
રક્ષાબંધન માત્ર રક્ષાનું વચન નહીં,“હું તારી સાથે છું”એ સંબંધ રક્ષાબંધન આવે એટલે આંખ સામે એક પરિચિત અને સુંદર દૃશ્ય ઊભું થાય છે.
બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે. ભાઈ ભેટ આપે છે. મીઠાઈ ખવાય છે. ફોટા પડે છે. WhatsApp પર “Happy Raksha Bandhan”નાં મેસેજ ફરવા લાગે છે… અને થોડા કલાકો માટે એવું લાગે કે ભાઈ-બહેનના સંબંધમાં આનાથી વધુ પ્રેમાળ સંબંધ બીજો કોઈ હોઈ જ ન શકે!
જીવન ફરી રેગ્યુલર મોડ પર
ભાઈ ફરી બહેનનો ફોન જોઈને કહે છે, “હમણાં થોડો વ્યસ્ત છું.” બહેન પણ મનમાં વિચારે છે, “હા હા… બહુ જ વ્યસ્ત હશે!” અને બંનેને ખબર હોય છે કે આ “હમણાં” કદાચ ત્રણ દિવસ સુધી ચાલવાનું છે.
પણ કદાચ રક્ષાબંધનની સુંદરતા આ વિરોધાભાસમાં જ છુપાયેલી છે.
વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે એક નાનો દોરો આપણને યાદ અપાવે છે કે જીવન ભલે કેટલું પણ આગળ વધી ગયું હોય, આપણે ક્યાંકથી તો એકસાથે શરૂ કર્યું હતું.
બાળપણમાં ભાઈ-બહેનનો સંબંધ બહુ સરળ હોય છે.
એક ચોકલેટના બે ટુકડા કરવા હોય તો પહેલો ઝઘડો.
રમકડું કોનું?
ટીવીનું રિમોટ કોનું?
મમ્મી કોને વધારે પ્રેમ કરે છે?
અને જો બહેનની કોઈ ફરિયાદ હોય તો ભાઈનું સૌથી મોટું ડીફેન્સ મેકેનિઝમ તૈયાર—
“મેં કંઈ કર્યું જ નથી!”
હવે બાળપણ વિદાય લે છે :
શહેર બદલાય, નોકરી બદલાય છે, લગ્ન થાય છે, ઘર બદલાય છે, જવાબદારીઓ વધે છે અને ધીમે ધીમે એ સંબંધમાં ભૌગોલિક અંતર જ નહીં, સમયનું અંતર પણ આવી જાય છે.
જે ભાઈ સાથે દરરોજ ઝઘડો થતો હતો, તેની સાથે હવે અઠવાડિયામાં એક વાર વાત થાય છે.
જે બહેન સાથે બાળપણની દરેક વાત શેર થતી હતી, તેને હવે ક્યારેક મહિના પછી ફોન થાય છે. કોઈ ફરિયાદ નથી. કોઈ મોટો ઝઘડો નથી. કોઈએ સંબંધ તોડ્યો નથી.
માત્ર…
‘જીવન’ વચ્ચે આવી ગયું છે. ’જીવનશૈલી’ અટવાવી દે છે.
આજના સમયમાં તો આપણું જીવન પણ એવું થઈ ગયું છે કે બધાને પોતાની પોતાની પડી છે.
કોઈની deadline છે, કોઈની meeting છે, કોઈના બાળકો છે, કોઈનું ઘર છે, કોઈની EMI છે, અને કોઈ તો પોતાનાં “self-care”, પોતાના ફેમિલી ની ‘કેર કરવામાં’ જ કરવામાં જ એટલા અટવાયેલા હોય છે કે અને એટલા વ્યસ્ત હોય છે કે બીજાને પૂછવાનો કે બીજાને માટે ફાળવવા માટે સમય જ નથી મળતો કે—
પરંતુ આ બધાની વચ્ચે આપણી સંસ્કૃતિની એક અદ્ભુત વાત છે. રક્ષાબંધન આવે છે.
વર્ષો જૂના સંબંધના દરવાજા પર હળવેથી ટકોરા મારે છે-એક નાની રાખડી
“અરે… સમય કેટલો પણ બદલાયો હોય, આપણે હજી પણ સાથે છીએ.”
આપણે રક્ષાબંધનને ઘણીવાર એક જ વાક્યમાં સમેટી દઈએ છીએ—
“ભાઈ બહેનની રક્ષા કરશે.”
પરંપરાનો આ ભાવ ખૂબ સુંદર છે. પરંતુ કદાચ આજના આ બદલાયેલા ડિજિટલ યુગમાં રક્ષા બંધન ની વ્યાખ્યામાં ઉમેરો એટલે : રક્ષા એટલે માત્ર મુશ્કેલીમાં બચાવી લેવું નહીં.
