
ઓવરથિંકિંગની ભૂલભુલૈયામાં મનની અંદર જ એક કોર્ટ-રૂમ – હું જ વકીલ, હું જ આરોપી અને હું જ ન્યાયાધીશ!.
એક રાતે ઊંઘ આવતી ન હતી. ખૂબ કોશિશ કરી પણ ઊંઘ ન જ આવી. વાસ્તવમાં એ રાતે વિચાર વાયુ ઉપડ્યો હતો. મન વ્યાકુળ હતું. એક વિચારથી શરૂઆત થઇ અને ત્યાર બાદ અનેક વિચારો મનમાં ઘુમરાયા કરતા હતા. મનમાં વિચારોનું ઘમાસાણ હતું.
- “કયાંક મેં કોઈને કાઈ ખોટું તો નથી કહી દીધું ને”.,
- “કોઈને જાણે અજાણે દુભવ્યા તો નથીને”,
- “હવે શું થશે?”
મન જાણે એક ક્રિસ્ટલ મેઝ – ભૂલભુલૈયા
આવું વારંવાર થવા લાગ્યું હતું. મન જાણે એક ક્રિસ્ટલ મેઝ – ભૂલભુલૈયા બની ગયું હતું. આ વિચારોનું ઘમાસાણ કોઈ વાતનું સોલ્યુશન તો આપતું ન હતું પણ મને શારીરિક અને માનસિક રીતે થકવી નાખતું. હું પોતે માનસિક રીતે લુંછાઈ જતો, વાસ્તવમાં ભુસાઈ જતો. પણ ઉકેલ મળતો નહિ.
દિવસ રાત કોઈ બ્રેક વિના મારા મન કોર્ટ રૂમ બની જતું, જેમાં હું જ વકીલ, હું જ આરોપી અને હું જ ન્યાયાધીશ!, અને છતાં કોઈ ઉકેલ મળતો નહિ.
તમે પણ જો મારી જેમ આવા વિચારોના વમળમાં અટવાતા હોવ, અકળાતા હો તો, અભિનંદન …આપણે બધા – એક જ નાવમાં સવારી કરીએ છીએ. અને તમે પણ આ “ઓવર થિંકિંગ’ – “થોટ- ટ્રાફિક કલબ’નાં સ્થાયી સભ્ય છો.
નોઈઝ પોલ્યુશન અને ઓવર-થિંકિંગ
આપણા દેશમાં જેમ ટ્રાફિક માં નિયમો તૂટતા જ હોય છે અને હોર્ન ને કારણે નોઈઝ પોલ્યુશન થતું હોય છે તેમ આપણું મન સતત ઓવર-થિંકિંગ કરતું રહે છે, અને જ્યાં રેડ લાઈટ હોય ત્યાં પણ બ્રેક વિના સતત દોડતું જ રહે છે.
મન બીજે ક્યાંક પરોવવાની ઝફામાં ડેવિડ ફોસ્ટર વોલેસની વાત યાદ આવી, “Thinking is a good servant but a poor master.”. બીજા બધા વિચારોને નેવે મૂકી, ડેવિડ ફોસ્ટરનાં ક્વોટ વિશે ખૂબ વિચાર્યું. એક નિષ્કર્ષ પર પહોંચ્યો કે વિચારો તો આવવા જ જોઈએ અને ઇચ્છીએ કે ન ઇચ્છીએ , એ આવતા જ રહેશે. પણ વિચારોનો અતિરેક, એક અત્યાચાર છે. વિચારોના ગુલામ બની જવું ભયાવહ છે.
વિચાર વાયુ અને ખોવાતું વર્તમાન
અહીં મેં એક બીજી વાત માર્ક કરી કે વિચાર વાયુ ઉપડે ત્યારે હું અતીતમાં સરી જતો હતો અથવા તો ભવિષ્યનાં સપનાઓ જોવા લાગતો અથવા તો ભવિષ્યનો ડર મનમાં ઘર કરી જતો. આ વમળમાં વારંવાર ખોવાઈ જવાને કારણે મન સતત બેચેન અને વ્યાકુળ રહેવા લાગ્યું.
