Uncategorized - એડિટરની ચોઈસ - મનોરંજન - હોમ

માત્ર પારિવારિક ‘ફિલ ગુડ’ ફિલ્મ-“સંઘવી ઍન્ડ સન્સ”

Reading Time: 5 minutes
સંઘવી ઍન્ડ સન્સ

કોર્પોરેટ વર્લ્ડ ની નહિ  પણ ડિજિટલ યુગમાં જે ઓગળી રહી છે એ શૈલીની ફિલ ગુડ ફિલ્મ – “સંઘવી ઍન્ડ સન્સ”

સંઘવી એન્ડ સન્સ…નામ સાંભળીને એવું લાગે જાણે કોઈ ‘કોર્પોરેટ’ વર્લ્ડ ની વાર્તા હશે. બીઝનેસ ફાઈટ્સ હશે, અને કોર્પોરેટ વર્લ્ડનાં ચઢાવ ઉતારની વાત હશે. પણ જ્યારે મુવી જોવાનું શરુ કરો ત્યારે કાંઇક અલગ જ અનુભવ થાય.

જય શ્રી કૃષ્ણ સાથે કવિતા ગવાઈ રહી હોય, કર્ણપ્રિય સંવાદો અને સુંદર મનોરમ્ય દૃશ્યોની ગૂંથણી. સુંદર દૃશ્યો નજરોની સામેથી પસાર થઇ રહ્યા હોય. એક વાર જોવાનું શરુ કરો ત્યારે પોઝિટીવ વાઈબ્સ સાથે સમય વહેવા માંડે…સુરદાસનું પદ-  દ્રઢ હિન ચરણ કેરો ભરોસો…. મથુરા, વૃંદાવન, માધવપુરની સહ-પરિવાર યાત્રા અને પુષ્ટી માર્ગ – ઠાકોર જીમાં શ્રદ્ધાનો મહિમા. ‘જય શ્રી કૃષ્ણ

આશુભાઈ પટેલની ક્રિએટીવિટી અને અનેરી માવજત સાથેની અનૂભુતિ એટલે “સંઘવી એન્ડ સન્સ’.

સયુંકત પરિવાર, એકબીજા પ્રત્યેના પ્રેમ અને એકબીજા સાથેના બોન્ડિંગની વાત એટલે “સંઘવી ઍન્ડ સન્સ”

નવનીતરાય સંઘવી ( મનોજ જોશી) અને તેમના કુટુંબની વાત, આજના યુગમાં પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાના વિચારો સાથે મક્કમ અડીખમ ઊભેલા પણ નવી પીઢી સાથે ખુલ્લા દિલે પરસ્પર સંવાદ માટે પણ તૈયાર એવા નવનીતરાય સંઘવી. એક એવા વટવૃક્ષ સમાન વ્યક્તિ-જેના મૂળ ઊંડા છે, અને શાખાઓ દરેક પીઢીને, દરેક વિચારધારાને એકબીજા સાથે સાંકળી પોતાની છાયામાં આવરી લે છે.

તેમના બે પુત્રો, અસ્મિત (હિતેન તેજવાની) અને આદિત્ય(ગૌરવ પાસવાલા), ફક્ત ભાઈ નથી – પણ એકમેકના પ્રતિબિંબ છે. બાળપણની યાદો, જવાબદારીની ભાગીદારી અને એકબીજા માટે કાઈ કરી છૂટવાની તમન્ના, એમના સંબંધોને એક શાશ્વત આકાર આપે છે.

મોટા દીકરા અસ્મિતની પત્ની – કોમલ ( કોમલ ઠાકેર) પરિવારનું હૃદય છે. સંઘવી પરિવારની વહુ, તે પારિવારિક સંસ્કારોની વાહક  હોવા ઉપરાંત જૂની અને નવી પેઢીને જોડતો સ્નેહસેતુ છે.

આ સયુંકત પરિવારના સૌની પોત પોતાની આગવી આદતો છે અને આગવી માનસિકતા કે સ્વભાવ છે. પણ એ જ એમની તાકાત છે, પરિવારના એક હોવા અને રહેવામાં સૌ પોતાને ફાળે આવેલી ભૂમિકા ખુબ જ સુદર રીતે નિભાવે છે.    

સંઘવી એન્ડ સન્સ માં જન્મદિવસ હોય કે કોઈ તહેવાર, એ માત્ર એક કેલેન્ડર ઇવેન્ટ નથી હોતી….માત્ર એક તારીખ બનીને નથી રહેતી, એ એક ઉત્સવ બની જાય છે. આ જ સંઘવી પરિવારની ખાસિયત છે જે “સંઘવી એન્ડ સન્સ’ને અલગ તારવે છે.

પરિવારમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે, એવા પડકારો આવે, અને નસીબ તોફાન લઈને આવે છે જે પરિવારના પાયામાં તિરાડ પાડી શકે. જો સમજદારી ન હોય તો પરિવારમાં એકબીજા પ્રત્યેની લાગણીઓ સુકાઈ જઈ શકે, અને એકબીજા પ્રત્યેનો ભરોસો ડગમગી જઈ શકે પણ પરિવારમાં સંસ્કારોની મીઠી છાયા, પરિવારની એકતા, કોઈ જાતના શોર વિના એકબીજા માટે ત્યાગ ની ભાવના, આ દરેક ભાવ, આ દરેક લાગણીઓ એ હકીકત ઉજાગર કરે છે કે કુટુંબમાં કોઈની પણ આપદા આવે તેનો સામનો સાથે રહીને મજબૂતી થી કરી શકાય છે. અને કોઈની પણ વ્યક્તિગત સિદ્ધિ – તે વ્યક્તિની નહિ, તે કુટુંબની, સાંસ્કૃતિક મુલ્યોની  જીત હોય છે.

