Schindlers List
એડિટરની ચોઈસ - મનોરંજન - હોમ

શિંડલર્સ  લિસ્ટ-હોલોકોસ્ટનો અધિકૃત દસ્તાવેજ

શિંડલર્સ  લિસ્ટ

શિંડલર્સ  લિસ્ટ-હોલોકોસ્ટનો અધિકૃત દસ્તાવેજ

મીણબત્તી પ્રગટાવતા હાથના ક્લોઝ-અપ શોટ સાથે શિંડલર્સ  લિસ્ટહોલોકોસ્ટનો અધિકૃત દસ્તાવેજ છે તે મુવીની શરૂઆત થાય છે. પૃષ્ઠભૂમિમાં હિબ્રુ પ્રાર્થનાનો અવાજ છે. દ્રશ્ય રંગીન છે, પરંતુ તે મીણબત્તીઓના ધુમાડા સાથે દૃશ્ય ઝાંખું થઈ જાય છે.અને ફિલ્મ બ્લૅક ઍન્ડ વ્હાઈટમાં રૂપાંતરિત થાય છે. અનેપૂર્ણ  ફિલ્મ બ્લૅક ઍન્ડ વ્હાઈટ જ રહે છે. ફિલ્મને અંતે એક જ રશિયન સૈનિક કેમ્પમાં પ્રવેશ કરે છે અને જીવિત યહૂદીઓને કહે છે કે તેઓ મુક્ત છે. સર્વાઈવર્સ નજીકના નગર તરફ ચાલે છે, અહી હવે એમના જીવનમાં ફરી રંગો ઉમેરાય છે , પ્રતીકાત્મક રીતે દ્રશ્ય સંપૂર્ણ રંગમાં ઓગળી જાય છે અને વાસ્તવિક હોલોકોસ્ટનાં  સર્વાઈવર્સ ખેતરમાં ચાલતા દેખાય છે. તેઓ લાઇન લગાવે છે,  શિન્ડલરની કબર પર પથ્થરો મુકે છે તથા લાઈનનો છેલ્લો વ્યક્તિ લિયામ નીસ્સેન (ઓસ્કર શિન્ડલર) છે. તે કબરના પત્થર પર ગુલાબ મૂકે છે. બાકી ફિલ્મમાં એવા ઘણા દૃશ્યો છે જે પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દે છે, હતપ્રભ કરી દે છે. મંત્રમુગ્ધ કરી દે છે. નિ:શબ્દ કરી દે છે. એજ બનાવે છે શિંડલર્સ  લિસ્ટને હોલોકોસ્ટનો અધિકૃત દસ્તાવેજ.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન હસ્તકના પોલેન્ડમાં નાઝીઓ દ્વારા યહૂદી ઓ પર અત્યાચાર – હોલોકોસ્ટ-કોન્સન્ટ્રેશન કેમ્પની યાતનાઓને સંવેદનશીલતા અને સમાન સાથે પ્રસ્તુત કરનાર શિંડલર્સ  લિસ્ટ (૧૯૯૩)- થોમસ કેનીઅલી અને સ્ટીવન ઝીલીયનની કલમનો કમાલ છે. ધીકતી કમાણી કરતી અને વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત એવી સુપરહિટ ફિલ્મોનાં નિર્દેશક – સ્ટીવન સ્પીલબર્ગ ને ‘વ્હેંત ઊંચા’ સિદ્ધ કરનાર શિંડલર્સ  લિસ્ટ- એક અનુભવ છે.  નાઝીઓના અત્યાચારની એક સત્ય ઘટના પર આધારિત થોમસ કેનેલીની 1982ની બુકર પ્રાઈઝ વિજેતા નવલકથા “શિન્ડલર્સ આર્ક” પર આધારિત એ કથાનક છે જે માનવતાના સૌથી કાળા અધ્યાયને ‘શ્વેત શ્યામ’ ફિલ્માંકન દ્વારા પ્રેક્ષકોના આત્માને ઝંઝોળે છે, જેની અસર ફિલ્મ જોયા બાદ પણ લાંબો સમય સુધી રહે છે.

એવોર્ડ્સ અને રિવોર્ડ્સ

૬૬માં એકેડમી એવોર્ડ્સ માં શિંડલર્સ  લિસ્ટે સાત ઓસ્કર એવોર્ડ મેળવ્યા, ઉપરાંત ૭ BAFTAs- અને ૨૦૦૭મા ૩ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પોતાના નામે અંકિટ કર્યા છે. સિવાય અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટયુટનો શ્રેષ્ઠ ૧૦૦ ફિલ્મોની યાદીમાં શિંડલર્સ  લિસ્ટ ૮માં સ્થાને છે.

