Editor's Choice - અધ્યાત્મ - એડિટરની ચોઈસ - મોજવાણી - હોમ

ભૂતકાળની કેદમાં ..અટવાતું વર્તમાન ! અને ભવિષ્ય…એક પ્રશ્નાર્થ?

Reading Time: 8 minutes

રાજની સામે લેપટોપની સ્ક્રીન પર એક અધૂરી મૅન્યુસ્ક્રિપ્ટ ખુલ્લી હતી. સ્ક્રીન પર કર્સર સતત ઝબકી રહ્યું હતું…..જાણે બે વર્ષથી એક જ સવાલ પૂછી રહ્યું હતું…. “તો હવે લખવાનું છે? આગળ વધવાનું છે કે  કે માત્ર મને જોતાં રહેવાનું છે?”

બે વર્ષ પહેલાં રાજે વિચાર્યું હતું કે તે એક એવી નવલકથા લખશે જે તેની ઓળખ બની જશે. પણ પ્રકાશકે તેની આ નવલકથા ને નકારી કાઢી. કારણ?  એમણે કારણ આપ્યું કે કોઈ એક અન્ય નવલકથા નો કોન્સેપ્ટ પણ સેમ છે.  કે કોન્સેપ્ટ ખૂબ જ મળતો આવે છે.” બસ. ત્રણ શબ્દોએ રાજની સર્જનાત્મકતાને એવો ઝટકો આપ્યો કે જાણે કોઈએ તેની અંદરના લેખકને નોકરીમાંથી કાઢી મૂક્યો હોય.

બસ …ત્યારથી જ્યારે પણ તે લખવા બેસે, તેને એ જ ઇ-મેઇલ યાદ આવતો. તે લેપટોપ બંધ કરી દેતો. ધીમે ધીમે તે પોતાની નિષ્ફળતાનો ક્યુરેટર બની ગયો હતો. તેના મનમાં એક આખું મ્યુઝિયમ હતું—જૂની ભૂલો, જૂના ડર અને એક ખાસ છબી: “જુઓ, અહીં હું નિષ્ફળ ગયો હતો”. એક વખત ઘર સાફ કરતી વખતે રાજને તેના દાદાએ લખેલી ડાયરી મળી. ડાયરી ખોલતાં તે ચોંકી ગયો. અંદર સુંદર કવિતાઓ હતી. પ્રેમ વિશે. વિરહ વિશે. માટીની સુગંધ વિશે, જીવન વિશે. દાદાએ આખી જિંદગી એક સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. પણ તેમની  અંદર શબ્દોની એક આખી દુનિયા જીવતી હતી—જે તેમણે ક્યારેય કોઈને બતાવી નહોતી. છેલ્લા પાનાં પર એક વાક્ય હતું: “મને સૌથી વધુ અફસોસ એ વાતનો નથી કે હું ક્યારેય અપેક્ષા મુજબ સફળ ન થયો. અફસોસ એ છે કે મેં એક નિષ્ફળતા પછી ક્યારેય બીજો પ્રયત્ન જ ન કર્યો.” રાજને લાગ્યું કે કોઈએ અચાનક તેના મનનો અરીસો તેની સામે મૂકી દીધો. દાદા પણ ફરી નિષ્ફળતા નાં ડરથી અટકી ગયાં હતાં

અહી રાજની  નિષ્ફળતા અને દાદાની સ્મૃતિ.  ફરક એટલો જ હતો કે એકે પોતાનું જીવન હજી સુધી શરૂ જ કર્યું હતું અને બીજા એ ફરીથી શરૂ કરવાનો કોઈ પ્રયત્ન જ ન કર્યો. એ રાત્રે રાજએ જૂનીં મૅન્યુસ્ક્રિપ્ટ ખોલી નહીં. તેણે એક નવું વર્ડ ડોક્યુમેન્ટ ખોલ્યું અને લખ્યું— “ ગોંડલ માં રહેતા જીવરાજ ભાઈનાં અંતરમાં એક રહસ્ય ધરબાયેલું હતું.“ એ લખાણ કોઈ મહાન લખાણ નહોતું. પણ આ વખતે રાજને મહાન બનવું નહોતું. આ વખતે તેને ફક્ત આગળ વધવું હતું, પોતાની નવલકથા લખવી હતી, પૂરી કરવી હતીં.

it’s not a Coffee Café …..it’s pause …to you scrolling life ..

અને કદાચ જીવનમાં નવી શરૂઆત માટે એટલું જ પૂરતું હોય છે.