સકારાત્મક અને સબળ પાસું:

  • મને ગમવાનું કારણ એ આ એક ખરા અર્થમાં “માત્ર પારિવારિક” ફિલ્મ છે, જે શૈલી આજે ડિજિટલ યુગમાં ઓગળી રહી છે. પરિવારજનો વચ્ચેના સંબંધો અહીં ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ થયા છે. સૌથી સ્પર્શક વાત ભાઈ-બહેનોનો એક બીજા પ્રત્યેનો સ્નેહ.
  • ક્યારેક સંબંધો ખૂબ જ “ઘણા મીઠા” લાગે એવું થાય, જે દર્શકોને સકારાત્મકતા નો આત્મીયતા નો અનુભવ કરાવે.
  • દરેક કલાકારનું ફિલ્મમાં અનન્ય યોગદાન છે. દરેક પાત્ર અલગ છે, અને દરેકે પોતાની રીતે વાર્તાના ફલોને સતત સાતત્યતા સાથે વહેતો રાખવામાં અમુલ્ય ફાળો આપ્યો છે.
  • ફિલ્મમાં પારિવારિક મુલ્યો, પ્રેમ અને એકતાનાં સંદેશને એ રીતે નિરુપિત કરાયો છે કે દર્શકો પણ ભાવનાત્મક રીતે સંકળાઈ જાય અને ભાવવિભોર થઇ જાય.
  • ફિલ્મની કથા, પટકથા અત્યંત સુધિંગ છે. સંવાદ હૃદયસ્પર્શી છે. સિનેમેટોગ્રાફી દરેક ઘટનાને ઉત્સવ રૂપે રજૂ કરવામાં સફળ થઇ છે. સંગીત, દરેક ભાવોને ઉજાગર કરવામાં સફળ રહ્યું છે.

નકારાત્મક – નબળું પાસું

  • પ્રથમ એ કે, જે સબળ પાસું છે એ જ પાસાને અમુક લોકો નબળું પણ ગણાવી શકે કેમકે સંઘવી એન્ડ સન્સ માં કોઈ ‘વિલન’ નથી. બધું જ ‘પોઝિટીવ’ છે. જે સામાન્ય રીતે કોઈ પણ પરિવારમાં સંભવ હોતું નથી, ખાસ કરીને સયુંકત પરિવારમાં. એટલે કથાનક ની ગુથણી માં સિચુએશનલ ઘટનાઓ જરૂરી ડેપ્થ સાથે પરોવાઈ ન હોય તેવું લાગે. ,
  • વાર્તામાં કોઈ એલિમેન્ટ્સ, કોઈ ઘટના જબરદસ્તી ઉમેરવામાં નથી છે, પણ હા, અમુક દૃશ્યોને વધુ પ્રભાવી બનાવવા ”ભાવુક બનાવવા’ – એ દૃશ્યોને કે એ સિક્વન્સ ને લંબાવવામાં આવ્યા છે”., જે ભાવનાના પ્રવાહનો અતિરેક -ઓવરડોઝ ગણાવી શકાય.
  • કથાનક માં માત્ર સકારાત્મકતાનો ઓવરડોઝ, સંભવ છે એ વાત પચવામાં અઘરી લાગે.

ફિલ ગુડ ફેકટર સાથે, એક પોઝિટીવ વાઈબ્સ વાળી ફિલ્મ -– “સંઘવી ઍન્ડ સન્સ”. રખે ચુકતા !

અભિલાષ ઘોડા- તિહાઈ દ્વારા પ્રોમોટ કરાયેલ અને રાજુ રાયસિંઘાની, આનંદ ખામર, આકાશ દેસાઈ નિર્મિત ચંદ્રેશ ભટ્ટ લિખિત અને નિર્દેશિત “સંઘવી ઍન્ડ સન્સ”, માત્ર પારિવારિક ‘ફિલ ગુડ’ ફિલ્મ છે. એક સકારાત્દૃમક દૃષ્ષ્ટિટિકોણ છે. નવનીત રાય સંઘવી તરીકે મનોજ જોશી, હિતેન તેજવાની , કોમલ ઠાકર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, કિંજલ ધામેચા, ફિરોઝ ઈરાની, મકરંદ શુક્લા, નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની, કલ્પના ગાગડેકર, હેતલ પરમાર, સુનિલ વિશરાણી, પ્રેમ ગઢવી અને પરિવારના બાકી તમામ કલાકારો એ પોત પોતાને ફાળે આવેલી ભૂમિકા ખુબ સુંદર રીતે નિભાવી છે. સંગીત અને સિનેમેટોગ્રાફી પણ સરાહનીય છે. રાજુ રાયસિંઘાની, આનંદ ખામર, આકાશ દેસાઈને આવી નોખી ફિલ્મ નિર્માણ કર્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments