
“કાલે પાકું!” આવતીકાલની રાહમાં આજને ક્યાંક ગુમાવી તો નથી રહ્યા ને?
કોઈ મિત્રનો ફોન આવે અને મળવાનું કહે તો જવાબ, “કાલે પાકું!”
સવારે વહેલા ઊઠીને ચાલવા જવાનો સંકલ્પ કર્યો હોય, પણ એલાર્મ વાગે ત્યારે મન કહે, “આજે થોડી ઊંઘ પૂરી કરી લઉં, કાલથી પાકું!”
વજન ઘટાડવું છે? કાલથી!
વ્યાયામ શરૂ કરવો છે? આવતા સોમવારથી!
કોઈ નવો કોર્સ કરવો છે? આવતા મહિનાથી!
જૂના મિત્રને ફોન કરવો છે? થોડો સમય મળે એટલે!
અને પોતાની કોઈ અધૂરી ઇચ્છા પૂરી કરવી છે? એના માટે તો હજી આખી જિંદગી પડી છે!
મજાની વાત એ છે કે આ વાક્ય આપણે બીજાને પણ કહીએ છીએ અને પોતાની જાતને પણ. બીજાને કહીએ ત્યારે સામેની વ્યક્તિને આશા બંધાય છે અને પોતાની જાતને કહીએ ત્યારે આપણને માનસિક શાંતિ મળે છે. જાણે આજની જવાબદારીમાંથી એક દિવસની રજા મળી ગઈ હોય!
પરંતુ એક નાનકડો સવાલ છે. આ જે કાલની આપણે આટલી રાહ જોઈ રહ્યા છીએ, એ ખરેખર આજ કરતાં વધુ સારી હશે એની ખાતરી છે ખરી ?
જો કે આવતીકાલ આવશે, એ વાત તો નક્કી જ છે, પણ આજ જેવી જ આવશે એની કોઈ ગેરંટી નથી!
આપણે ઘણી વાર એવું માનીએ છીએ કે અત્યારે પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે, એટલે થોડા દિવસ રાહ જોઈએ. પછી સમય મળશે, પૈસા હશે, જવાબદારીઓ ઓછી થશે, મન પણ તૈયાર થશે અને બધું અનુકૂળ થઈ જશે ત્યારે શરૂઆત કરીશું.
પરંતુ જીવનની એક વિચિત્ર ખાસિયત છે. એક જવાબદારી પૂરી થાય ત્યાં બીજી ઊભી હોય છે. એક મુશ્કેલીમાંથી બહાર નીકળીએ ત્યાં બીજી કોઈ રાહ જોતી હોય છે. જે સમયને આપણે ખાલી માનીને બેઠા હોઈએ છીએ, એમાં પણ કંઈક નવું ઉમેરાઈ જાય છે.
એટલે ઘણી વાર જે કામ આજે દસ મિનિટમાં થઈ શકે છે, એ કાલે દસ કલાક પણ માગી શકે છે!
જીવનમાં દરેક વસ્તુ એકસાથે મળતી નથી. ક્યારેક સમય હોય છે પણ પૈસા નથી હોતા. પૈસા હોય છે ત્યારે સમય નથી હોતો. સમય અને પૈસા બંને હોય ત્યારે શરીર સાથ નથી આપતું. અને આ ત્રણેય હોય ત્યારે સાથે જવા માટેનાં લોકો પાસે સમય નથી હોતો!
આ જ તો જીવનની ગોઠવણ છે!
દરેક અનુકૂળ સંજોગનો ઉપયોગ કરવો એ પણ એક સમજદારી છે.
આ વાત માત્ર પ્રવાસ કે મિત્રો પૂરતી મર્યાદિત નથી હોતી. સંબંધોમાં પણ આ જ વાત લાગુ પડે છે.
કોઈની સાથે અણબનાવ છે. મનમાં છે કે એક દિવસ શાંતિથી બેસીને વાત કરીશું. કોઈને માફી માગવી છે, કોઈને માફ કરવા છે, કોઈને કહેવું છે કે તમે મારા માટે કેટલા મહત્ત્વના છો. પરંતુ અહંકાર વચ્ચે આવી જાય છે. મન કહે છે, “હમણાં શા માટે? થોડા દિવસ પછી વાત કરીશું.”
પરંતુ એ થોડા દિવસો મહિનાઓમાં ફેરવાઈ જાય છે અને મહિનાઓ વર્ષોમાં પછી ક્યારેક એવું પણ બને કે જેની સાથે બે મિનિટ વાત કરવાની હતી, એની સાથે વાત કરવાની તક જ રહેતી નથી.