મને લાગ્યું જાણે મારું વ્યક્તિત્વ ખોવાઈ રહ્યું છે અને સાથે હું ખોઈ રહ્યો છું મારું “હાલ’ – મારું વર્તમાન. આમ મારું વર્તમાન ખોવાવા લાગ્યું ત્યારે એ ડર પેસી ગયો કે વિચારોનું ઘમાસાણ મારા મનમાં કોઈએ ષડયંત્ર કરી રોપ્યું હશે. અને કોઈ એને વારવાર ટ્રીગર કરી રહ્યું છે.
આવો અનુભવ માત્ર મને જ નહિ પણ આપણને સર્વને ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે.
થોટ્સ કંટ્રોલનાં ઉપાય જે મેં વિચાર્યા ….
- દરેક વિચાર પર RTI ન કરો. – મારા હિસાબે દરેક વિચારોનું વિશ્લેષણ કરવું , એના મૂળને શોધવાની જરૂર નથી. જેમ દરેક ફોર્વર્ડેડ મેસેજ ન્યૂઝ નથી હોતા, અને માર્કેટમાં નવા પણ નથી હોતા. તેમ દરેક વિચાર સાચો પણ નથી હોતો. એને સાચા કે ખોટા હોવાની પળોજણમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી.
- જો ભૂલ, કરી હોવાનો અહેસાસ થાય ત્યારે , એ ભૂલ પરથી શીખો, અને જીવનમાં આગળ વધો.
વિચારવું જરૂરી છે, પણ એની પણ એક સીમા નક્કી કરવી જરૂરી છે. “થોટ પર્સેન્ટેજ’ નક્કી કરો. નહિ તો વિચારોનો ઓવરલોડ થઇ જશે અને વિચારોનું ઘમાસાણ તમારું જીવવું હરામ કરી નાખશે.
- વિચારોને મહેમાન સમજો, તમારા માલિક નહિ. : વિચાર વાયુ ઉપડે ને ત્યારે એ સવાલ પૂછવો “અતિથી તુમ કબ જાઓગે?
વિચારોને મગજમાં જેટલો સ્પેસ આપશો, તેટલા એ વધુ ને વધુ ઘર કરતા જશે. અને તમારા મન પર કબજો કરી લેશે અને તમને એમના ગુલામ બનાવી દેશે
આપણે એક વાત સમજી લેવી જરૂરી છે આપણે ટ્રાવેલ કરતા હોઈએ, ક્યાંક કોઈક જગ્યાએ કોઈક પ્રસંગે ગયા હોઈએ ત્યાં અનેક લોકોની ઓળખાણ થાય પણ એ સૌ ગમે તેટલી સારી રીતે, સારી સારી વાતો કરે, પણ એ આપણા મિત્રો તો નથી જ હોતા અથવા નથી બનતા. સામાન્ય રીતે એમની ઓળખ માત્ર યાત્રા સુધી જ સીમિત રહેતી હોય છે.
એ જ રીતે વિચાર વાયુ ઉપડે ત્યારે જેટલા વિચારો આવે, એ બધા કાયમી નથી હોતા, એ બધા જ આપણી તરફેણ નાં ન પણ હોય. અને જરૂરી નથી કે એ બધા સાચા જ હોય.
મારું એવું માનવું છે કે જો આવું કરશો તો શક્ય છે, વિચારોનો ટ્રાફિક ધીરે ધીરે ક્લિઅર થતો જશે. એ પછી પણ વિચારો તો આવ્યા જ કરશે, પણ તમે પોતે ટ્રાફિક પોલિસ બની, તેને ગાર્ડ કુતરાઓની જેમ ભોક્વા નહિ દો. એ વિચારો તમારા નિયંત્રણમાં રહેશે.
સિગ્નેચર
ઓવર –થિંકિંગ રોકવું મુશ્કેલ છે પણ તેની સાથે ઘરોબો જરૂરી નથી. તમારું મગજ એક ટૂલ છે. – એક app છે , તેને બરાબર રીતે કન્ફિગર કરો. સીમિત વિચારો, એને અમલમાં મુકો. એનો આનંદ લો. એના ગુલામ ન બનો.
આ ઓવર થિંકિંગને નિયંત્રિત કરવાના તમે જે પણ ઉપાયો વિચારતા હો તે, અથવા તમને જે વિચાર સુઝે એ કોમેન્ટ સેક્શનમાં લખી જણાવો.
https-maujvani-com-the-overthinking-trap-hindi