ક્યારેક રક્ષા એટલે—
સામેની વ્યક્તિને તેની ભૂલો સાથે સ્વીકારી લેવી.
જ્યારે આખી દુનિયા કહે— “તું ખોટો છે.” ત્યારે તરત તેને સાચો સાબિત કરવાનો પ્રયત્ન પણ નહીં કરવો અને ખોટો સાબિત કરવાનો પણ નહીં. માત્ર એટલું કહેવું— “ચાલ, પહેલાં મને કહે… થયું શું?”
રક્ષા એટલે……..
રક્ષા એટલે સલાહ નહીં. માત્ર સાંભળવું.
ક્યારેક રક્ષા એટલે સામેની વ્યક્તિના નિર્ણય સાથે સંમત ન હોવા છતાં તેના નિર્ણયનો આદર કરવો. ક્યારેક રક્ષા એટલે કોઈને બચાવવા માટે તેની જિંદગી પોતાના હાથમાં લઈ લેવી નહીં, પરંતુ તેને પોતાની જિંદગી જીવવા માટે પૂરતી જગ્યા આપવી.
અને ક્યારેક રક્ષા એટલે કંઈ જ ન કરવું. માત્ર બાજુમાં ઊભા રહેવું. કારણ કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપનાર વ્યક્તિની જરૂર નથી હોતી. કેટલીક ક્ષણોમાં આપણને માત્ર એવી વ્યક્તિ જોઈએ છે જે કહે— “આ બધું તું એકલો નથી જીવી રહ્યો…હું તારી સાથે છું.”
કદાચ ભાઈ-બહેનના સંબંધની સૌથી મોટી તાકાત પણ અહીં જ છે. આ સંબંધમાં પ્રેમ ઘણીવાર બોલાતો નથી. તેની જાહેરાત થતી નથી. તે માટે રોજ motivational quote મૂકવાની પણ જરૂર પડતી નથી.
ક્યારેક બહેનનો એક ફોન આવે— “જમ્યો?” અને ભાઈને ખબર પડે કે પ્રશ્ન જમવાનો નથી.
પ્રશ્ન છે—“તું ઠીક છે ને?”
ભાઈનો મેસેજ આવે—“ઘરે પહોંચી?” અને બહેન સમજી જાય છે કે આ Google Maps નથી. ભાઈને ખરેખર મારી ચિંતા છે.
ક્યારેક જૂની શરારત યાદ આવે છે અને બંને હસે છે. ક્યારેક જૂની વાત યાદ આવે છે અને બંનેમાંથી કોઈ એક કહે—“એ વાત ફરી ક્યારેય ન યાદ કરાવતી!” અને સામેની વ્યક્તિ મનમાં વિચારે— “બરાબર… પણ હું ભૂલવાનો નથી.”
આ જ તો સંબંધ છે. ક્યારેક મતભેદ. ક્યારેક ગુસ્સો. ક્યારેક અઠવાડિયાઓ સુધી વાત નહીં.
પણ અંદર ક્યાંક એક વિશ્વાસ—“જરૂર પડશે ત્યારે આ વ્યક્તિ હશે.” અને કદાચ સંબંધો રોજ વાત કરવાથી નહીં, આ વિશ્વાસથી લાંબા જીવતા હોય છે.
વિશ્વાસનું પ્રતીક – રાખડી
એક નાનો દોરો. પરંતુ એની અંદર કેટલું બધું બંધાયેલું છે! સ્ટોર થયેલું હોય છે
બાળપણના ઝઘડા, સાથે ખાધેલી ચોકલેટ, ચોરીથી કરેલી શરારતો, મમ્મી-પપ્પાથી છુપાવેલી વાતો, એકબીજાની ફરિયાદોની આખી ફાઇલ, ક્યારેક અણબનાવ, ક્યારેક અહંકાર.
અને તેની વચ્ચે એવી લાગણી—જેને રોજ વ્યક્ત કરવાની જરૂર નથી પડતી. એટલા માટે રક્ષાબંધનને માત્ર “ભાઈ-બહેનનો તહેવાર” કહી દેવું કદાચ થોડું અધૂરું છે. આ તો એક એવો દિવસ છે જ્યારે આપણે એકબીજાના જીવનમાં પોતાની જગ્યા ફરીથી યાદ કરીએ છીએ, જેટલી જગ્યા છે એને વિસ્તારીએ છીએ…
અને અહીં એક સુંદર પરિવર્તન પણ આવ્યું છે. એક સમય હતો જ્યારે રક્ષા એટલે મુખ્યત્વે ભાઈ બહેનની રક્ષા કરશે એવું માનવામાં આવતું.
