
વણ કહેલી વાતો અને ઈમોશનલ ડિસ્ટન્સ
આજે એ અજબગજબ મૌનની વાત કરીએ જે શબ્દો કરતા વધુ કહી જાય.
જાણો છો ક્યા મૌનની વાત કરવાના છીએ.?
આપણે એ મૌનની વાત નથી કરવાની જે તમે બન્ને અથવા તમે બધા કે પાછી આપણામાંથી કોઈ પણ , એકલા કે ગ્રુપમાં કોઈ એક કાફેમાં બેઠા હોઈએ, અને ઓર્ડર કરેલી ફ્રેચ ફ્રાઈઝ કે પછી પિઝા , ઓર્ડર ડિલિવર થઇ ગયો હોય, બધાની સામે ડીશ પડી હોય…..પણ બધા જ …… એક એક ફ્રાઈઝ ખાતા ખાતા કે બાઈટ લેતા લેતા – ઈન્સ્ટા સ્ક્રોલ કરવામાં બિઝી હોય અને સર્વત્ર મૌન છવાયું હોય…..હું એને સ્મશાન શાંતિ નહિ કહું પણ બધાએ મૌન ધારણ કરેલ હોય અને વાતાવરણમાં શાંતિ હોય.
પણ અહી આ લેખમાં હું એ મૌન ની વાતો નથી કરતો.
વાત આપણને બધાને સ્પર્શે છે એટલી જ લાગુ પડે છે, આપણા બધા માટે એટલી જ સાચી છે પણ, વાસ્તવિક રૂપે એ બે વ્યક્તિઓની વાત ….કદાચ જેમની વચ્ચે પ્રેમ હોય, જેમના સંબંધોમાં આત્મીયતા હોય અને છતાં મૌન હોય. ……હું એ મૌન ની વાત કરું છું જેમાં સિચ્યુએશન એ જ હોય…અર્થાત ……બન્ને કાફેમાં બેઠા હોય, પણ બન્ને ઈન્સ્ટા સ્ક્રોલ કરવામાં બિઝી ન હોય છતાં, એક અજબ પ્રકારનું મૌન હોય, જાણે બન્ને ને એકબીજાના હોવાનો અહેસાસ જ ન હોય. જાણે અદૃશ્ય દીવાલ હોય બન્ને ની વચ્ચે. એ અદૃશ્ય દીવાલ એટલે કે એ દિવાલ , જે વિશે બન્ને માંથી કોઈને જાણ ન હોય. કારણ ? શું કોઈ નારાજગી છે?, છે તો ક્યા કારણથી છે? શું થયું છે ? એથી અજાણ ..એવા અનેક પ્રશ્નોથી ચણાએલી દિવાલ.
ઈમોશનલ ડિસ્ટન્સ
આ અંતર ત્યારે જ ક્રિએટ થાય છે જ્યારે બન્ને પક્ષે ‘નિખાલસતા’ની ઉણપ સર્જાય. એકબીજા પ્રત્યે નફરત તો ન હોય પણ આત્મીયતા માં ક્યાંક ઘસરકો પડ્યો હોય, ક્યાંક ઘોબો પડ્યો હોય, અને બન્ને પક્ષે નિખાલસતા થી વાત કરવાનું ટાળવામાં આવે.
કેમ છે? નાં જવાબમાં કોઈ જાતની હુંફ કે લાગણી વિનાનો ફિક્કો જવાબ મળે “ઠીક છું”, ત્યારે સમજી લેવાનું કે કાઈક ગડબડ છે. જ્યારે આ જાણ થાય કે ક્યાંક કંઇક કાચુ કપાયું છે ત્યારે એ પ્રશ્નો ઉદ્દભવે કે આ કન્ફયુઝન ક્યારથી શરુ થયું હશે?
કદાચ બન્ને એ એકબીજાના એફર્ટસ માટે ‘થેન્ક યુ’ નહિ કહ્યું હોય. કદાચ બન્ને એ એકબીજાને એવું કાંઇક કહી દીધું હશે , જે પસંદ નહિ પડ્યું હોય અને એ માટે એક બીજાને સોરી પણ નહિ કહ્યું હોય.
કદાચ બન્ને એ એકબીજા પાસે એક એવી અપેક્ષા રાખી હશે કે ‘એણે પોતે પણ તો જાતે સમજી લેવું જોઈતું હતું?”
વણકહેલી ભાવનાઓ, વ્યક્ત ન કરેલ ભાવનાઓ- સ્ટોરેજ ફૂલ કરી દે
આ વણકહેલી ભાવનાઓ, વ્યક્ત ન કરેલ ભાવનાઓ, એ પ્રકારના ઈમેઈલ્સ જેવી હોય છે જે તમે ખોલતા પણ નથી અને મોટેભાગે ડીલીટ પણ નથી કરતા અથવા તો જે ઈમેઈલ્સ કામના હોય પણ આકસ્મિક સ્પામમાં જતા રહ્યા હોય, એટલે નજરે જ ન ચડે. માત્ર જન્ક તરીકે ઇન-બોક્સમાં કે જન્ક બોક્સમાં પડ્યા રહ્યા હોય.
આવી લાગણીઓ જમા થતી રહે અને એક દિવસ ઈનબૉક્સ ફૂલ થઇ જાય. કોઈ નવા ઈમેલ્સ ન આવે, કે ન તમે મોકલી શકો. – નવી લાગણીઓ ઉમેરી ન શકો, ઈમોશનલ ઈનબોક્સ માં સ્ટોરેજ ન બચે! કોઈ પણ મેસેજ- લાગણીઓ વાંચ્યા કે સમજ્યા વિના . અજાણતા જ .