જૂનું જીવન પાછળ છોડવાની કળા: તમારા ભૂતકાળને તમારા ભવિષ્યનો માલિક ન બનવા દો. તમે પહેલાં શું કર્યું હતું, ક્યાંથી આવ્યા છો, કેટલી ભૂલો કરી છે કે જીવનમાં કેટલી વખત પડ્યા છો—એ ખરેખર મહત્ત્વનું નથી. એ જીવનનો અંત નથી. વાસ્તવમાં એ માનવા સહજ સ્વભાવ છે. એ આપણી સૌની આદત બની ગઈ છે. આપણે બધા જ ભૂતકાળને પાછળ છોડી મુવ ઓન કરવા કરતાં તેને સાથે લઈને જ ફરતા હોઈએ છીએ.  જૂની ભૂલોની ફાઇલ સાચવી રાખીએ છીએ. જૂના અપમાનના સ્ક્રીનશૉટ મનમાં રાખીએ છીએ. કોઈએ દસ વર્ષ પહેલાં કહેલી અને ન ગમેલી એક વાત આજે પણ યાદ હોય છે. કોઈ સંબંધ તૂટી ગયો હોય તો પણ તેની છેલ્લી વાતચીતને મનમાં ફરી ફરી ચલાવીએ છીએ. જાણે આપણા મગજમાં કોઈ મિની થીયેટર હોય અને ત્યાં એક જ ફિલ્મ સતત ચાલી રહી હોય— “તમારી જૂની ભૂલો — The Director’s Cut.”. અને એ પણ એ રીતે જાણે દરેક શો પ્રીમિયર જ હોય.  ક્યારેક એવું લાગે કે માણસ પાસે ભૂતકાળની યાદો નહીં, પણ તેનું Annual Subscription હોય છે! સમસ્યા એ નથી કે આપણો ભૂતકાળ છે. સમસ્યા એ છે કે આપણે ઘણી વાર ભૂતકાળમાં રહેવા લાગીએ છીએ. — ## ભૂતકાળ આપણને રોકે છે કેવી રીતે? સૌથી પહેલાં, ભૂતકાળ આપણને આપણી ઓળખમાં કેદ કરે છે. આપણી જે છાપ પડેલી છે, પાડવામાં આવી છે અથવા તો આપણે જે આપણા વિશે ધારી લઈએ છીએ. .  “હું આવો જ છું.” “મારાથી આ નહીં થાય.” “હું ક્રિએટિવ નથી.” “હું લોકો સાથે વાત કરી શકતો નથી.” “હું બિઝનેસ માટે નથી બન્યો.” “મારા માટે હવે બહુ મોડું થઈ ગયું છે.” આ વાક્યો અવારનવાર સાંભળવામાં આવતા હોય છે , બહુ સામાન્ય લાગે છે. પરંતુ એ જ વાસ્તવિકતા હોય તે જરૂરી નથી…એ આપણા ભૂતકાળના અનુભવો પરથી બનેલી માનસિક ઓળખ હોય છે.

કોઈ વ્યક્તિ સ્કૂલમાં ગણિતમાં નબળી હતી અને તેણે આખી જિંદગી માટે માની લીધું અથવા તેના મનમાં એક ગ્રંથી જન્મ લઇ લે છે કે તે હવે કોઈ દિવસ ફાઈનેન્સ ની બાબતો સમજી જ નહિ શકે. કોઈ વ્યક્તિએ એક વખત બિઝનેસમાં પૈસા ગુમાવ્યા એટલે લોકોએ ટીકા કરી અને હવે તેના મનમાં એ ગભરાટે ઘર કરી લીધું કે તે કોઈ દિવસ બિઝનસ નહિ કરી શકે અને હવે તેને તેની દરેક નવી તકમાં તેને માત્ર નુકસાન જ દેખાવા લાગ્યું. એની હિમ્મત કાયમ માટે તૂટી ગઈ. કોઈએ એક વખત પ્રેમમાં ઠોકર ખાધી અને પોતાનાં જ અપ્ત જનો એ વિશ્વાસઘાત કર્યો હોય  તો હવે એ દૂધનો દાજ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે અને તે હવે દરેક નવા સંબંધને શંકાની નજરે જુએ છે. આમ એક પછી એક થતા અનુભવો અને પરિણામિક નિષ્ફળતા ધીમે ધીમે એક ઓળખ બની જાય છે. હકીકતમાં “હું એવો જ છું.” ના. તમે એવા હતા એ અને આ બે વચ્ચે આખું ભવિષ્ય છુપાયેલું છે. તમારો ભૂતકાળ તમારો એક અનુભવ હોઈ શકે છે પણ તે તમારી જિંદગીનું અંતિમ સત્ય નથી. આપણે પોતાની જૂની ભૂલોને માફ કરવાનું ભૂલી જઈએ છીએ. એક ખોટો નિર્ણય. એક ખોટો સંબંધ. એક ખોટી વ્યક્તિ પર વિશ્વાસ. આ બધાનું પરિણામ એ કે વર્ષો સુધી મનમાં આપણે એક જ કેસ ચલાવતા રહીએ છીએ અને આંતરિક લડાઈ લડતા રહીએ છીએ. જજ પણ આપણે. વકીલ પણ આપણે. આરોપી પણ આપણે. અને સજા? કોઈ અધિકૃત ઘોષણા વિના ‘આજીવન’ સજા ભોગવતા રહીએ છીએ.

