
મૂળ લેખક : વિનોદ પોપટ
ભાવાનુવાદ- મનભાવી.
મોદીજી, ટ્રમ્પ અને આધુનિક સૂરસા: સુંદરકાંડથી પ્રેરિત અભિવ્યક્તિ. વૈશ્વિક પોલિટીકલ રંગભૂમિ પર ક્યારેક વેદ – પુરાણોની જ્ઞાનભરી દૃષ્ટિ, અર્થશાસ્ત્ર કે રાજકીય ટિપ્પણી કરતાં વધુ અસરકારક નીવડે છે. યથોચિત આકલન કરી શકે છે. એક તરફ ભારત થા અન્ય દેશો અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ ઝઘડામાં તાજેતરના વિકાસને જોતાં, એ ઘટનાને રામાયણના સુંદરકાંડની એક ઘટના સાથે સાંકળી શકાય.
હનુમાનજી નું લંકાગમન અને સુરસાનો સામનો
આ વાત છે હનુમાનજીના લંકાગમન સમયની, જયારે તેઓ સીતા માતાને શોધવા જાય છે. સમુદ્રપાર જતા જતા રસ્તામાં તેમનો સામનો સુરસા નામની રાક્ષસી સાથે થાય છે. સુરસા હનુમાનજી ને કહે છે, કે “ આજે મારું વરદાન પૂર્ણ થશે, કેમકે મને વરદાન છે કે હું સહેલાઈથી તમને આરોગી શકીશ!, તમે મને રોકી નહિ શકો.” આ સાંભળી હનુમાનજી જરા પણ વિચલિત નથી થતા.
રિવર્સલ સ્ટ્રેટેજી
એ પોતાનું કદ વધારી દે છે. સામે સુરસા પણ એમનાથી મોટું કદ ધારણ કરી લે છે. આમ કદ વધારવાની હરીફાઈમાં બન્ને એક બીજાથી મોટું રૂપ ધારણ કરતા જ જાય છે. એક સ્ટેજ પછી હનુમાનજી, અટકી જાય છે, પોતાની સ્ટ્રેટેજી બદલે છે. એ કદ ઘટાડી અત્યંત સુક્ષ્મ રૂપ ધારણ કરી લે છે. એ સુરસાની જાણ બહાર એના મુખમાં પ્રવેશ કરી લે છે ને નાકમાંથી બહાર નીકળી જાય છે. આ જોઈ સુરસા અચંબિત થઇ જાય છે. હવે હનુમાનજી એને કહે છે કે “હવે તને મળેલા વરદાન મુજબ તારી મને ખાવાની ઇચ્છા પૂર્ગણ થઇ ગઈ છે, હવે હું જઈ શકું ?”
આમ હનુમાનજીની વિનમ્રતા અને ચતુરાઈ અને ચપળતા જોઈ, સુરસા ખુબ પ્રભાવિત થઇ ગઈ, એણે હનુમાનજીને આગળ વધવા રજા પણ અપાઈ અને આશીર્વાદ પણ આપ્યા.
આધુનિક સુરસા અને અટેકિંગ સ્ટ્રેટેજી
આ સંદર્ભ સાથે વર્તમાનને સમજીએ. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમુક દેશો પર સૈન્યની મદદથી હુમલો કરી રહ્યા છે, અમુકને પોતાની તાકાત ડરાવી રહ્યા છે તો લગભગ બધાજ દેશો સાથે ટેરીફ વોર લડી રહ્યા છે. આમ પોતાની આર્થિક શક્તિનો પરચો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આમ બધા દેશો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ટેરિફ વધારવાની,
કોંણ કેટલી હદ સુધી વધારશે અને વધારી શકશે , એ તો સૌ પોત-પોતાનું જાણે. પણ હા હેતુ એક જ છે. વધુ તાકત હોવાનું દર્શાવવાની લડાઈમાં પોતાને વધુને વધુ, બીજા કરતા વધું સક્ષમ હોવાનું સાબિત કરો.
