.
યુવા પેઢી માટે એક પ્રેરણા રૂપ આ ફિલ્મની યુએસપી છે મિહિર ભુતાનું અદ્દભુત નિર્દેશન અને સ્ક્રિનપ્લે અને સંવાદ
ખેડા સત્યાગ્રહ, બારડોલી ચળવળ અને ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રસંગોને જીવંત બનાવે છે. ફિલ્મનો આત્મા છે — લોખંડી પુરુષની લોખંડી વિચારધારા – રાજ્યોના એકીકરણનું ધ્યેય, જ્યાં પટેલજીના અડગ સંકલ્પે 560 થી વધુ રાજ્યોને એક ભારતના નકશામાં જોડ્યા.
ઈતિહાસને, એક માનવિય ભાવના રૂપે રજૂ કરતી આ ફિલ્મમાં પટેલની આંતરિક લડાઈ, ફરજ પ્રત્યેનો નિષ્ઠાભાવ અને રાષ્ટ્રહિત માટે વ્યક્તિગત રૂપે કરાયેલ ત્યાગ ઊંડી છાપ છોડે છે.




રીડિંગ ઇન બિટ્વીન ધ લાઈન્સ – જો સમજી શકાય તો જ અનુભવી શકાય.
જવાહરને કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવા મોતીલાલનું પટેલને ઈમોશનલી ‘બ્લેકમેઈલ’ કરવું, અને ગાંધીજી દ્વારા પણ પટેલ પર એ માટે આડકતરું દબાણ લાવવું, કાશ્મીર બાબતે જવાહરના નિર્ણયો સામે પટેલની તાર્કિક દલીલો વખતે પણ ગાંધીજીનું માત્ર પટેલ ને દોષિત ઠેરાવવું અને એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરવો કે અધ્યક્ષ પદ ન મળ્યું એટલે પટેલ, જવાહરનાં વિરોધી બની ગયા છે, પણ દરેક તાર્કિક દલીલો સામે ગાંધીજીનું વાતને અવગણી, આંખ આડા કાન કરી, વાતની અધવચ્ચે ઉભા થઈને જતા રહેવું અને હરી ફરીને માત્ર પટેલને જ સલાહ આપવી , આ બધા પ્રસંગોનું ફિલ્માંકન જો વાંચી શકાય, સમજી શકાય તો જ એની ઊંડાઈ અને ઇતિહાસની સત્યતા જાણી શકાય એને અનુભવી શકાય.
જીવનમાં સત્યને અનુસરવાનો દાવો કરનારાઓ અને ‘ગ્રે’ શેડમાં જીવનારાઓની ડાર્ક સાઈટ જ્યારે ઉજાગર કરવામાં આવે ત્યારે એ ઉજાગર કરનાર વ્યક્તિ એકલી પડી જતી હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ‘મૅન ઑફ સ્ટીલ’.
કોઈ વધારાની નાટકિયતા નહિ કે નહિ કોઈ મેલો ડ્રામા, ફક્ત સચોટ, તીક્ષ્ણ, સંવાદો, નક્કર નિર્ણયો અનેગર્જના કરતા મૌન મારફતે ફિલ્મ વ્હેંત ઊંચી સાબિત થઇ છે. દરેક ફ્રેમ માનવીય સ્વભાવની વ્હાઈટ, બ્લેક કે ગ્રે સાઈડને પ્રમાણિકતાથી ઉજાગર કરે છે.
દરેક ઘટનાને અંતે પટેલ પ્રત્યેનો આદર વધતો જાય. તે ઉપરાંત ખાદીની સુગંધથી લઈને લખાણ સુધી, દરેક વસ્તુ સમયના સ્પર્શથી એ વખતની સચ્ચાઈને વધુ ને વધુ તીક્ષ્ણ રૂપે રજૂ કરે છે.
સરદાર પટેલ તરીકે વેદિશ દીપક ઝવેરીએ અભિનય નથી કર્યો, એ સરદાર પટેલને જીવ્યા છે. નેતૃત્વની ગંભીરતા અને માનવતાની નમ્રતા — બંને તેમની આંખોમાં સ્પષ્ટ દેખાય છે.