અહીં એક વાત પણ સમજવી જરૂરી છે. ભૂતકાળના નિર્ણયોને આજની સમજણથી જજ ન કરી શકાય. તે સમયે તમારી પાસે જે સમજણ હતી, જે પરિપકવતા હતી અને જે પરિસ્થિતિ હતી, જેટલી ભાવનાત્મક પરિપક્વતા હતી—તમે એ પ્રમાણે એ વખતે નિર્ણય લીધો હતો. આજે તમને વધારે સમજ છે. એટલે જ તમે પાછળ જોઈને કહો છો— “મારે એવું કરવાનું જરૂર ન હતી, મારે એવું કરવું જોઈતુ નહોતું.” પણ એ સમજ તમને ત્યારે નહોતી. જો હોત, તો તમે એ ભૂલ કરી જ ન હોત.

હકીકત એ છે કે ભૂતકાળના સ્વને માફી આપવી એટલે ભૂલોને સમર્થન નથી કે એને સાચી ઠેરવવાનો કોઈ પ્રયાસ પણ નથી. એનો અર્થ માત્ર એટલો છે કે ભૂતકાળની ભૂલોને ભૂલીને આખી જિંદગીની  સજા ભોગવવાનું  બંધ કરવાનો સમય હવે આવી ગયો છે. કારણ કે જ્યારે તમે ભૂતકાળની ભૂલોની સજા  વર્તમાન ને આપો છો ત્યારે હકીકતમાં એ સજા ભૂતકાળની ભૂલોને નહિ પણ “તમારા ભવિષ્યને” મળે છે. ક્યારેક આપણને દુઃખ નહીં, યાદો પાછી ખેંચે છે ભૂતકાળ હંમેશા દુઃખથી જ આપણને પાછળ ખેંચે એવું નથી. ક્યારેક તે નોસ્ટેલ્જિયાથી પણ ખેંચે છે. “એ દિવસો કંઈક અલગ હતા.”કોલેજના દિવસો જ બેસ્ટ હતા.” “પહેલાની નોકરી કેટલી સારી હતી.” “પહેલાં જીવનમાં કેટલી મજા હતી.” “હવે તો કંઈ રહ્યું જ નથી.” નોસ્ટેલ્જિયા સુંદર છે. પણ તેમાં એક નાજ્વો ટ્વિસ્ટ છે. આપણે ભૂતકાળને યાદ કરીએ ત્યારે ઘણી વાર તેની મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ અને માત્ર સુંદર દૃશ્યો યાદ રાખીએ છીએ. ભૂતકાળનું આપણું વર્ઝન ઘણી વાર એડિટેડ વર્ઝન હોય છે. ત્યાં કોઈ ટેન્શન નહોતું. કોઈ નિષ્ફળતા નહોતી. કોઈ ચિંતા નહોતી. કોઈ ખરાબ દિવસ નહોતો. જાણે અગાઉનું જીવન Netflixની કે આજના કોઈ પણ OTT પ્લેટફોર્મમાં પ્રસારિત “feel-good series” હતું અને હવે કોઈએ તેનું *budget cut* કરી નાખ્યું હોય! પણ હકીકત એ છે કે ભૂતકાળ એટલો પરફેક્ટ નહોતો જેટલો અને જે રીતે આપણે તેને યાદ કરીએ છીએ. અને સૌથી મહત્વની વાત “તમારા શ્રેષ્ઠ દિવસો” ભૂતકાળમાં જ હતા એવું કોઈ નિયમ પુસ્તકમાં લખેલું નથી. આજે જે જીવન તમને સામાન્ય અથવા કષ્ટદાયક લાગે છે, કદાચ આવતીકાલે એ જ તમારા “સારા જૂના દિવસો” બની શકે. તો શા માટે આજે જ નવા સારા દિવસો બનાવવાનું શરૂ ન કરીએ?  તમે તમારી વાર્તા નથી. તમે તેના લેખક છો. આગળ વધવાની શરૂઆત અવેરનેસ થી  થાય છે. જ્યારે પણ તમે કોઈ નવી તક સામે ઉભા રહો, ત્યારે તમારા મનમાં આવતો અવાજ સાંભળો. “મારાથી નહીં થાય.” “એ મારા માટે નથી” “પહેલાં પણ નિષ્ફળ ગયો હતો.” “ફરીથી એ જ થશે.” ત્યારે એક સવાલ પૂછો— “આ હકીકત છે કે મારા ભૂતકાળની બનાવેલી વાર્તા? આ સવાલ સંજોગો બદલી નાખે છે. કારણ કે આપણા મનમાં ઘણી વાર ભૂતકાળની ઘટનાઓ કરતાં તેની “વ્યાખ્યા’ આપણા માટે વધારે આડખીલી રૂપ બનતી હોય છે. એક વ્યક્તિ કહે છે— “હું એક વખત નિષ્ફળ ગયો.” બીજી વ્યક્તિ કહે છે— “હું નિષ્ફળ વ્યક્તિ છું.” બંને વાક્યોમાં માત્ર એક શબ્દનો ફરક છે. પણ એ એક શબ્દ આખી જિંદગીનો દિશાસૂચક બની શકે છે. નિષ્ફળતા એક ઘટના છે., જ્યારે નિષ્ફળ વ્યક્તિ એક ઓળખ છે. ઘટનાઓ બદલાય છે. ઓળખ બદલાઈ જાય છે અથવા બદલવી પડે છે. —  તમારા જૂના સ્વને વિદાય આપો.