પણ અહી ટકરાવ ની સ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે, એ કોઈ નથી સમજી રહ્યું.
મોદી પ્રવાહ – કાંઈક અલગ કરવા કરતાં દરેક કાર્યો અલગ રીતે કરો.
આ બધા વૈશ્વિક દબાણ વચ્ચે, મોદી સાહેબ, હવે હનુમાનજીની જેમ પોતાની સ્ટ્રેટેજી, પોતાની ચાલ બદલી રહ્યા છે.
આ સ્પર્ધામાં બીજાને નીચા દેખાડવા ટેરિફ વધારતા જવાને બદલે, અમુક સેવાઓ, ઉત્પાદનોના શુલ્કમાં , ટેરિફમાં ઘટાડો કર્યો છે. વ્યાપાર પરના નિયંત્રણો હળવા કર્યા છે. એ સ્પષ્ટ છે કે “હું તમારા થી મોટો” સાબિત કરવાની હોડ માંથી મોદીજી બહાર નીકળી ગયા છે,
એમણે કોઈ પીછેહટ નથી કરી, પણ ચાણકય નીતિ કહો કે કુટનીતિ, પોતાની કુનેહ થી તેઓ પોતાને , ભારતને અલગ સ્થાને પોઝિશન કરી રહ્યા છે.
મુવ ઓન સ્ટ્રેટેજી
આ માત્ર એક ચાતુર્ય નથી, પણ ધર્મ, સયંમ, અને સમજદારી છે. કે જ્યાં બળ કામ ન આવે ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરો. પરોક્ષ રીતે એમણે એ કહેવાનો પ્રત્યન કર્યો કે, “માની લીધું કે તમે બધા મોટા, હવે જો બધાને પોપોતાનું મળી ગયું હોય, આત્મ સંતોષ મળી ગયો હોય, ઈગો સંતોષાઈ ગયો હોય, તો આગળ વધો.”
મૂળ ટ્વિસ્ટ અહી છે
આજના આ યુગમાં પ્રશ્ન એ ઉદ્દભવે કે શું સુરસાએ, એ વખતે હનુમાન જીને આશીર્વાદ આપ્યા હતા, એમ અમેરિકા પણ સમજદારી પૂર્વકનું પગલું લેશે કે નહિ, કે પછી રિસાયેલ ફૈબાની જેમ એક નવો વિવાદ જગાવશે, અને નવા ટકરાવની સ્પર્ધાને જન્મ આપશે.
વધુ લાંબી અને વધુ ઊંચી છલાંગ મારવા માટે બે કદમ પાછળ જવું પડે તો એ પીછેહટ નથી પણ એક ચતુરાઈ, એક વિનમ્રતા અને એક રણનીતિ છે.
ક્યારેક બહુ મોટા થવાની સ્પર્ધામાં વિના કારણ ઉતરવાને બદલે સ્ટ્રેટેજીકલી એ નક્કી કરવું જરૂરી છે કે ક્યારે મોટા હોવાનો અભાસ ઊભો કરવો અને ક્યારે વામન સ્વરૂપ ધારણ કરી આધિપત્ય મેળવી લેવું.
હકીકત એ છે કે વૈશ્વિક સ્તરે ભારત, મક્કમતાથી આગળ વધી રહ્યું છે, સિદ્ધિના નવા નવા સોપાન સર કરી રહ્યું છે.
ફાઈનલ ટેક
હનુમાનજીને અનુસરીને એ સમજી લેવું જરૂરી છે કે સમજદારી, બુમાબુમ કરી ગામ ગજાવવામાં નહિ પણ શાંત રહી સિદ્ધી સર કરવામાં છે.
હવે જોઈએ કે આગળ શું થશે? શું આધુનિક યુગની સુરસા (અમેરિકા) હસીને આશીર્વાદ આપશે કે પછી રિસાયેલ ફૈબાની જેમ નવો વિવાદ જગાવી પ્રહાર કરશે?
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.