હોલોકોસ્ટના શક્તિશાળી ચિત્રણ અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે વિવેચકો તરફથી સાર્વત્રિક વખાણ મેળવનાર, ” શિંડલર્સ લિસ્ટ” ને અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવે છે.

રંગીન ફિલ્મોના યુગમાં પડદા પર બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફિલ્મની કલ્પના, એ વિચાર જ અત્યંત રોચક અને સાહસિક છે. જે ફિલ્મના મૂળમાં સત્ય ઘટના પર આધારિત કથાનક નું બીજ સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા રોપાય એ ચોક્કસ મનોરંજક વટવૃક્ષ બને એમાં શંકાને સ્થાન જ ન હોય. શિંડલર્સ  લિસ્ટ. એ વાસ્તવમાં માનવ-નૈતિકતાના બે પાસાઓ ને પ્રતિકાત્મક રીતે ઉજાગર કરે છે.

આ પૃષ્ઠ ભૂમિ સાથે ‘શિંડલર્સ  લિસ્ટ’ની વાત કરીએ તો ફિલ્મની ગતિ ઇરાદાપૂર્વક ધીમી રાખવામાં આવી છે- જેથી પ્રસંગોની ઊંડાઈ અને એની ભાવનાઓની પરાકાષ્ઠા નો દરેકે દરેક પ્રેક્ષક અનુભવ કરી શકે. ચીલાચાલુ અને બીબાઢાળ હિંસકદ્રશ્યોથી પરે હ્ર્દયસ્પર્શી ચિત્રાંકન, વાસ્તવિક સ્થળોનો ઉપયોગ અને ઐતિહાસિક સચોટતા- યહુદીઓ પર નાઝીના અત્યાચાર, યહુદીઓની જીવન જીવવાની જીજીવિષા- આ તમામ પાસાઓ ફિલ્મને માત્ર એક ફિલ્મ નહિ પણ હોલોકોસ્ટ નો એક અધિકૃત ‘દસ્તાવેજ’ બનાવે છે.

અભિનયની વાત કરીએ તો ઓસ્કર શિંડલરનાં પાત્રમાં લિયામ નેસ્સન, ઇત્ઝ હાક સ્ટર્ન તરીકે બેન કિંગ્સલે, અમોન ગોથ તરીકે રાલ્ફ ફીન્નેસ તથા જોનાથન સેગલ, કેરોલીન ગુડોલ, એમ્બેથ દેવિડ્ત્ઝ,માર્ક અઈવાનીર અને એવા મોટા મજાના અપાર કલાકારોનો કાફલો, સૌનો ઉત્કૃષ્ઠ અભિનય, એમાં ફિલ્મનું જકડી રાખનારું લખાણ અને કમાલનું મેકિંગ- ફિલ્મને એ નક્કર આકાર આપે છે જે દરેક પ્રેક્ષકનાં હૈયે કોતરાઈ જાય છે.

લિયામ નેસ્સને, ઓસ્કર શિંડલરનાં ના પાત્રને ખૂબ નીડરતાથી નિભાવ્યું છે એક સ્વાર્થ સિદ્ધ બિઝનેસમેન પણ જ્યુસ પર નાઝી ના અત્યાચારોને જોઈ માનવતાવાદી બને છે અને પોતાની ફેકટરીમાં કામ કરતા ૧૩૦૦ થી વધુ જ્યુઝ કર્મચારીઓની ચિતા કરી એમને બચાવવા ફેક્ટરીને એમના આશ્રય સ્થાનમાં બદલે છે, એમની રક્ષા માટે સંઘર્ષ કરે છે એ તમામ હૃદયદ્રાવક ઘટનાઓમાં એમનો અભિનય પ્રેક્ષકો ને અભિભૂત કરે છે. એમોન ગોએથ ની ભૂમિકામાં રોલ્સ ફિયાન્સ.- ક્રુરતા અને નિર્દયતાની તમામ હદો પાર કરી પ્રેક્ષકોના તિરસ્કાર અને ધિક્કારને પાત્ર બને છે. પ્રેક્ષકોની આ નફરત એમોન ગોએથ નાં પાત્ર અને ભજવનાર રોલ્સ ફિયાન્સનાં જીવંત અભિનયની સફળતા છે, ઇત્ઝ હાક સ્ટર્ન તરીકે બેન કિંગ્સલે, ઓસ્કર શિંડલરનાં અહંકારને તોડે છે અને અંતર આત્માનો અવાજ સાંભળવા પ્રેરે છે તથા એને માનવતાવાદી બનાવવામાં નિમિત્ત બને છે. હોલોકોસ્ટ દરમિયાન જ્યુઝની યાતનાઓના હૃદય દ્રાવક દ્રશ્યો, ઇત્ઝ હાક સ્ટર્ન નો સંઘર્ષ તથા સંયમ, પાત્રને હ્દયસ્પર્શી બનાવે છે.

