
વિનોદ પોપટ દ્વારા,
વિસ્થાપન અને ઐતિહાસિક અન્યાય પરના વૈશ્વિક પ્રવચનોમાં, કેટલીક વાર્તાઓ , કેટલાક તથ્યો ઉજાગર થતા હોય છે, પ્રકાશમાં આવતા હોય છે જ્યારે કેટલાક સમયની ધૂળમાં ઝાંખા પડી જતા હોય છે જ્યારે કેટલાક ચૂપચાપ ભૂલાઈ જતા હોય છે. પેલેસ્ટાઇનના લોકોની પીડા વૈશ્વિક સ્તરે સહાનુભૂતિ ની લહેર અને રાજકીય ચર્ચાઓ ઊભી કરે છે. પરંતુ કરિબિયન દેશ ટ્રિનિડાડ અને ટોબેગોમાં એક બીજી જ જાતિનાં વિસ્થાપિત લોકો – ભારતીય બંધુઆ – કરારબદ્ધ અથવા સરળ ભાષામાં બાંધેલા મજૂરોના વંશજોની વાત , એમની વ્યથા, એમણે ભોગવેલી ત્રાસદી, એમના પર થયેલા અન્યાની કોઈ વાતો નથી કરતું. ક્યાંય પ્રવચનોમાં એમના ઉલ્લેખની જરૂર નથી જણાતી. આ ગાથા મોટાભાગે અકથિત અને અસ્વીકૃત જ રહી છે.
ઈતિહાસના પૃષ્ઠો પરથી અદૃશ્ય થયેલી યાત્રા
1845 થી 1917 વચ્ચે, બ્રિટિશ વસાહતકાળ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારથી, સમૃદ્ધિ અને સારા જીવનના વચનોથી લોભાવી 1,47,000 થી વધુ ભારતીયોને ટ્રિનિડાડ અને ટોબેગોની અજાણી ભૂમિ પર ઉતારવામાં આવ્યા. આ ભારતીયોને લલચામણા પ્રલોભનો આપી અહીં બાંધેલા – કરારબદ્ધ મજૂરો તરીકે લાવી, તેમને તેમની ભાષા, સંસ્કૃતિ અને માનવીય અધિકારોથી વિમુખ કરવામાં આવ્યા. ચતુરાઈથી કાગળ પર તો આ કામકાજ “સ્વૈચ્છિક” અને “કોન્ટ્રાક્ટ આધારીત” હોવાનું લેખાયું પણ વાસ્તવમાં એમનું શોષણ કરાયું. હકીકતમાં એ ક્રૂર અને અમાનવીય semi-slavery જ હતી.
આ ભારતીયોને અહીં ચતુરાઈપૂર્વક વ્યવસ્થિત રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, બોમ્બ કે નાકાબંધી દ્વારા નહીં, પરંતુ ગરીબી, છેતરપિંડી અને બ્રિટિશ સામ્રાજ્યવાદ દ્વારા. પરિવારો વિખેરાઈ ગયા હતા. તેમનાં પરંપરાગત રિવાજો અને ભાષાઓ ધીમે ધીમે ક્ષીણ થઈ ગઈ, તેમને દાયકાઓ સુધી જમીન માલિકી, સામાજિક ગતિશીલતા અને રાજકીય પ્રતિનિધિત્વથી વંચિત રાખવામાં આવ્યા. કરારપત્ર સમાપ્ત થયા પછી પણ, ઘણા લોકો તેમના નવા વતનમાં આર્થિક અને સાંસ્કૃતિક દેશનિકાલમાં રહ્યા. થોડા ભારત પાછા ફર્યા; ઓછા લોકો હજુ પણ તેમની મૂળ ઓળખ તેના શુદ્ધ સ્વરૂપમાં જાળવી શક્યા.
આજનું વાસ્તવિક સ્વરૂપ
આજના સમયની વાત કરીએ તો, ટ્રિનિડાડ અને ટોબેગાની અંદર લગભગ 35% વસતી ઇન્ડો-ટ્રિનિડાડિયનની છે. ઓએ રાષ્ટ્રના સાંસ્કૃતિક, કૃષિ અને બૌદ્ધિક જીવનમાં ખૂબ જ યોગદાન આપ્યું છે. તેમ છતાં, તેમની ઐતિહાસિક પીડાની હજી સુધી સ્થાનિક કે વૈશ્વિક સ્તરે કોઈએ નોંધ નથી લીધી. તેમની વાર્તાને સમર્થન આપતી કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ઝુંબેશ નથી, તેમના બળજબરીથી કરવામાં આવેલા વિસ્થાપનને પ્રકાશિત કરતો કોઈ યુએનનો દસ્તાવેજ નથી. કોઈ વૈશ્વિક ડાયસ્પોરિક ચળવળ નથી .