પરંતુ જીવન બદલાયું છે. સંબંધો બદલાયા છે. સમીકરણો બદલાયા છે, ભૂમિકાઓ બદલાઈ છે. આજે બહેન પણ ભાઈને ઘણી રીતે સંભાળે છે. તે તેની નિષ્ફળતા સાંભળે છે, તેના સંબંધોની ગૂંચવણ સમજે છે, તેની સફળતામાં સાચે ખુશ થાય છે, તેના અવાજમાંથી તેની અંદરની ચિંતા ઓળખી લે છે, અને ઘણી વખત તો ભાઈને જે વાત કોઈને કહી ન શકાય, તે બહેનને કહી શકાય છે.
ભાઈ પણ બહેન માટે માત્ર “રક્ષક” બનીને રહેતો નથી. તે તેના સપનાઓ માટે જગ્યા બનાવે છે. તેની પસંદગીઓનો આદર કરે છે. તેને શું કરવું જોઈએ એ નક્કી કરવાને બદલે ક્યારેક એટલું જ કહે છે—“તારો નિર્ણય છે. હું તારી સાથે છું.” આથી આજના સમયમાં કદાચ “રક્ષા”ની વ્યાખ્યા ફરીથી લખવાની જરૂર છે.
“તારો નિર્ણય છે. હું તારી સાથે છું.”
ભાઈનું વચન કદાચ એવું ન હોય— “હું તારી રક્ષા કરીશ.” પરંતુ— “તું તારી દુનિયા પોતાની રીતે જીવી શકે, એ માટે હું તારી પાછળ નહીં, તારી બાજુમાં ઊભો રહીશ.” અને બહેનનું વચન પણ એવું જ હોઈ શકે—“તારી દરેક લડાઈ હું લડીશ નહીં.
પરંતુ— “તારી લડાઈ તારી જ છે. પણ જ્યારે તને કોઈ સંભાળનાર કે સાંભળનારની જરૂર પડશે, હું અહીં જ હોઈશ.”
નાનો ફેરફાર જે સંબંધોનો વ્યાપ વધારે
સાચો પ્રેમ કોઈની જિંદગી પોતાના હાથમાં લઈ લેતો નથી. સાચો પ્રેમ કોઈને પોતાની જિંદગી વધુ નિર્ભયતાથી જીવવા દે છે. અને કદાચ ભાઈ-બહેનના સંબંધમાં આ સૌથી સુંદર સ્વતંત્રતા છે.
તમે સફળ હો કે નિષ્ફળ, સાચા હો કે ખોટા, મજબૂત હો કે તૂટી ગયા હો, તમારે તમારી જાતને છુપાવવાની જરૂર ન પડે. એવો સંબંધ એક પ્રકારનું emotional home બની જાય છે.
જ્યાં તમારે દર વખતે તમારું “best version” પ્રદર્શિત કરવાની જરૂર નથી પડતી, જ્યાં LinkedIn profile કરતાં તમારું બાળપણ વધારે જાણીતું હોય છે, જ્યાં તમારી સફળતાનો CV કોઈને જોઈએ નહીં, અને જ્યાં તમારી નિષ્ફળતા માટે કોઈ explanation પણ કદાચ જરૂરી ન હોય.
“તું મારો ભાઈ છે.” અને “તું મારી બહેન છે.” કદાચ ક્યારેક આટલું જ પૂરતું હોય છે.
આજના સમયમાં જ્યારે લોકો એક જ ઘરમાં રહીને પણ એકબીજાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે રક્ષાબંધન આપણને એક બીજી મહત્વની વાત યાદ અપાવે છે—
સંબંધ જાળવવા માટે હંમેશાં માત્ર વધુ સમય ફાળવવો જરૂરી નથી હોતો, ક્યારેક માત્ર સાચી જગ્યા જરૂરી હોય છે, એવી જગ્યા જ્યાં સંબંધને દરરોજ સાબિત ન કરવો પડે, જ્યાં દરેક વાતમાં સહમત થવું જરૂરી ન હોય, જ્યાં ગુસ્સો આવી શકે, મતભેદ થઈ શકે, થોડો સમય વાતચીત બંધ પણ થઈ શકે, પણ સંબંધની અંદરથી એક દરવાજો હંમેશાં ખુલ્લો રહે—
“જ્યારે જરૂર પડે ત્યારે પાછો આવી શકીશ.”
આ રક્ષાબંધન ને દિવસે કદાચ રાખડી સાથે એક નવું વચન પણ લઈએ.