આપણે ઘણી વાર માની લઈએ છીએ કે લોકો હંમેશાં આપણી આસપાસ જ રહેશે. એમની પાસે પણ સમય હશે, લાગણીઓ હશે અને આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે વાત કરી શકીશું. પરંતુ લોકોની જિંદગી પણ આગળ વધે છે. એમની પરિસ્થિતિઓ બદલાય છે, પ્રાથમિકતાઓ બદલાય છે અને ક્યારેક તો જીવન જ બદલાઈ જાય છે.
લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની રાહ જોવાની જરૂર નથી હોતી.
કેટલાક લોકો વર્ષોથી કહેતા હોય છે કે પોતાનો વ્યવસાય શરૂ કરવો છે. નોકરીની સાથે કંઈક નવું કરવું છે. કોઈને લેખક બનવું છે, કોઈને સંગીત શીખવું છે, કોઈને ચિત્રકામ કરવું છે, તો કોઈને પોતાની એક નાની ફિલ્મ બનાવવી છે.
પણ શરૂઆત માટેની શરતોની યાદી બહુ લાંબી હોય છે. પહેલાં પૈસા ભેગા થાય, પછી સમય મળે, પછી ઘરની જવાબદારીઓ ઓછી થાય, પછી યોગ્ય માણસ મળે, પછી યોગ્ય જગ્યા મળે… અને પછી શરૂઆત કરીશું!
આપણે શરૂઆત કરતાં પહેલાં જ સફળતાની આખી વ્યવસ્થા ગોઠવવા બેસી જઈએ છીએ. જાણે શરૂઆત નહીં, સીધો ઉદ્ઘાટન સમારંભ કરવાનો હોય!
અહીં એક વાત સમજવા જેવી છે. તૈયારી કરવી અને કામ ટાળવું એ બે અલગ બાબતો છે. તૈયારી આપણને શરૂઆત માટે તૈયાર કરે છે, જ્યારે ટાળટૂળ આપણને શરૂઆતથી દૂર રાખવા માટે નવા નવા બહાનાં આપે છે.

આખરે KFCનો વ્યવસાય વિસ્તર્યો અને દુનિયાભરમાં ફેલાયો. franchising મોડેલ દ્વારા લોકોએ વ્યવસાયને સ્વીકાર્યો અને બ્રાન્ડની ઓળખ વધી.
આ કિસ્સો આપણને એક અલગ જ વાત સમજાવે છે. ક્યારેક આપણે કહીએ છીએ કે હવે બહુ મોડું થઈ ગયું છે, હવે શું નવું શરૂ કરવું? પરંતુ સેન્ડર્સે 65 વર્ષની ઉંમરે શરૂઆત કરી. એટલે શરૂઆત માટેની ઉંમર કરતાં શરૂઆત કરવાની તૈયારી વધુ મહત્ત્વની બની જાય છે.
ક્યારેક યોગ્ય સમયની રાહ જોવાની જગ્યાએ શરૂઆત કરીને જ યોગ્ય સમય ઊભો કરવો પડે છે.
પરંતુ આપણે તો રસ્તો દેખાય, ટ્રાફિક ઓછો હોય, પેટ્રોલ પૂરતું હોય, હવામાન સારું હોય અને પાર્કિંગ પણ મળી જાય પછી જ નીકળવાનું વિચારીએ છીએ!
અને ત્યાં સુધીમાં ગંતવ્યસ્થાન પર પહોંચવાની તક જતી રહે છે!
આનો અર્થ એવો નથી કે વિચાર્યા વગર નિર્ણય લઈ લેવો કે દરેક તક પાછળ દોડવું. કેટલીક બાબતોમાં રાહ જોવી જરૂરી છે. ક્યારેક યોગ્ય સમયની રાહ જોવા માં સમજદારી પણ છે. પરંતુ યોગ્ય સમયની રાહ જોવી અને સમયને જ પસાર થવા દેવો, એક્સ્ક્યુઝીસ આપવા એમાં ફરક છે.
આપણે ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ કે હું ખરેખર તૈયારી કરી રહ્યો છું કે પછી શરૂઆત ન કરવા માટે અથવા મોકૂફ રાખવા માટે એક નવું કારણ શોધી રહ્યો છું? કે પછી મારામાં આળસ ભરી છે? કે પછી મારા મનમાં કોઈ ડર ઘર કરી ગયો છે.