“મોદી ઈફેક્ટ”: ભૂલાયેલી ઓળખને ફરીથી સમજાવતો અવાજ
હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ટ્રિનિડાડ સહિત કરિબિયન દેશોની મુલાકાતે, ત્યાંના ઇન્ડિયન ડાયસ્પોરામાં નવો ઉલ્લાસ, ગર્વ અને નવી રુચિ જગાવી. ઘણા ઇન્ડો-ટ્રિનિડાડિયનો માટે, આ પહેલી વાર હતું જ્યારે કોઈ ભારતીય વડા પ્રધાને વિશ્વ મંચ પર તેમના ઇતિહાસને જાહેરમાં સ્વીકાર્યો હતો. મોદીના સંબોધનો, “પ્રવાસી ભારતીયો” તરીકે ઓળખ આપવાનું વલણ, આઉટરીચ પ્રયાસો અને પ્રતીકાત્મક અભિવ્યક્તિ, – જેમ કે ભોજપુરી-ભાષી સમુદાયોના સહિયારા વારસાને યાદ કરવા અને કરારબદ્ધ પૂર્વજોની સ્મૃતિનું સન્માન કરવાની વાતો, – ભોજપુરી સંસ્કૃતિનું સન્માન—આ બધાએ લાગણીભર્યો માહોલ ઉભો કર્યો. મંદિર, શાળાઓ અને સમુદાય કેન્દ્રોએ ભારતીય તિરંગો લહેરાવ્યો અને વંશ, સ્થિતિસ્થાપકતા અને સાંસ્કૃતિક જાળવણી વિશે આંતર-પેઢી સંવાદો શરૂ થયા. પરંતુ આ ફરીથી જોડાવાની લાગણી એ હકીકત તરફ પણ ઇશારો કરે છે—કે ભારત કદાચ હવે સાંભળે છે, પણ આખી દુનિયા હજુ ચૂપ છે.
વૈશ્વિક ભુલકકપન અને ન્યાયની અસમાનતા
શા માટે દુનિયા કેટલાક વિસ્થાપિત લોકોને યાદ કરે છે અને બીજાને ભૂલી જાય છે? એમના ભૂલવાનું કારણ એ કે ઇન્ડો-કરિબિયન સમુદાય ત્યાં યુદ્ધ કે શરણાર્થી કેમ્પોમાં નહીં, પરંતુ કાયદાના નેજા હેઠળ –ચતુરાઈપૂર્વક કરવામાં આવેલ કરાર હેઠળ આવ્યો હતો. તેમની વેદના શાંત હતી, બ્રિટિશ સંસ્થાનવાદની અમલદારશાહી ક્રૂરતામાં જડાયેલી હતી. આ આઘાત ટેલિવિઝન પર પ્રસારિત થયો ન હતો, પરંતુ તે વાસ્તવિક હતો.
બીજું કારણ છે સફળતાનો ભ્રમ. ઘણા ઇન્ડો-ટ્રિનિડાડિયનોએ સફળ જીવન જીવીને દેશના વિકાસમાં, રાષ્ટ્રના અર્થતંત્ર અને રાજકારણમાં અર્થપૂર્ણ યોગદાન આપ્યું છે. પણ સફળતા આઘાતને ભૂંસી શકતી નથી. એ માત્ર તેને ઢાંકી દે છે. હકીકતમાં જે નજરે નથી ચડતું એ સાંસ્કૃતિક નુકસાન, ઓળખની ક્ષતિ અને ન રૂઝાયેલા પરમ્પરાગત ઘાવનો ઇતિહાસ છુપાયેલો છે.
ટ્રિનિડાડ અને ટોબેગાની અંદર પણ ભારતીય સમુદાયની ઓળખ ઘણી વખત માત્ર રસોઈ, ગરબા અને દિવાળીની ઉજવણી સુધી સીમિત થઈ ગઈ છે. તેમની પાસેથી કેટલું લેવામાં આવ્યું હતું અને તેમને શૂન્યમાંથી કેવી રીતે તેઓને સર્જન કરવાની ફરજ પાડવામાં આવી હતી તેની કોઈ નોંધ નથી લેતું.
જાગૃત વિશ્વ માટેનો સંદેશ
મોદી જેવા નેતાઓના નેતૃત્વમાં ભારતની માન્યતા એક મહત્વપૂર્ણ શરૂઆત છે, એક નવો આરંભ છે. પણ એ કેવળ ઉપરછલ્લો કે માત્ર વાતચીત કે સંદેશ પુરતો સીમિત ન રહેવો જોઈએ. હવે જરૂર છે કે ઇન્ડો-ટ્રિનિડાડિયન સમુદાયના ઐતિહાસિક વિસ્થાપનને વૈશ્વિક મંચો પર સાચી ઓળખ મળે એ માટે પ્રમાણિક પ્રત્યન કરવાનો.
સિલેક્ટીવલિ ફર્ગેટફૂઉલ થઇ ટ્રિનિડાડ અને ટોબેગાના ભારતીયોને અવગણવા કરતા વૈશ્વિક ઐતિહાસિક ન્યાય અપાવી એને દરેક અભિયાન, દરેક પ્રવચન, દરેક ચળવળ માં સ્થાન આપવાની જરુર છે. તેઓ માત્ર તહેવારો માટે યાદ કરવાનો સમુદાય નથી—એ લોકો છે જેમણે ઘણી પેઢીઓ સુધી ન્યાય વિહોણું જીવન જીવ્યું છે.
આપણી ફરજ છે કે આપણે એમને ભવિષ્યમાં યાદ કરીએ—દયાથી નહીં, પણ ગૌરવથી, સમર્પણથી અને તેમની વ્યથાને વાચા આપવાની પ્રતિબદ્ધતા સાથે.
If you find the content on this blog site interesting, please do send us your feedback
at manbhavee@gmail.com and don’t forget to subscribe to www.maujvani.com.



