
લગ્ન હોય કે નોકરી-જ્યારે “સ્કિન ટોન” જ બની જાય “રિઝ્યૂમે” શું શ્રીકૃષ્ણ “ફેર ઍન્ડ લવલી” હતા?
શું રાધાને કે ગોપીઓને કનૈયાનો સ્કિન ટોન નડ્યો હતો?
હમણાં જ એક લગ્નમાં જવાનું થયું. બધું સરસ ચાલી રહ્યું હતું. જમણવાર શરુ થઇ ગયો હતો. બધા બુફે લઇ રહ્યા હતા. ત્યાંજ બાજુમાં ઊભેલ, એક આંટીની ગુસપુસ કાને પડી — નજીકના મિત્રો અને સંબંધીઓ જમવાની સાથે સાથે વર-કન્યાનું વિશ્લેષણ પણ કરી રહ્યા હતા. “થોડી કાળી છે… જો કે આમ તો સારી જ લાગે છે. લાગે છે થોડીઘણી બાંધછોડ કરવી પડી હશે.” ત્યાં બીજી માસીએ ટહુકો મુક્યો, “શું કદાચ છોકરામાં તો કાઈ ….?”
આખી ચર્ચાનો નીચોડ એ હતો કે વર-કન્યાનાં વિશ્લેષણની એ માર્કશીટમાં, કન્યાને ઓછા માર્કસનું કારણ એ કન્યાનો શ્યામ રંગ- સ્કિન ટોન હતો. બાકીની બધી બાબતો ‘એડજસ્ટેબલ’ હતી.
હવે આ રંગ –ભેદ ની વાત નીકળી જ છે તો દૂર સુધી જશે.
એ હકીકત છે કે, હવે તો લગ્ન હોય કે નોકરી – “સ્કિન ટોન” જ “રિઝ્યૂમે” બની ગયો છે. કન્યા જો ગોરી હોય તો કહેવાશે: “બ્યૂટી વિથ બ્રેન્સ”, અને જો થોડી શ્યામવર્ણી હોય તો “એડજસ્ટ કરી લઈશું.” અને તેણે પણ જીવનમાં બાંધછોડ તો કરવી જ પડશે.
અને મજાની વાત તો ઘણી વાર એવું બને કે વર હોય કે કન્યા, બન્ને માટે આ ચર્ચા થાય અને એ અનુમાન તારવવાનો પ્રયત્ન કરવામાં આવે કે એ વિવાહ માટે “કોમ્પ્રોમાઈઝ’ – બાંધછોડ કોણે કરી હશે? અને શા માટે? અને એ ચર્ચાના તારણ બહુ રસપ્રદ હોય છે, પણ મહત્ત્વની વાત એ છે કે મોટે ભાગે કન્યા વર થોડો “જલેબી શેડ” નો હોય તો કોઈ બોલતું નથી — ઊલટું એની રજૂઆત વખાણની રીતે થાય, “અરે વાહ, શું ડસ્કી લુક છે, બહુ હેન્ડસમ લાગે છે”
લગ્નની જાહેરાતો – મેટ્રીમોની
“Fair, slim, beautiful, convent educated”
કન્યાનું વર્ણન આવું હોય, જાણે કે કોઈ છોકરી નહીં પણ પર્ફ્યુમની બોટલ હોય.
ક્યાંય એવું વંચાય છે?, “Honest, empathetic, ambitious”
પહેલા રંગ-‘સ્કિન ટોન’ જોવામાં આવે બાકીનું બધું તો ‘ટેક્ન ફોર ગ્રાન્ટેડ’ પછી બદલાઈ જ જશે.
અર્થાત્ કેરેક્ટર ક્વોલિટી તો ગૌણ બાબત છે, પહેલા કોમ્પ્લેક્શન જામવું જોઈએ. પેકેજિંગ અને ડિસ્પ્લે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે અને તે સારું હોવું જોઈએ.
આજની જાહેરખબરો : ટેલિવિઝન, ઇન્સ્ટાગ્રામ અને બ્યુટી ક્રીમ્સની દુનિયા – બધે એ જ સૂત્ર:
“કાબેલિયત પુરવાર કરવી છે? પહેલા ગોરા બનો!”
આજે આપણા સંતાનો પણ એ જ માઈન્ડસેટ સાથે મોટા થઇ રહ્યા છે કે, સાંવલો- શ્યામવર્ણી રંગ – સ્કિન ટોન કોઈ ખામી છે જેને સુધારવી જરૂરી છે.
કૉમેડી શોઝ કે રંગરૂપનું રોસ્ટ સ્ટેશન?
સ્ટેન્ડઅપ કૉમેડી જુઓ — દરેક ત્રીજા જોકમાં કોઈકનો કોઈક વ્યક્તિ ને તેના રંગ – સ્કિન ટોન કે તેના મોટાપા – તેની સ્થૂળતા, માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે.