આગળ વધવા માટે, દુનિયાને નહીં, પોતાના જૂના સ્વરૂપને અલવિદા કહેવું પડે છે. એ વ્યક્તિને અલવિદા કહો જે  હંમેશા ડરતી હતી, એ વ્યક્તિને- જે બધાને ખુશ કરવા માંગતી હતી, એ વ્યક્તિને- જે તક મળતાં પહેલાં જ હાર માની લેતી હતી,  એ વ્યક્તિને- જે એક ભૂલ પછી પોતાને આખી જિંદગી માટે દોષિત માની બેઠી હતી. પણ વિદાઈ આપતી વખતે એ વ્યક્તિને પ્રેમથી જુઓ. તેને ધિક્કારો નહીં. કારણ કે એ વ્યક્તિએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. કદાચ એ વ્યક્તિએ જાણે -અજાણે ખોટો રસ્તો પસંદ કર્યો હશે, કેટલીક અણસમજી ભૂલો કરી. જે પણ થયું હોય તે પણ એ હકીકત ભૂલાવી ન જોઈએ કે  એ ભૂતકાળે જ  જતા જતા તમને કંઈક શીખવ્યું છે . શું કરવું અને શું ન કરવું. તેથી આપણે સૌએ આપણા ભૂતકાળને કહેવું જોઈએ …“આભાર. તું મને ઘણું શીખવી ગયો. હવે આગળનો રસ્તો હું જાતે ગોતી લઈશ અને સંભાળી સંભાળીને પગલાં ભરીશ.”  .”આ જ આત્મમાફી છે.:  

ભવિષ્યના તમારા સ્વને મળવા અને આગળ વધવા માટે માત્ર ભૂતકાળને  છોડવો પૂરતો નથી. તમારે એ પણ નક્કી કરવું પડે કે આગળ જવું ક્યાં છે? આગળનો રોડ મેપ શું છે?  તમારી જાતને પૂછો— હું પાંચ વર્ષ પછી કેવો માણસ બનવા માગું છું?  મારે શું શીખવું છે? મારે કોના જેવો નહીં, અને કોના જેવા બનવું છે?  હું નિષ્ફળતા સામે કેવી રીતે ઊભો રહીશ?  હું મારા સમયનો ઉપયોગ કેવી રીતે કરીશ? હું લોકો સાથે કેવો વ્યવહાર કરીશ?  એ બધું અગાઉથી નક્કી કરેલું હોવું જોઈએ. જ્યારે તમારો ભવિષ્યનો રોડ મેપ રેડી  હોય છે. અને તમારી વિચારસરણી સ્પષ્ટ  હોય ત્યારે આજના નિર્ણયો બદલાવા લાગે છે. તમે ભૂતકાળના આધારે નિર્ણય લેવાનું બંધ કરો છો. તમે ભવિષ્યના આધારે નિર્ણય લેવાનું શરૂ કરો છો. જે એક પોઝિટીવ સાઈન છે.  