એકબીજાના જીવનમાં નિયંત્રણ નહીં, વિશ્વાસ બનીશું. એકબીજાની પસંદગીઓનો આદર કરીશું. એકબીજાની નબળાઈની મજાક નહીં બનાવીએ. જ્યારે જરૂર હશે ત્યારે સલાહ આપીશું. અને જ્યારે સલાહની જરૂર નહીં હોય ત્યારે…ચુપ રહેવાની કળા પણ શીખીશું. એકબીજાની સફળતાથી ઈર્ષ્યા નહીં, આનંદ અનુભવવાનો પ્રયત્ન કરીશું. એકબીજાના જીવનમાં એટલી જગ્યા જરૂર રાખીશું કે સંબંધ શ્વાસ લઈ શકે.
અને સૌથી મહત્વનું—જ્યારે જીવન આપણને અલગ-અલગ રસ્તાઓ પર લઈ જશે, ત્યારે પણ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં એટલી જગ્યા જરૂરથી જાળવી રાખીશું કે જરૂર પડે ત્યારે ફરી પાછા આવી શકીએ.
કારણ કે રક્ષાબંધનનું વચન માત્ર બહારના જોખમોથી એકબીજાને બચાવવાનું ન હોવું જોઈએ. એ વચન હોવું જોઈએ—
સંબંધને સમયની ઉદાસીનતાથી બચાવવાનું.
વિશ્વાસને અંતરથી બચાવવાનું.
સંવાદને અહંકારથી બચાવવાનું.
અને સૌથી વધુ—
પ્રેમને “મારી વાત જ સાચી”ના અભિમાનથી બચાવવાનું.
જો આ આર્ટીકલ વાંચીને આપણી સનાતન સંસ્કૃતિ વિષે જીજ્ઞાશા જાગી હોય, અને તમને ગર્વનો અનુભવ થયો હોય તો કૃપયા maujvani.com સબસ્કાઇબ કરવા અને ઈન્સ્ટાગ્રામ પર maujvani_a _digital cafe ને
FOLLOW કરવા વિંનતી.
જો તમે માત્ર સબસ્ક્રાઈબ કરશો તો તમે મેળવશો, ચાર વિચારપ્રેરક (thought provoking) અને જે ક્યાંય પબ્લિશ ન થયા હોય તેવા આર્ટીકલ -પીડીએફ ફોર્મેટમાં
(અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાંથી જે ભાષાનું ચયન કરશો એ ભાષામાં).
જો તમે “સબસ્ક્રાઈબ કરવા ઉપરાંત ‘સપોર્ટ મોજવાણી’ માં યથાશક્તિ યોગદાન આપશો તો તમે મેળવશો,
જે અત્યાર સુધી પબ્લિશ ન થયા હોય તેવા 12 વિચારપ્રેરક આર્ટીકલ્સ પીડીએફ – ફોર્મેટમાં.
‘મોજવાણી’ને વોલન્ટરી સપોર્ટ આપવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર.
રાખડી કાંડા પર બંધાય છે. પણ તેનો સાચો અર્થ ત્યારે જ જીવંત રહે છે જ્યારે તે—
સ્મૃતિ પર બંધાય,
બાળપણ પર બંધાય,
વિશ્વાસ પર બંધાય,
અને સંબંધ પર બંધાય.
સમય બદલાય. શહેર બદલાય. જીવનશૈલી બદલાય. જવાબદારીઓ બદલાય. કદાચ ફોન કરવાની આવર્તન પણ બદલાય. પણ જો અંદરથી એક લાગણી જીવતી રહે કે—
“તું ગમે ત્યાં હો…જ્યારે જરૂર પડે ત્યારે હું તારી સાથે છું.”
Enjoying Maujvani? Buy Me a Coffee ☕

Maujvani is completely ad-free—no pop-ups, no banners, no interruptions. Every article is free to read.
I believe great thoughts deserve an uninterrupted space. If these stories, ideas, and conversations have added value to your day, you can help keep Maujvani independent and thriving by buying me a coffee.
Your support keeps this journey alive—and every contribution, big or small, means more thoughtful stories tomorrow.
☕ Support Maujvani. Keep the conversations brewing.
સાચી રક્ષા ક્યારેક કોઈને દુનિયાથી બચાવવી નથી હોતી.
ક્યારેક સાચી રક્ષા એટલી જ હોય છે— કે દુનિયા સામે લડતાં લડતાં એ વ્યક્તિને ક્યારેય એવું ન લાગે કે તે એકલી છે.
Happy Raksha Bandhan.



