
પાતકી (પાપી) – ગૌરવ પાસવાલા, હિતેન તેજવાની, શ્રદ્ધા ડાંગર, સૂચિતા ત્રિવેદી, અભિનીત, અભિનવ દેશમુખ નિર્દેશિત અને દિવ્યેશ દોશી, આલાપ કીકાની, નૃપલ પટેલ, રાજૂ રાયસિંઘાની અને આનંદ ખામર દ્વારા નિર્મિત પાતકી, એક નવતર પ્રયોગ છે.
કથાનક એક પતિ – પત્ની – માનવ મહેતા અને નિત્યા મહેતા, બન્નેનાં સંબંધોની આસપાસ આકાર લે છે. એમાં હેમલતા દવે જે પાડોશી છે જે આવજાવ કરી પોતાની હાજરી નોંધાવાનો પ્રયત્ન કરતાં જ રહે છે. જે અવરજવર નિત્યા માટે કંટાળાજનક છે.


માનવ કામ માટે થઈને સતત ટ્રાવેલ કરતો હોય છે અને એકલતા દૂર કરવા નિત્યા, માનવના કહેવાથી ક્લબ જોઇન કરી લે છે. હવે નિત્યાની લાઈફ તદ્દન બદલાઈ જાય છે. એને મોર્ડન અને હાઇ – સોસાઇટીનો રંગ લાગે છે.
આ સંબંધો એક એવા સ્તરે પહોંચે છે જેની વ્યાખ્યા ખરેખર મુશ્કેલ છે. એક વખત બિઝનસ ટૂર રદ થતાં માનવ અચાનક ઘરે આવી જાય છે અને ઘરે એક બીજી વ્યક્તિને જૂએ છે જે પોતાની ઓળખ માનવ મહેતા તરીકે આપે છે. માનવને આઘાત લાગે છે.
એ નિત્યા પાસે ખુલાસો માંગે છે અને નિત્યા, કોઈ પણ જાતની ગ્લાનિ વિના, કોઈ જાતના પસ્તાવા વિના એ સંજોગો નિર્મિત થવા માટે માનવને જવાબદાર ગણાવે છે, અને એમ કહી ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે કે ભૂતકાળ વીતી ગયો, એ બદલી શકશે નહિ. એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા કરતાં, એ સ્વીકારી હવે ભવિષ્ય તરફ નજર કરીએ અને જેમ બધું ચાલે છે એમ ચાલવા દઈએ.
માનવને આ સાંભળી આઘાત લાગે છે અને બંને વચ્ચે ગઘડો થાય છે. હવે ગુસ્સાના આવેશમાં માનવના હાથે નિત્યાનું મર્ડર થઈ જાય છે.
આ ઘટનાથી શરૂ થાય છે. રહસ્યની ઘટમાળ.


