
આપણે ત્યાં હિંદુ પંચાંગ મુજબ વર્ષભર તહેવારોની પરંપરા ચાલે છે. દરેક મહિનો પોતાની આગવી ઋતુ, ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક ઉજવણી સાથે જોડાયેલો છે. ભારતમાં ઉજવાતા દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ આધ્યાત્મિક અને સામાજિક સંદેશ છુપાયેલો હોય જ છે જે ને આપણે ગ્રહણ કરી, એને જીવનમાં – આપણા વાણી, વચન અને વર્તનમાં -આપણા આચરણમાં ઉતારવાનો હોય છે, આપણે કેટલી હદ સુધી એ અનુસરીએ છીએ એ અલગ ચચાનો મુદ્દો છે પણ એક વાત નક્કી કે આપણે તમામ ઔપચારિકતાઓ ચોક્કસ નિભાવીએ છીએ.
તેમાંથી એક મહત્વપૂર્ણ તહેવાર છે નવરાત્રીનો અંતિમ દિવસ ‘દશેરા’ અથવા ‘વિજયાદશમી’. આશ્વિન મહિનાના શુદ્ધ પક્ષની દશમીના દિવસે ઉજવાતો આ તહેવાર સદીઓથી ઉજવવામાં આવી રહ્યો છે જે એ સંદેશ આપે છે કે “સત્યની હંમેશાં વિજય થાય છે”
દશેરાની ઉજવણી પાછળનાં કારણો
દશેરાની ઉજવણીને બે પ્રાથમિક કથાઓ સાથે સાંકળવામાં આવે છે.
એક કથા છે રામાયણની કથા – જે અનુસાર ભગવાન રામે આ દિવસે રાવણનો સંહાર કરીને સીતાજીને મુક્ત કર્યા અને ધર્મની સ્થાપના કરી. દશ મથાળા રાવણ દહનનો અર્થ છે નવ દિવસના સંઘર્ષ બાદ અહંકાર, લાલચ, કામ-ક્રોધ, મદ, મોહ જેવા દુર્ગુણોનો અંત. એના પર વિજય. રામલીલાના સંવાદો લોકોના હૃદયને આજેય સ્પર્શે છે – “જ્યાં સુધી સત્ય છે, ત્યાં સુધી રામ છે.”
બીજી તરફ છે દેવી પરંપરા – દેવી મહાત્મ્ય પ્રમાણે દેવી દુર્ગાએ નવ રાત્રિના યુદ્ધ બાદ મહિષાસુર રાક્ષસનો સંહાર કર્યો હતો. આ ઘટના શક્તિના પ્રતીક રૂપે દશેરાની સાથે ઉજવાય છે.
ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ
દશેરાનું મહત્ત્વ માત્ર ધાર્મિક કથા પુરતું સીમિત નથી. પરંતુ એ ભારતીય રાજકીય અને સામાજિક ઇતિહાસ સાથે પણ સંકાલાયેલું છે.
- રામરાજ્યનું પ્રતીક: “ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.” , રામનો વિજય માત્ર યુદ્ધ નહીં, પરંતુ આદર્શ રાજધર્મની સ્થાપનાનું પ્રતિનિધિત્વ છે.
- દુર્ગાપૂજાનું સમાપન: પશ્ચિમ બંગાળમાં દશેરા એટલે દુર્ગાપૂજાનો અંતિમ દિવસ, જ્યાં ભવ્ય વિધિથી દેવીનું વિસર્જન થાય છે.
- રાજવી પરંપરા: ઇતિહાસમાં અનેક રાજાઓ દશેરાને યુદ્ધની શરૂઆત માટે શુભ માનતા હતા. આજે પણ મૈસૂરમાં દશેરાને દિવસે ‘રાજાની શોભાયાત્રા’ ધામધૂમ થી નીકળે છે અને એની ઉજવણી કરવામાં આવે છે.
દશેરાનું બદલાતું સ્વરૂપ
સમય સાથે દશેરાની ઉજવણીમાં બદલાવ આવ્યા છે.
- પ્રાચીન કાળમાં – યજ્ઞ, પૂજા અને ધાર્મિક વિધિઓથી ઉજવાતો.
- મધ્યયુગમાં – રાજાઓ યુદ્ધ માટે દશેરાને શુભ દિવસ ગણતા.
- આધુનિક સમયમાં – આજે દશેરા સામાજિક-સાંસ્કૃતિક મેળો બની ગયો છે. ગામડાં અને શહેરોમાં રામલીલા અને રાવણ દહન લોકો માટે આકર્ષણ બને છે.
- આજના સમયમાં – આ તહેવાર આપણને પોતાના અંતરના દુર્ગુણો પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.
કેવી રીતે ઉજવાય છે દશેરા :
ભારતના અલગ-અલગ પ્રદેશોમાં દશેરા પોતાની વિશિષ્ટ રીતથી ઉજવાય છે.
ઉત્તર ભારતમાં, દશ મથાળા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓને સળગાવવામાં આવે છે. હજારો લોકો ભેગા થઈને આ દ્રશ્યનો આનંદ માણે છે. “જેનાં મનમાં રામ છે, એ માટે કશું અશક્ય નથી.” જેવો સંદેશા આપતી રામલીલા – રામ રાવણનાં અંતિમ યુદ્ધ સાથે પૂર્ણ થાય છે.