અને હવે શરુ થાય ..ચર્ચા, – દલીલ – એકબીજાની ભૂલો કાઢવાની શરૂઆત……..એકબીજાને નિખાલસતા થી કાંઈ ન કહેવાની ફરિયાદ
“તે મારા, મેસેજનો જવાબ કેમ ન આપ્યો?”
“જો મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હતું તો કહી દેવું હતું ને મને!”
“તને હમેશ માત્ર મારી જ ભૂલો દેખાય છે, જરા પોતે કરેલી ભૂલો વિશે તો વિચાર!”
“હવે વાતને ગોળ ગોળ ના ફેરવ!”
આવી સિચ્યુએશનમાં વાંક કોનો? કદાચ બન્નેનો અને વાસ્તવમાં જોઈએ તો કોઈનો નહિ.
વાત ગુંચવણ પેદા કરે તેવી, પણ હકીકત છે કેમકે આપણને સૌને ગળથુથીમાં – કહેવાતા સારા સંસ્કાર જ આપવામાં આવ્યા છે. બધા સાથે સારો વ્યવહાર રાખો, હસતા રહો અને કોઈને દુખ થાય તેવું વર્તન ન કરો.
‘સ્વ’ સાથે નો દ્વંદ
આપણે આપણા ‘સ્વ’ સાથે નાં દ્વંદમાં એટલા ગૂંચવાયેલા કે ગૂંથાયેલા હોઈએ છીએ કે, કન્વે કઈક કરવાનું હોય અને મુખમાંથી એવા શબ્દો સારી પડે કે જે ન કહેવાનું તે કન્વે કરી દઈએ. કદાચ ન કહેવાનું કહેવાઈ જાય અને જ બોલવાનું બોલાઈ જાય અને ઘણી વાર તો એવું થાય કે સામે વાળો કહે કાંઇક અને આપણે સમજીએ કાંઇક બીજું.
અસમંજસમાં માનસિક સ્થતિ એવી નકારાત્મ્ક હોય કે સામે વાળી વ્યક્તિ ગમે તેટલું પોઝિટીવ બોલતી હોય પણ આપણું મન એને નેગેટિવ જ લે. નકારાત્મક અર્થઘટન કરે.
આ સંજોગોમાં ન બોલી શકાય અને ન સહી શકાય એવી સ્થિતિ સર્જાય.અને મોટે ભાગે એ મૌનમાં પરિણમે.
ફિલ્મોમાં આવી સિચ્યુએશન ડ્રામેટિક મોમેન્ટ્સ ક્રિએટ કરવા માટે ઉમેરવામાં આવતી હોય, પણ વાસ્તવિક જિંદગીમાં આવા મૌનની ખૂબ મોટી કિમત ચૂકવવી પડતી હોય છે.
જેટલી વધુ ક્લોઝ્નેસ – તેટલું જ વધુ ડિસ્ટન્સ
અહી એકબીજા પ્રત્યે જેટલી વધુ નજદીકી – ક્લોઝ્નેસ હોય તેટલું જ વધુ ડિસ્ટન્સ ક્રિએટ કરી દે છે.
આવું એટલા માટે થાય કારણકે એમાં તડ અને ફડ, એક ઘા અને બે કટકા જેવી સ્થતિ નથી હોતી, એમાં ધીરે ધીરે કાટ લાગે છે, ધીરે ધીરે એ લાગણીઓ ઓગળવા લાગે છે, કોઈ પણ જાતના ખુલાસા વિના. એ તમામ નાની નજીવી વાતો, ગેરસમજો કે જેનો કોઈ વજૂદ ન હોય પણ ક્યારેય બહાર ના આવી હોય તે કારણે.
અંતે, મૌન તોડવું પડે
… ને એ મૌન તોડવા માટે ‘માફ કર’, ‘સોરી’, ‘થેન્ક યુ’ કે ‘હું સમજી શકું છું, વોટ યુ મસ્ટ હેવ ગોન થ્રુ? પણ એ બોલવા માટે હિમ્મત કેળવવી પડે અને આપણે આપણી અંદરના અહંકારને તોડવો પડે.
જેમ મૌન પોતાની જગ્યાએ મહત્વનો હોય શકે છે, તેમ એની પાછળ છુપાયેલ ગૂંચવણો પણ એટલી જ મહત્ત્વની હોય છે કેમકે એ જ ભંગાણ પેદા કરે છે. આ ગૂંચવણોનો ઉત્તર ‘વાંક કોનો’ એ શોધવાથી નહિ પણ ‘મારે માટે તું મહત્ત્વનો/ મહત્ત્વની છે” એ માની લેવાની તૈયારી થી મળે છે.
ચાલો, આજે એ ઈમોશનલ ઈનબૉક્સમાંથી કંઈક તો ડિલીટ કરીએ, ફૂલ થઇ ગયેલા સ્ટોરેજમાંથી જન્ક ડિલીટ કરી સ્પેસ વધારીએ જેથી ઈમોશન્સ માં રહેલ સ્પેસ-ખાલી જગ્યા ઘટે. નવી લાગણીઓ ઉમેરવા માટે સ્પેસ વધે.
આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.