એક ખંતીલા વકીલથી રાષ્ટ્રનાયક બનવાની સરદારની યાત્રાને ખુબ પ્રભાવી રીતે નિભાવી છે. જવાહર તરીકે ચિરાગ વોરા પણ અત્યંત પ્રભાવી રહ્યા છે. બાકી અમી ત્રિવેદી, જિમિત ત્રિવેદી, ચેતન ધનાણી, હિતુ કનોડિયા, હિતેન કુમાર, અને અજય જયરામ જેવા કલાકારો પણ પોતાના ફાળે આવેલ ઐતિહાસિક પાત્રોને ઊંડાણથી જીવંત બનાવવામાં સફળ રહ્યા છે.
પટેલ અને ગાંધી વચ્ચેના દૃશ્યો તો ફિલ્મની આત્મા છે. અહીં માત્ર દિલથી લેવાયેલ એક તરફી નિર્ણયો અને તાર્કિક રીતે નિષ્પક્ષ રૂપે લેવાયેલ નિર્ણયો વચ્ચેનો સંઘર્ષ છે. અને છતાં પટેલના ગાંધીજી પ્રત્યેના આદર અને ભાવનાનો સંતુલિત સંગમ છે.
ક્યાંય દેખાવમાં કે અભિનયમાં અતિશયતા નથી.




છાયાંકન અને ડિઝાઇન
દૃશ્યતઃ ફિલ્મ અદભૂત છે. લાઇટિંગના શેડ્સ સાથે પતેલના જીવનના તબક્કા જીવંત થાય છે — શરૂઆતના માઈલ્ડ ટોન થી પછીના તીવ્ર કોન્ટ્રાસ્ટ – સીનની જરૂરીયાત પ્રમાણેનાં ભાવો વ્યક્ત કરવામાં સફળ રહ્યા છે.
બાકી આઝાદીનાં સમયની વાત એટલે જૂના વાહનો, કોલોનિયલ કચેરીઓ, રાજકીય સભાઓ — બધું જ એક માહોલ ક્રિએટ કરે છે. ગુજરાતના ખેતરોની ધરતી થી લઈને દિલ્લીની રાજનીતિ સુધી — દરેક દૃશ્ય એક એક આગવી છાપ છોડે છે.
સંગીત શાંત ફિલ્મને ઉર્જા આપે છે અને ફિલ્મના ભાવોને યથાર્થ રૂપે રજૂ કરે છે.
આખી ફિલ્મનો નીચોડ એટલે નેતૃત્વ, એકતા અને ત્યાગની ખરી વ્યાખ્યા. નેતૃત્વ — જે સેવાથી જન્મે છે, સત્તાથી નહીં, એ હકીકતનું આકલન એટલે પટેલની નિસ્વાર્થતા, રાષ્ટ્રપ્રેમ અને અખંડ ભારતનું એમનું વિઝન.
મૌલાનાનો એ સવાલ કે આઝાદ ભારતમાં હિન્દુઓની બહુમતી સામે મુસ્લિમોના પ્રતિનિધિત્વનું શું? ત્યારે એના જવાબમાં પટેલનું કહેવું કે તમારે માત્ર મુસ્લિમોના પ્રતિનિધિ બનવું છે કે સંપૂર્ણ અખંડ ભારતના?
આ જ દર્શાવે છે કે વિખરાયેલ માનસિકતા સામે પટેલ ની એકતા ની વ્યાખ્યા અને વિચારધારા કેટલી યોગ્ય અને કારગર હતી.
સંભવ છે અમુક લોકોને આ ફિલ્મની ગતિ ધીમી લાગે પણ એ ગતિ ધીમી જ હોવી જરૂરી છે, એ સરદારની સ્થિર, શાંત, અને અડગ- લોખંડી વિચારધારાનું પ્રતિબિંબ છે જે તે patriotismને ઉપદેશથી નહીં, ભાવનાથી જગાવે છે.
મેન ઑફ સ્ટીલ: સરદાર માત્ર એક ફિલ્મ નથી — એ ભારતના અંતરાત્માની યાત્રા છે. આ ફિલ્મ માત્ર આંખોથી જોવાની નહિ પણ હદયથી અનુભવવાની ફિલ્મ છે. ભારત અને ભારતીયતા પ્રત્યે ફક્ત ગર્વ લેવાની નહિ પણ એ સાથે વધતી જવાબદારીઓ પ્રત્યે સજાગ કરતી ફિલ્મ છે.