ઝોન વિલિયમ્સ નું સંગીત દરેક ઘટનાઓની ઊંડાઈ ને વધુ ધારદાર બનાવે છે, દર્શકોને કરુણાસભર યાત્રા કરાવે છે પણ ફિલ્મના કથાનક,  ઘટનાઓના પ્રસ્તુતિકરણ પર હાવી થતું નથી એ એની ખૂબી છે.

એ સિવાય સિનેમેટોગ્રાફીમાં પ્રકાશ અને પડછાયાનો ઉપયોગ કથાનકનાં ગાંભીર્યને અકબંધ રાખે છે. પેરેલલ એડિટિંગ અને ક્રોસ કટિંગ ટેકનીક ફિલ્મની ગતિની સાતત્યતા જાળવી રાખે છે.

આ એક લાઉડ ફિલ્મ છે.

ફિલ્મનું અનિચ્છનીય પાસું એટલે નગ્નતા, સંક્ષિપ્ત સેક્સ દ્રશ્યો અને અવિરત ક્રુરતા – હિંસા. રાજકીય હુંસાતુસી તથા અન્ય અવ્યવહારિક કારણોને આધારભૂત બનાવી ૧૯૯૩મા ઇન્ડોનેશિયા અને ૧૯૯૭માં મલેશિયામાં ‘શિંડલર્સ  લિસ્ટ’ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો.

હોલોકોસ્ટ દરમિયાન થતા અત્યાચારો પર અનેક ફિલ્મો બની છે જેવી કે ‘લાઈફ ઇસ બ્યુટીફૂલ” (૧૯૯૭), યુરોપા યુરોપા (૧૯૯૦), ધી ડાયરી ઑફ ઍની ફ્રેંક(૧૯૫૯) તે ઉપરાંત એવી અનેક ફિલ્મો અને અલાઈન રેસનાઈટ એન્ડ ફોગ (૧૯૫૬) તથા કલાઉડે લાન્ઝામંસ મોન્યુમેન્ટલ  શોહ(૧૯૮૫) જેવી ડોકયુમેન્ટરી ફિલ્મો એ પણ હોલોકોસ્ટનું સુંદર અને યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં પણ ‘શિંડલર્સ  લિસ્ટ’નાં લખાણ અને તેની ટ્રીટમેન્ટનાં ઐચિત્ય એ ફિલ્મને હોલોકોસ્ટનાં અધિકૃત દસ્તાવેજ તરીકેની ઓળખ આપી છે.

ટૂંકમાં કહી શકાય કે નૈતિકતા-રહિત માનવો દ્વારા, અમાનવીય પરિસ્થિતિમાં ભીંસાઈ રહેલા યહુદીઓનો માનવતા જાળવી રાખવા માટેનો સંઘર્ષ એટલે  ‘શિંડલર્સ  લિસ્ટ’. લેખક થોમસ કેનીઅલી અને સ્ટીવન ઝીલીયને તથા નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગે જે વિઝન જોયું હશે, અને પોતાનું વિઝન જીવવા એઓ સૌ જેટલા અટવાયા હશે અકળાયા હશે, એ,એમણે જેટલા  ભોગ આપ્યા હશે એ જરાય વ્યર્થ નથી ગયા.

આ માત્ર એક ફિલ્મ નથી- એક અવિસ્મરણીય અનુભવ છે.

શિંડલર્સ  લિસ્ટ – વડોદરા થી પ્રકાશિત થતા
“જનસત્તા-લોકસત્તા”
ગુજરાતી દૈનિક અખબાર માં પ્રકાશિત
તા.: 23 ઓગસ્ટ 2024
https://www.loksattanews.co.in/epaper/vadodara/20240823

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments