
મંત્ર જાપ : “ॐ देवी ब्रह्मचारिण्यै नमः”
ધ્યાન મંત્ર: “दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥”
નવરાત્રીના બીજા દિવસે આદિશક્તિના દ્વિતીય સ્વરૂપ મા બ્રહ્મચારિણી ની આરાધના કરવામાં આવે છે. “બ્રહ્મચારિણી” શબ્દનો અર્થ છે બ્રહ્મ અર્થાત્ તપનું આચરણ કરનારી. તેઓ તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને મોક્ષની દાત્રી દેવી છે. આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે. માતાજી સાધકોના સ્વાધિષ્ઠાન ચક્રની અધિષ્ઠાત્રી દેવી છે અને આત્મનિયંત્રણની શક્તિ પ્રદાન કરે છે. મા બ્રહ્મચારિણી એ જ્ઞાન, તપસ્યા અને અખંડ સંકલ્પશક્તિનું પ્રતિક સ્વરૂપ છે. તેઓ તપની દેવી છે, જેઓએ અતિ કઠિન તપસ્યા કરીને ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કર્યા હતા.
સ્વરૂપ અને લક્ષણ
મા બ્રહ્મચારિણીનો સ્વરૂપ અતિ સૌમ્ય અને પવિત્ર છે. તેઓ દ્વિભુજા સ્વરૂપે વિરાજે છે, એમના જમણા હાથમાં રુદ્રાક્ષની જપમાળા છે, જે સતત તપ, જાપ અને ભક્તિનું પ્રતિક છે, જ્યારે ડાબા હાથમાં કમંડળુ છે, જે સંયમ અને સાધનાનું પ્રતિક છે. તેમના ચહેરા પર દિવ્યતા અને શાંતિની છટા છે. તેઓ ઉઘાડા પગે ચાલે છે, જે તપસ્વી જીવનનું દર્શન કરાવે છે. એમના ચરણોમાં અડગતા અને સંકલ્પ દેખાય છે. સાદગીભર્યા આ સ્વરૂપમાંથી ભક્તને આત્મવિશ્વાસ, ધૈર્ય અને સ્થિરતાનો સંદેશ મળે છે.
રંગ અને પ્રતીકાત્મક મહત્વ
મા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ સફેદ છે. તેઓ સફેદ વસ્ત્રો ધારણ કરે છે. તેમનું પૂર્ણ સ્વરૂપ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. તેમની આંખોમાં અનંત કરુણા અને પ્રેમ છે.
સફેદ રંગ શુદ્ધતા, સત્ય, શાંતિ, વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. એટલે આ દિવસે ભક્તો પણ માને રીઝવવા સફેદ વસ્ત્રો પહેરે છે અને માતાજીને સફેદ ફૂલો, સફેદ ચંદન અને સફેદ મિઠાઈ અર્પણ કરે છે. સફેદ રંગ સ્વાધિષ્ઠાન ચક્રની શુદ્ધતા પણ દર્શાવે છે.
આ રંગ સત્વગુણની પ્રધાનતા દર્શાવે છે અને મનની શાંતિ, સંયમ અને આત્મશુદ્ધિનો સંદેશ આપે છે. સફેદ રંગ અજ્ઞાનતાના અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
મહાત્મ્ય અને શક્તિ
પુરાણોમાં વર્ણવ્યા મુજબ માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમણે દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, ક્યારેક ફક્ત ફળાહારથી, તો ક્યારેક નિર્જળ ઉપવાસ કરીને તેમણે પોતાના સંકલ્પને નિભાવ્યો.જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. એના ફળસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બની.
જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. જે ભક્ત ભક્તિભાવ થી એમની આરાધના કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.
પૂજાની વિધિ
પ્રાતઃકાળે તૈયારી:
- સવારે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો
- સફેદ વસ્ત્રો ધારણ કરો
- પવિત્ર સ્થાને પૂજાનું આસન બિછાવો
- માતાજીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો
મુખ્ય પૂજા વિધિ:
- સર્વપ્રથમ ગંગાજળથી આચમન કરો
- ગણેશ વંદના કરીને વિઘ્નહર્તાની પ્રાર્થના કરો
- મા બ્રહ્મચારિણીનું આવાહન અને ધ્યાન કરો
- સફેદ ચંદન, અક્ષત, સફેદ ફૂલો અર્પણ કરો. ખાસ કરીને ચમેલી અને મોગરાનું પુષ્પ અર્પણ કરવું શુભ માનવામાં આવે
- ધૂપ-દીપ કરીને નૈવેદ્ય ચઢાવો
વિશેષ સામગ્રી:
- ખીર, મિષ્ટાન્ન, પંચામૃત ચઢાવો
- તુલસી, બેલપત્ર, ચમેલીના ફૂલ અર્પણ કરો
- રુદ્રાક્ષની માળાથી જાપ કરો
જપમાળાનો જાપ કરીને “ૐ દેવી બ્રહ્મચારિણ્યૈ નમઃ” મંત્રનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે.