દક્ષિણ ભારતમાં, અયુધ પૂજા કરવામાં આવે છે જ્યાં સાધનો, પુસ્તકો અને હથિયારોની પૂજા થાય છે. ઘરોમાં ગોળુ (ગૂડીયાનું પ્રદર્શન) ગોઠવવામાં આવે છે.
બંગાળમાં દશેરા એટલે દુર્ગાપૂજાનું વિસર્જન. લોકો ભવ્ય વિધિ સાથે દેવીને વિદાય આપે છે.
ગુજરાતમાં, નવરાત્રીની રમઝટનો અંત દશેરાથી થાય છે.
કર્ણાટકના મૈસૂરમાં, રાજાશાહી શોભાયાત્રા અને હાથીઓની સાથેની યાત્રા આજે પણ પરંપરાગત આકર્ષણ છે.
રામલીલાનું મહત્વ
દશેરાની સૌથી વિશિષ્ટ પરંપરા છે રામલીલા.
- રામના જીવનમાં એ યુદ્ધ જ એક માત્ર ઘટના નથી પણ એ યુદ્ધ પાછળના કારણો ને અને રામનાં જીવનની યાત્રાને એમના સંઘર્ષને નાટ્યરૂપે રજૂ કરે છે. રામાયણમાં 20,000 શ્લોકો છે અને મહાભારતમાં 100,000 શ્લોકો છે, જે મૂળ સ્વરૂપે જાળવી શકાયા નથી પણ રામલીલાનાં મંચન નો મુખ્ય ઉદ્દેશ આપણી સાંસ્કૃતિક પરમ્પરા અને મૂલ્યો વિશે, નવી પીઢીને અવગત કરવાનો અને વારસામાં એ આપવાનો એક નિખાલસ પ્રયત્ન છે.
રામલીલા એ હિન્દુ દેવતા રામની વાર્તા છે. આ મહાકાવ્યમાં તેમના બાળપણ, સીતા અને રામના લગ્ન, ધર્મ દ્વારા રામને પોતાનું સિંહાસન છોડવાની ફરજ પાડવામાં આવી તે ઘટના અને વનવાસ, સીતા અને લક્ષ્મણનો વનવાસ, ભારતભરની તેમની યાત્રાઓ, આદરણીય ઋષિઓને મળવાનાં પ્રસંગો, રાવણ દ્વારા સીતાનું અપહરણ, , રામ અને લક્ષ્મણની વ્યથા, હનુમાનનું લંકામાં માતા સીતાનો મળી રામનો સંદેશ આપવો, હનુમાનની સેના સાથે લંકા પર ચઢાઈ, રાવણનો વિનાશ, રામનું અયોધ્યા અને રાજા તરીકે પાછા ફરવું, અને ત્યારબાદના જીવનનો સમાવેશ થાય છે.
- આખું ગામ કે શહેર ભેગું થઈને આ નાટક જુએ છે, જે સામાજિક એકતાનું પ્રતીક છે.
- એમાંથી નૈતિક પાઠ મળે છે – ભક્તિ, નિષ્ઠા, વફાદારી અને ધર્મની જીત.
- યુનેસ્કોએ વારાણસી અને અન્ય પ્રદેશોની રામલીલાને સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે.
“જે રામને જાણે, તે જીવનને સમજે.” જેવો સંવાદ રામલીલાની આત્મા છે.
શા માટે થાય છે રામલીલા
રામલીલાનું આયોજન માત્ર મનોરંજન માટે નથી.
- રામાયણના મૂલ્યોને જીવંત રાખવા માટે.
- નવી પેઢીને આદર્શોના પ્રેરણા આપવા માટે.
- સમાજને યાદ અપાવવા કે અહંકાર અને અતિશક્તિ અંતે પોતાને જ નાશ કરે છે.
દશેરા – માત્ર તહેવાર નથી – એ એક જીવનદર્શન છે. રાવણ દહન હોય કે દુર્ગાનું વિસર્જન કે મૈસૂરની શોભાયાત્રા, સંદેશો એક જ છે –
👉 આપણા અંદરના દુર્ગુણો પર વિજય મેળવો અને ધર્મને જીવનમાં સ્થાપિત કરો.
અહીં પ્રસ્તુત આર્ટિકલ માત્ર અલગ-અલગ સોર્સ માંથી એકત્ર કરવામાં આવેલ માહિતીઓનું સંકલન માત્ર છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી.
આ બ્લોગ સંપૂર્ણ રીતે જાહેરાત-મુક્ત છે — કોઈ બેનર નથી, કોઈ પોપ-અપ્સ નથી.
તમને વિનંતી છે કે www.maujvani.com જે આજે એક છોડ છે, એને આર્થિક સહાય આપી સિંચન કરશો તો એ ચોક્કસ મોટા વૃક્ષનું સ્વરૂપ લેશે.🌳
🙏 આભાર
તમારો સહયોગ — નિયમિત મળનારો સહયોગ , નાનો હોય કે મોટો — મોજવાણી માટે ખૂબ મહત્વનો છે.
દરેક ટીપું મહત્ત્વનું ગણાશે અને ગણતરીમાં લેવાશે.