બસ આમ એક નાનું પગલું.લેવાની જરૂર છે. આખું જીવન એક જ દિવસે બદલવાની જરૂર નથી. રાજએ નવી નવલકથા લખવાનું શરૂ કર્યું ત્યારે તેણે આખી દુનિયાને ચોંકાવી દે તેવું પહેલું વાક્ય લખ્યું નહોતું. તેણે ફક્ત એક વાક્ય લખ્યું.  “ ગોંડલ માં રહેતા જીવરાજ ભાઈનાં અંતરમાં એક રહસ્ય ધરબાયેલું હતું.“ હકીકતમાં એ વાક્ય માત્ર નવલકથાની શરૂઆત ન હતી. એ રાજના નવા જીવનની શરૂઆત હતી. ક્યારેક તમારું એક નાનું પગલું પણ એવું જ હોય છે. એક ફોન કરો. એક ઇ-મેઇલ મોકલો. એક નવી વસ્તુ શીખો. પંદર મિનિટ ચાલો. એક પુસ્તકનું એક પાનું વાંચો. જે કામ તમે બે વર્ષથી ટાળી રહ્યા છો, તે માટે આજે માત્ર દસ મિનિટ આપો. નવું શરૂ કરવા માટે હંમેશા બહુ વધુ હિંમતની જરૂર નથી. ક્યારેક માત્ર **નાનું પગલું ભરવાની તૈયારી** હોય તો જીવન ઘણું સરળ થઇ જાય છે.

ગતિમાંથી ગતિ જન્મે છે. એક પગલું બીજું પગલું સરળ બનાવે છે. અને ધીમે ધીમે તમને એ સમજાવા લાગે છે કે તમે જ્યાં અટવાયેલા હતા, ત્યાંથી તમે ખરેખર તો ધીમે ધીમે બહાર આવી રહ્યા છો. એ માનવું, સમજવું જરુરીં છે કે ભૂતકાળને ભૂંસી નાખવાની જરૂર નથી,  ભૂતકાળ તમારો દુશ્મન નથી. ફક્ત તેમાં રહેવાનું બંધ કરો ભૂતકાળ તમારા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. ભૂતકાળની તમારી ભૂલો તમને શીખવી શકે છે. તમારા દુઃખ તમને ઊંડા અને ધીર-ગંભીર બનાવી શકે છે. તમારી નિષ્ફળતા તમને વધુ સમજદાર બનાવી શકે છે. ભૂતકાળને કેદખાનું ન બનાવો. , તેને પાઠ બનાવો. ભૂતકાળને ડ્રાઇવિંગ સીટ પરથી ઉતારીને પાછળની સીટ પર બેસાડો. કારણ કે જો તમે કાર ચલાવતી વખતે સતત રિયર-વ્યૂ મિરરમાં જ જોશો, તો આગળનો રસ્તો દેખાશે કેવી રીતે?  એક્સિડન્ટ થવો નિશ્ચિત છે. રિયર-વ્યૂ મિરર જરૂરી છે. તે તમને જણાવે છે કે તમે ક્યાંથી આવ્યા છો. પણ તે તમને ક્યાં જવાનું છે એ નથી દેખાડતો. એ માટે વિન્ડશિલ્ડ છે. જે રિયર-વ્યૂ મિરર કરતા ઘણો મોટો છે. વિન્ડશિલ્ડ હંમેશા આગળ હોય છે. જે ભવિષ્ય છે.

તમારા ભવિષ્યના સ્વરૂપની કલ્પના કરો. તમારી જૂની ઓળખને પડકારો.. અને પછી—એક નાનું પગલું ભરો. કારણ કે જીવન કોઈ બંધ થયેલું પુસ્તક નથી. તમે હજી પણ લખી રહ્યા છો. તમારી વાર્તાનો સૌથી મહત્વનો અધ્યાય કદાચ તમે પાછળ છોડેલા પાનાંમાં નથી. કદાચ તે એ પાનાં પર છે, જે તમે હજી સુધી ખોલ્યું જ નથી. તો હવે સમય આવી ગયો છે. જૂની વાર્તાને સન્માનથી સંકેલો. એના પર પૂર્ણ વિરામ મુકો. હવે પાનું ફેરવો.  અને કોરા પાના પર લખવાનું શરૂ કરો.

Maujvani.

આપને જો આ બ્લોગ સાઈટનુ કન્ટેન્ટ રસપ્રદ લાગ્યું હોય અને તો અમને manbhavee@gmail.com પર તમારો ફિડબેક જરૂરથી આપો અને www.maujvani.com સબસ્ક્રાઈબ કરો.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted