
જય પંડ્યા (નિર્મિત – અભિનીત ) અને રાકેશ શાહ દ્વારા નિર્મિત રિલીઝ પહેલાં જ 70 કરતા વધુ એવોર્ડ્સ અને નૉમિનેશન્સ મેળવનાર તથા ઢાકા ઇન્ટર્નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડ મેળવનાર આ ફિલ્મ ‘પ્રવાસ” વિપુલ શર્મા સર્જિત એક રિયાલિસ્ટિક ફિલ્મ છે. ફિલ્મ પ્રવાસ (Pravas), એક નાનકડા ગામના બાળક – ટીનો , તેના સપનાઓ, જેમાં તે અટવાય છે એ સંજોગો અને તેનાં આંતરિક દ્વંદ વિશે છે. આ ફિલ્મ પ્રેક્ષકો ને એક એવા પ્રવાસ ની સફરે લઇ જાય છે કે જે દરેકના હૃદય અને અંતરમન ને સ્પર્શે છે. દર્શકોની લાગણીઓના તાર ને છેડીને પ્રવાસ ના સૂર વહેવડાવતી આ ફિલ્મ ખરેખર હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક છે.
ટીનો, નાનકડા ગામમાં રહેતા અને ભણતા એ તમામ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ છે જેઓ સપનાઓ તો જૂએ છે. પણ એ પુરા કરવા માટે એમની આર્થિક સ્થિતિ સારી નથી હોતી અને એમની પાસે પુરતા સાધનો કે માધ્યમો પણ નથી હોતા. આવા સંજોગોમાં પોતાના સપનાઓ પુરા કરવા જે માનસિક તાણમાંથી પસાર થતા હોય છે અને કોમ્પ્લેક્સનાં શિકાર બનતા હોય છે તેવા બાળકોની માનસિકતાનું સચોટ નિરૂપણ કરવાનો પ્રામાણિક પ્રયત્ન એટલે રાકેશ શાહ (નિર્મિત) અને જય પંડ્યા નિર્મિત અને અભિનીત, વિપુલ શર્માનું સર્જન ‘પ્રવાસ’.
ફિલ્મનાં કેન્દ્રમાં છે નાનકડો, નિર્દોષ પરંતુ સમજદાર છોકરો—ટીનો. જે અંતરિયાળ ગામમાં, પોતાનાં મમ્મી, પપ્પા અને બહેન સાથે ઝૂંપડાનુમા ઘરામાં રહે છે. ટીનો અને તેના મિત્રો માટે અમદાવાદ એક સપનાનું શહેર છે. એક દિવસ સ્કૂલમાંથી અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન થાય છે. ટીનો સપનાઓ તો જૂએ છે પણ તેની સૌથી મોટી મુશ્કેલ છે પ્રવાસ માટે જરૂરી 800 રૂપિયાની વ્યવસ્થા.
ફિલ્મનો મૂળ પ્રશ્ન પણ એ જ છે—ટીનોનું એ સિટી ટૂર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું સપનું સાકાર થશે કે નહિ.
ગરીબી, આર્થિક તંગી અને ઘરનાં તણાવ વચ્ચે, સિટી ટૂર એ વાસ્તવિક ટૂર ન રહી , એ ટૂરની જાહેરાત અને વાસ્તવિક ટૂરની વચ્ચે એક અલગ અને વાસ્તવિક આંતરિક ટૂર શરુ થાય છે. તેના સપનાઓ અને ભાવનાઓ તથા આર્થિક વાસ્તવિકતા વચ્ચેના ઘમાસાણની ટૂર,
ટીનોની ભૂમિકા કરનાર બાળ કલાકાર ફિલ્મની ‘આત્મા’ છે. તેની આંખોમાં, ચહેરામાં જ કથાનક જીવે છે. ટીનોના પાત્ર માં વિશાલ ઠક્કર (બાળ કલાકાર) સરાહનીય છે. મમ્મી અને પપ્પા ના પાત્રો માં કોમલ પંચાલ અને જય પંડ્યા અત્યંત પ્રભાવી રહ્યા છે. સામાન્ય રીતે કોમેડી પાત્રો માટે જાણીતા જય પંડ્યા એ અહીં સિરિયસ રોલમાં પણ પ્રભાવી રહ્યા છે. કોઈપણ પાત્ર “એક્ટિંગ” કરતા હોય તેવી અનુભૂતિ નથી થતી. બધું જ સાહજિક છે.