અને આપણે સૌ સૌફા પર બેઠા બેઠા હસીએ છીએ — પોતાની જ બેઇજ્જતી કરાવવા ટિકિટ ખર્ચી હોય પછી આપણી પાસે હસવા સિવાય બીજીઓ કોઈ વિકલ્પ ન હોય. .
શું જો કૃષ્ણ આજના Tinder પર હોત તો પોતાના ‘બાયો’ માં શું લખત ?
“શ્યામ વર્ણ, ફલૂટ વગાડું છું, ઈમોશનલી અવેલેબલ, પણ ગોરો નથી —એટલે એ જો ઈશ્યુ હોય તો, રીજેક્ટ કરવા “Swipe left!”
હકીકત એ છે કે, કૃષ્ણ ભલે શ્યામ વર્ણી હતા પણ એમનામાં જેટલું આકર્ષણ હતું એટલું ભાગ્યેજ કોઈનામાં હતું અને હશે.
ના રાધાએ એમના રંગની દરકાર કરી હતી, ન ગોપીઓએ, એમણે તો માત્ર ભાવ જોયો, એ સંવાદ અને એ પોતીકાપણું જોયું અને અનુભવ્યું જે રંગના વ્યાપથી પરે હતું.
રંગભેદ = સંસ્કારી વર્ઝન 2.0
રંગભેદ માટે આપણે દોષનો ટોપલો અંગ્રેજો પર ઢોળીએ છીએ કે એમણે રંગભેદની નીતિ અપનાવી. પણ આપણી પહેલાની પેઢી — દાદા-પરદાદા સૌ એ તો પહેલાંથી જ “બ્રાઉન શેમિંગ”માં પીએચડી કરેલી છે. કેમકે વર્ણવ્યવસ્થા તો આપણે ત્યાં સદીઓં થી હયાત હતી જ.
મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા — માત્ર તેમના સ્કિન ટોન માટે.
પણ આપણે શું કરીએ છીએ? આપણે કોઈને ટ્રેનમાંથી નથી ઉતારતા, પણ સૌની નજરમાં થી જ ઉતારી પાડીએ છીએ.
ફિલ્મોમાં સ્કિન ટોન = એન્ટ્રી પાસ?
બૉલિવુડ કે હૉલિવુડ ગોરા હીરો = ગ્લેમર, રોમાન્સ અને
શ્યામ વર્ણી હીરો = ફકત રીયાલિસ્ટિક મૂવીઝમાં અથવા અવેરનેસ ફિલ્મોમાં નાયક તરીકે , અથવા તો હીરો, હિરોઈન , બનેમાંથી કોઈનો ભાઈ અથવા તો અન્ય કેરેકટર આર્ટીસ્ટ. બાકી હવે આજકાલ OTT પર વેબ સીરીઝમાં પણ દેખા દે છે.
અને એવું બને ત્યારે દુ:ખ થાય છે પણ હકીકત છે કે જયારે કોઈ ડાર્ક સ્કિન વાળો એક્ટર સફળ થાય — ત્યારે ન્યૂઝ હેડલાઇન હોય:
“બેરિયર્સ તોડતી પહેલી શખ્સિયત!”/ “Breaking barriers!”
એનો અર્થ શો સમજવો ? સુંદરતા શું કોઈ રંગ કે જાતિનું પેટન્ટ છે?
હોલિવુડમાં બ્લૅક દિગ્દર્શકો માટે ફંડિંગની મુશ્કેલી આજે પણ ચર્ચાનો વિષય છે. હોલિવૂડ કે બોલિવૂડમાં રંગભેદ અને ટાઇપકાસ્ટિંગ આજે પણ મોટી સમસ્યા છે.
અમેરિકા, કેનેડા અને યુકેમાં ફેબ્રુઆરી મહિનાને ‘બ્લૅક હિસ્ટ્રી મન્થ’ તરીકે ઊજવવામાં આવે છે — એ મહિનામાં એ લોકોના યોગદાન અને લડતનું સ્મરણ થાય છે, જેમણે રંગથી ઉપર ઉઠીને ઓળખ બનાવી.
રીલ લાઇફ કે રીયલ લાઇફ — એક જ સવાલ:
વિવાહ કે પછી કામ-કાજમાં સફળતા નો માપદંડ શું?
- શું લગ્ન માટે જરૂરી શું છે ? “ટોન” કે “સોલ”?
- શું સારો જીવનસાથી ગોરાપણથી નક્કી થાય?
જેમ્સ બાલ્ડવિન કહે છે:
“Love takes off the masks…”
અને એ હકીકત છે કે જ્યારે એ નકાબ ઊતરશે ત્યારે,
શબ્દ બદલાશે, વિચાર બદલાશે અને પછી દર્પણ પણ હાસ્ય થી ખીલી ઉઠશે.
સિગ્નેચર
રંગ ‘ટોન’ પણ માત્ર એક નકાબ છે, એને ઊતારવા માટે ‘ફેસવૉશ’ નહીં, સમજ અને હિંમત જોઈએ.