આજે આપણી પાસે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, શીખવા માટે અસંખ્ય સાધનો છે. છતાં કોઈ નવી આવડત શીખવી હોય તો વિચારીએ કે આવતા મહિને શરૂ કરીશું. આજે ચાલવા માટે સમય કાઢી શકાય એમ છે, છતાં વિચારીએ કે આવતા સોમવારથી પાકું. આજે પરિવાર સાથે બેસી શકાય એમ છે, છતાં મોબાઇલમાં સ્ક્રોલ કરતાં કરતાં રાત થઈ જાય છે.
આપણે કાલ માટે ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ, એ યોજનાઓ આજનાં દિવસે એ અમલમાં આવતી નથી જ્યારે સમય અનૂકુળ છે પણ આપણે યોજનાઓ આવતી કાલ માટે બનાવી છે જે કાલ ક્યારેય આવતી નથી. એ યોજનાઓ માત્રાર એ કાલની રાજ જોતી રહી જાય છે!
અને સૌથી મજાની વાત એ છે કે કાલે કરવાનાં કામની યાદી બનાવવામાં આપણે બહુ નિયમિત છીએ, પણ એ યાદીનાં અમલીકરણ માં એટલી નિયમિતતા નથી હોતી. માંથી કામ પૂરાં કરવામાં એટલી નિયમિતતા હોતી નથી!
કદાચ ‘કાલે પાકું’ શબ્દની પાછળ આળસ કરતાં પણ મોટી એક માનસિકતા છે. આપણને લાગે છે કે કાલે બધું વધુ સારું હશે. કાલે વધુ સમય મળશે, વધુ હિંમત આવશે, વધુ પૈસા હશે, વધુ સારા સંજોગો હશે.
પરંતુ આવતીકાલ કોઈ જાદુઈ દિવસ નથી. એ પણ એક દિવસ જ છે
જેમાં નવી જવાબદારીઓ, નવી મુશ્કેલીઓ અને નવા નિર્ણયો આપણી રાહ જોતા હશે. આજે જે અનુકૂળતા છે એનો ઉપયોગ નહીં કરીએ તો કાલે એ જ અનુકૂળતા શોધવા માટે કદાચ વધુ મહેનત કરવી પડશે. એટલે જીવનમાં દરેક બાબતને ઉતાવળે કરવાની જરૂર નથી, પરંતુ દરેક સારી બાબતને મુલતવી રાખવાની પણ જરૂર નથી.
કોઈને ફોન કરવાનો છે? આજે જ કરી નાખો.
કોઈને મળવાનું છે? આજે જ સમય કાઢો.
કોઈ સપનું પૂરું કરવાનું છે? હાલ તરત જ એ દિશામાં પહેલું પગલું ભરો.
કંઈક નવું શીખવું છે? આજે જ શરૂઆત કરો.
અને હા, જેની સાથે સમય વિતાવવો છે એ લોકો માટે સમય કાઢો. કારણ કે સમયની સૌથી મોટી મર્યાદા એ છે કે એ પાછો આવતો નથી. પૈસા ફરી કમાઈ શકાય, ગુમાવેલી તકના બદલામાં બીજી તક મળી શકે, પરંતુ પસાર થઈ ગયેલી ઉંમર, સંબંધોમાંથી સરકી ગયેલી નિકટતા અને ગુમાવેલી ક્ષણો પાછી મેળવી શકાતી નથી.
તો હવે એક નાનકડો પ્રયોગ કરીએ.
છેલ્લા ઘણા સમયથી જે એક કામ માટે આપણે વારંવાર ‘કાલે પાકું’ કહી રહ્યા છીએ, એમાંથી એક કામ પસંદ કરીએ. આખું કામ પૂરું કરવાની જરૂર નથી. બસ, આજે એની શરૂઆત કરીએ.
અને પછી જોઈએ કે જે કામ માટે આપણે મહિનાઓથી યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા, એની શરૂઆત કરવા માટે આજનો સમય જ અનૂકુળ હતો!
કારણ કે કાલે બધું અનુકૂળ હશે એવી આશામાં આજની અનુકૂળતા ગુમાવવી એ પણ એક પ્રકારની નાદાની જ છે.
હવે એક સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે…
આપણે ખરેખર કાલની રાહ જોઈ રહ્યા છીએ કે પછી આજનો ઉપયોગ કરવાની જવાબદારીથી બચી રહ્યા છીએ?
અને હા, જો કે આ સવાલનો જવાબ પણ ‘કાલે પાકું’ કહીને ન આપતા!
મોજવાણી પર તમારો વિચાર મૂકો.