બાકી અન્ય પાત્રોમાં પ્રાંશુ શાહ, નિષ્મા સોની હર્ષ શાહ અને નયન છત્રાલીયા પણ પોતપોતાની ભૂમિકાને યોગ્ય રીતે નિભાવે છે.
‘પ્રવાસ’ની ખૂબી એ કે એમાં ભાવાનાઓ કે સપનાઓ …કોઈનો અતિરેક નથી. ઘટનાઓ અને વ્યક્ત થતા ભાવો, સહજ છે, પ્રમાણિક છે. ટીનોનાં પ્રયત્નો, તેની આશા કે તેની નિરાશા, પરિવારની વિવશતા – બધું જ ખૂબ સ્વાભાવિક અને સાહજિક રીતે વ્યક્ત થાય છે.
બીજું લખાણ અત્યંત રિયાલિસ્ટિક છે, સીન નેચરલ છે, કોઈ બનાવટ નથી. નાનકડા ગામના લોકોનું જીવન, તેમના સંઘર્ષ, અને પરિવારની મથામણ, તેમની વ્યથા, અત્યંત હૃદયસ્પર્શી રીતે કેપ્ચર કરવામાં આવી છે.
ફિલ્મનો પેસ થોડો ધીમો છે, જે કદાચ અમુક પ્રેક્ષકોને પસંદ ન આવે. પણ કદાચ એ ધીમો પેસ જ ફિલ્મને ડેપ્થ આપે છે. પણ કમર્શિયલ ફિલ્મોના શોખીન લોકોને નિરાશા થઇ શકે. ફિલ્મની લેન્થ પણ લાંબી છે. હળવી કોમેડી અને સેન્ટિમેન્ટ્સ ની સાથે પ્લોટ બાંધતી વાર્તા પ્રેક્ષકો ને એન્ટરટેઇન તો કરે છે પણ રૂપિયા ક્યાંથી લાવવા, માત્ર એ મુદ્દા પર જ વાર્તા અટકી રહેતી હોવાથી કમર્શિયલ ટ્વિસ્ટ નથી જોવા મળતા.
સિનેમેટોગ્રાફી અને ટેક્નિકલ ગુણવત્તા: ગામના લોકેશન્સ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે. નેચરલ લાઇટમાં શુટિંગ ફિલ્મના મૂડને એક અલગ ટોન અને લુક આપે છે. બેકગ્રાઉન્ડ સ્કોર દૃશ્યોને ઓવરપાવર કર્યા વગર લાગણીમાં ઉમેરો કરે છે.
આંતરરાષ્ટ્રીય સફળતા સ્તરે ફિલ્મે રિલીઝ પહેલાં જ 70 કરતા વધુ એવોર્ડ્સ અને નૉમિનેશન્સ મેળવ્યા છે. ઢાકા ઇન્ટર્નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવોર્ડ મળ્યો. આ સફળતા ગુજરાતી સિનેમાની પ્રતિષ્ઠાને નવી ઊંચાઇ આપે છે.
“પ્રવાસ” માત્ર વાસ્તવિક કે ફિઝિકલ હોય તે જરૂરી નથી. દરેકના અંતરમનમાં કે તેમના અંતરમાં સમય સાથે વહેતા સંઘર્ષ, કે સમજણની યાત્રા પણ એટલી જ મહત્વની છે.
ગરીબ હોવું એ નિરાશાજનક નથી પણ સપનાઓ ન જોવા કે જોઇને પુરા કરવા માટે પ્રયત્ન ન કરવો તે નીચું નિશાન છે. સંજોગો ફેવરેબલ ન હોય તે સંભવ છે પણ જો પરિવારનો પ્રેમ અને સાથ હોય તો બધું હેમખેમ પાર પડે છે.
સંવેદનાશીલ અને આત્મીય, ફિલ્મના દર્શકો માટે “આર્ટિસ્ટિક” ફિલ્મ કહી શકાય એવી આ ફિલ્મ ‘પ્રવાસ’ જેમને ભાવનાત્મક, રિયાલિસ્ટિક ફિલ્મો ગમે તેમના માટે આ એક જોવાલાયક ફિલ્મ છે.