માનવ, પોલીસ સામે પોતાનો ગુનો કબુલી લે છે. પણ અહી એક ટ્વિસ્ટ છે. એ પોતાના ગુનાની કબૂલાત કરતી વખતે આખી ઘટનાનું વિવરણ કરે છે અને કેવી રીતે એણે મર્ડર કર્યું એ જણાવે છે. પોલીસ એની કબૂલાતને આધારે ઘરની જડતી લે છે.
આ તપાસ દરમિયાન માત્ર એક જ વાત સિદ્ધ થાય છે કે નિત્યાની લાશ મળે છે. પણ માનવ દ્રારા વર્ણિત તમામ બાબતો ખોટી સાબિત થાય છે. ઉપલબ્ધ તમામ પ્રાસંગિક પુરાવા માત્ર એ સિદ્ધ કરે છે કે ત્યાં નિત્યાની લાશ છે અને નિત્યાનું મૃત્યુ આકસ્મિક છે. માનવે ગુનો કબૂલ કર્યો હોવા છતાં ઇન્સ્પેકટર અર્જૂન(હિતેન તેજવાની), માનવને સલાહ આપે છે કે એ આકસ્મિક ઘટનાને હત્યા જણાવી કોઈ બીજાનો ગુનો એણે પોતાના પર લેવો ન જોઈએ. ઇન્સ્પેકટર અર્જૂન, એને સમજાવે છે કે પત્નીના આકસ્મિક મૃત્યુથી એને સખત આઘાત લાગ્યો છે અને એની માનસિક સ્થિતિ સ્ટેબલ નથી.
માનવને એ વાત ખટકે છે કે એણે ગુનો ક્યારે, કયાં, કેવી રીતે કર્યો અને લાશને કયાં મૂકી હતી એ બધુ જણાવવા છતાં ઇન્સ્પેકટર એની વાત સાંભળતા કે માનતા કેમ નથી. એણે એ વાતનું પણ અચરજ છે કે હત્યા બાદ લાશ સહિત એ હત્યા સાથે સંકળાયેલ તમામ વસ્તુઓ જ્યાં હતી ત્યાંથી કયારે અને કોણે હટાવી હશે. કેમકે વસ્તુઓ જો ત્યાં હોત તો એણે મર્ડર કર્યું છે એ સાબિત થઈ જાત. પણ અહીં તો લાશ સહિત તમામ ચીજવસ્તુઓના સ્થાન પરિવર્તનને લીધે એ હત્યા એક આકસ્મિક મૃત્યુ તરીકે સિદ્ધ થઈ અને માનવની માનસિક સ્થિતિ સંતુલિત ન હોવાનું સિદ્ધ થયું.
ઇન્સ્પેકટર અર્જૂન, આખી ઘટનાને હત્યા નહિ પણ આકસ્મિક મૃત્યુ લેખાવે છે.
અહીં રહસ્ય ગૂંચવાય છે.
- માનવના કબૂલતાનામાં માં સચ્ચાઈ કેટલી?
- હેમલતાબેન, રિક્ષા ચાલક, અને સોસાઇટી નો સિક્યોરીટી ગાર્ડ એ બધાની જુબાની કેટલી અધિકૃત ગણાવી જોઈએ?
- આ આખી મિસ્ટ્રીમાં હેમલતા બહેનની ભૂમિકા કેટલી મહત્ત્વની?
- ઇન્સ્પેકટરના ગયા પછી માનવ અને હેમલતા બહેન વચ્ચે શું વાત થઈ કે જેને લીધે માનવ હતપ્રભ થઈ ગયો.
આમ જે રહસ્ય ઘૂંટાયું હતું એની પરતો ખૂલતી જાય છે.
પાતકી – સામાન્ય રીતે મિસ્ટ્રી કે સસ્પેન્સ ફિલ્મોના ચાહકો માટે એક બાજુ આ ફિલ્મ એક વિઝ્યુઅલ ટ્રીટ છે તો બીજી તરફ પ્રથમ હાફની ધીમી ગતિ એમને નિરાશ કરી શકે છે. મધ્યાંતર પશ્ચાત ફિલ્મ જરૂરી ઝડપે દોડે છે અને મિસ્ટ્રી કે સસ્પેન્સ ફિલ્મોના ચાહકોના ચહેરા પર એક સરસ ફિલ્મ જોયાનું સ્મિત લાવવામાં સફળ રહી છે.
ટેક્નિકલી ફિલ્મની સિનેમેટોગ્રાફી વિઝ્યુઅલ ટ્રીટ છે. સંગીત વિષયને અનુરૂપ ક્યુરિયોસિટી જગાવવામાં સફળ રહે છે. ધારદાર સંવાદો ફિલ્મને વધુ અસરદાર બનાવે છે. નિર્દેશન શરૂઆતથી અંત સુધી લોકોને જકડી રાખવામાં સફળ રહ્યું છે.
આખું કથાનક ભાવનાત્મક મુદ્દાઓને સ્પર્શે છે અને દર્શકોના અનુમાનને પડકારે છે. ફિલ્મની કથાવસ્તુ નવીન પ્રકારની અને પરંપરાગત ગુજરાતી ફિલ્મોથી અલગ અભિગમ છે.
આવા મિસ્ટ્રી પ્લોટસ ગુજરાતી સિનેમામાં એક તાજગીભર્યો બદલાવ લાવી શકે છે. ફિલ્મનું નિર્દેશન પણ થ્રિલર શૈલીમાં એક નવો ચીલો ચાતરે છે.



નિષ્કર્ષ
દર પળે નજરે જોયેલી હકીકતને પડકારતી અને છતાં નક્કર, એવી વિષયવસ્તુ અને પ્રયોગશીલ અભિગમ, મર્ડર મિસ્ટ્રીનાં ચાહકો માટે આ ફિલ્મ એક જોવાલાયક અનુભવ છે. રખે ચૂકતા !!
આ બ્લોગ સંપૂર્ણ રીતે જાહેરાત-મુક્ત છે — કોઈ બેનર નથી, કોઈ પોપ-અપ્સ નથી.
તમને વિનંતી છે કે www.maujvani.com જે આજે એક છોડ છે, એને આર્થિક સહાય આપી સિંચન કરશો તો એ ચોક્કસ મોટા વૃક્ષનું સ્વરૂપ લેશે.

| Account Name: | Manish Sheth |
| Account No.: | 1150010006822 |
| Bank Name: | PUNJAB NATIONAL BANK |
| IFSC Code: | PUNB0052110 |
| PAN No.: | AADPS4146A |
| MICR Code | 400024123 |
| Swift Code | PUNBINBBDIB |
આભાર
તમારો સહયોગ — નિયમિત મળનારો સહયોગ , નાનો હોય કે મોટો — મોજવાણી માટે ખૂબ મહત્વનો છે.
દરેક ટીપું મહત્ત્વનું ગણાશે અને ગણતરીમાં લેવાશે.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.