સ્તુતિ મંત્ર: “
या देवी सर्वभूतेषु मा ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥”
પ્રાર્થના:
“तपश्चर्या परम तपो कृत्वा लोकहिताय च।
उस ब्रह्मचारिणी माँ की हम शरण लें॥”
આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિ તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.
ભક્તિનો અર્થ
મા બ્રહ્મચારિણીની ઉપાસના એ જીવનમાં ધૈર્ય અને સંકલ્પશક્તિને મજબૂત બનાવવાનું સાધન છે. આજે જ્યારે માનવી નાની-મોટી મુશ્કેલીઓમાં હારી જાય છે, ત્યારે આ દેવીની ભક્તિ આપણને શીખવે છે કે કેવી રીતે મુશ્કેલીમાં પણ સંકલ્પ અડગ રાખવો. એમની ઉપાસના એ મનુષ્યને આંતરિક શક્તિ, ધૈર્ય અને એકાગ્રતા આપે છે.
ફળશ્રુતિ
આધ્યાત્મિક લાભ:
- સ્વાધિષ્ઠાન ચક્રની શુદ્ધિ અને જાગૃતિ
- તપસ્વી વૃત્તિ અને આત્મસંયમ પ્રાપ્તિ
- વૈરાગ્યભાવ અને આધ્યાત્મિક પ્રગતિ
- મનોવિકારોનો નાશ અને શાંતિ લાભ
- જ્ઞાન અને વિવેકશક્તિ વૃદ્ધિ
શૈક્ષણિક લાભ:
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેન્દ્રિતતા
- સ્મૃતિશક્તિ અને બુદ્ધિ વિકાસ
- પરીક્ષામાં સફળતા અને યશ પ્રાપ્તિ
- અધ્યયન શક્તિ અને એકાગ્રતા
સામાજિક લાભ:
- ચારિત્ર્ય નિર્માણ અને સદ્ગુણોનો વિકાસ
- કુટુંબમાં શાંતિ અને સૌહાર્દ
- દુર્વ્યસનોમાંથી મુક્તિ
- સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા
વ્યક્તિગત લાભ:
- આત્મવિશ્વાસ અને મનોબળ વૃદ્ધિ
- ધૈર્ય અને સહનશીલતા પ્રાપ્તિ
- નિર્ણયશક્તિ અને દ્રઢતા
- જીવનમાં અનુશાસન અને નિયમિતતા
વ્રત અને ઉપાસના વિધિ
બીજા દિવસે ભક્તો સાત્વિક આહાર લે છે અને તમોગુણી પદાર્થોનો ત્યાગ કરે છે. ખાસ કરીને લસણ, પ્યાજ, માંસ અને મદિરાનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. કેટલાક ભક્તો ફળાહાર કરે છે અથવા એક વખત જમવાનો નિયમ રાખે છે.
આ દિવસે બ્રહ્મચર્ય વ્રતનું વિશેષ મહત્વ છે. ભક્તો મન, વચન અને કર્મથી શુદ્ધતા રાખે છે. જાપ, ધ્યાન અને સત્સંગમાં સમય વિતાવે છે. સાંજે આરતી પછી કેવળ સાત્વિક પ્રસાદ ગ્રહણ કરે છે.
મા બ્રહ્મચારિણી એ તપસ્યા અને આત્મશુદ્ધિની દેવી છે. તેમની કૃપાથી ભક્તોના અંતઃકરણમાં વૈરાગ્ય અને આધ્યાત્મિક શક્તિ જાગે છે. જે ભક્ત સાચા હૃદયે તેમની આરાધના કરે છે, તેને માતાજી તપોબળ અને મોક્ષનું દાન આપે છે.
જય માતા બ્રહ્મચારિણી!
નવરાત્રીમાં , નવદુર્ગાનાં નવ સ્વરૂપો વિશે અહીં પ્રસ્તુત દરેક આર્ટિકલ્સ માત્ર અલગ-અલગ એકત્ર કરવામાં આવેલ માહિતીઓનું સંકલન માત્ર છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી.